________________
૭૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
ઉપરાંત અર્થાન્તરન્યાસનો પણ ઠીકઠીક ઉપયોગ કર્યો છે. પરિણામે એમની કેટલીક પંક્તિઓ સુભાષિત કે કહેવત જેવી બની ગઈ છે. ઉ. ત–
એક વયરી, વિષવેલડી એ બિહું, ત્રીજી વ્યાધિ, જાઉ ઉગતી છેદીઇ, તુ સિરિ હુઈ સમાધિ. કડૂ ફલ નવિ લાગઈ અંબિ, સોનઈ કિહુઈ ન લાગઈ અંખિ. માણિકિ મલ ન બઈસઈ સાર, સીલ ન ચૂકઈ વિમલ કુંઆર. નાહનઉં સીહ તણી બાચડુ, મોટા મયગલથી તે વડુ. બોલઈ બોલઈ વાધઈ રાઢિ, કાંટઈ કાંટાઈ વાધઈ વાડિ.
કલિયુગનું વર્ણન, રોમનગરના સુલતાનની બીબીઓનો પ્રસંગ, બંભનિયાના રાજા સાથેનો યુદ્ધપ્રસંગ, વિમલનો ચંદ્રાવતીમાં સત્કાર ઈત્યાદિ પ્રસંગોના નિરૂપણમાં કવિ લાવણ્યસમયની વર્ણનશક્તિનો સારો પરિચય મળી રહે છે. ધર્મોપદેશપ્રધાન કૃતિ હોવાને કારણે એનો પ્રધાન રસ શાંત હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં કેટલાક પ્રસંગોના આલેખનમાં વીરરસ અને હાસ્યરસનું પણ અચ્છે નિરુપણ થયું છે. આમ સમગ્રપણે જોતાં વિમલપ્રબંધ આપણા મધ્યકાલીન સાહિત્યની અને વિશેષતઃ આપણા પ્રબંધસાહિત્યની એક મહત્ત્વની કૃતિ છે એમ અવશ્ય કહી શકાય.
કરસંવાદ જેનોના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ વરસીતપના પારણે શ્રેયાંસકુમારને ત્યાં પધારે છે એ પ્રસંગે શ્રેયાંસકુમાર ભગવાનને ઈક્ષરસ વહોરાવે છે. તે પ્રસંગે ભગવાનના બે હાથમાંથી કયો હાથ ભિક્ષા માટે આગળ આવે એ વિશે બંને હાથ વચ્ચે વિવાદ થાય છે, અને જમણો અને ડાબો બંને હાથ પોતપોતાની મહત્તા બતાવવાનો પ્રયત્ન કરે છે. છેવટે બંનેની મહત્તા બતાવી ભગવાન બંને વચ્ચે સંપ કરાવે છે. એ “કરસંવાદ (રચના ઈ. ૧૫૧૯)નું કથાવસ્તુ છે. આ કલ્પિત સંવાદની રચના કવિએ દોહરો અને ચોપાઈની ૭૦ કડીમાં કરી છે, જેમાં ચાતુરી અને વિનોદના તત્ત્વ ઉપરાંત કવિની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિની અને જ્યોતિષના જ્ઞાનની પ્રતીતિ થાય છે. (કવિ સમયસુંદરે અને નયનસુંદરે અનુક્રમે ઈ.સ. ૧૬૦૯ માં અને ઈ.સ. ૧૬ ૧૭ માં રચેલા નલદવદંતી રાસમાં પણ દવદંતીના ત્યાગ સમયે વસ્ત્ર ફાડવાનું કામ નળનો કયો હાથ કરે એ પ્રસંગે કરસંવાદની યોજના કરી છે.)
નેમિરંગરત્નાકરછંદ નેમિનાથના જીવનચરિત્રને લઈ મધ્યકાળના અનેક કવિઓએ નાની-મોટી સંખ્યાબંધ