________________
૭૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
કરી હતી અને એ બંને યાત્રા પ્રસંગે પોતે અનુક્રમે ૩૫ કડીની નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ અને ૧૫ કડીની સેરીસા પાર્શ્વનાથ સ્તવ નામની સ્તુતિના પ્રકારની રચના કરી હતી. આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનનાં બીજાં બે તીર્થસ્થળો તે અંતરીક્ષ પાર્શ્વનાથ અને જીરાઉલા પાર્શ્વનાથ વિશે પણ તેમણે રચનાઓ કરી છે.
લાવણ્યસમયે સિદ્ધાંતચર્ચાની જે કેટલીક કૃતિઓ રચી છે એમાં મૂર્તિનિષેધનું અનાકુલ ખંડન અને મૂર્તિપૂજા-વિચારનું પ્રતિપાદન કરતી, ૧૧૮ કડીની લંકટવદન ચપેટ - ચોપાઈ / સિદ્ધાંત ચોપાઈ (ર.ઈ. ૧૪૮૭) તથા જૈન સિદ્ધાંતો વિશે શિષ્ય ગૌતમના મનમાં જાગેલા સંશયોનું મહાવીર સ્વામીએ કરેલું નિરાકરણ નિરૂપતી (અમૃતવાણી- અભિધાન, ગૌતમપૃચ્છા ચોપાઈ (ર. ઈ. ૧૪૮૯) મુખ્ય છે.
લાવણ્યસમયની અન્ય કૃતિઓ આ મુજબ છે :
આલોયણ વિનતી, સેરીસાપાર્શ્વનાથ સ્તવન, રાવણમંદોદરી સંવાદ, વૈરાગ્ય વિનતી, સુરપ્રિય કેવલી રાસ, દેવરાજ-વચ્છરાજ ચોપાઈ, અન્તરિક પાર્શ્વનાથ છંદ, ચતુર્વિશતિ જિન સ્તવન, સૂર્યદીપવાદ છંદ, સુમતિસાધુ વિવાહલો, બલિભદ્ર - યશોભદ્રરાસ, ગૌતમ રાસ, ગૌતમ છંદ, પંચતીર્થસ્તવન, જીરાઉલા પાર્શ્વનાથ વિનતી, રાજિમતી ગીત, ઓગણત્રીસ ભાવના, પાર્શ્વનાથ જિનસ્તવન પ્રભાતી, આમ્બબોધ, નેમરાજુલ બારમાસો, વૈરાગ્યોપદેશ, ગર્ભવેલી, ગૌરી સાંવલી, ગીતવિવાદ તથા કેટલીક સઝાયો.
જ્ઞાનચંદ્ર સોરઠ ગચ્છના ક્ષમાચંદ્રસૂરિની પરંપરામાં વીરચંદ્રસૂરિના શિષ્ય કવિ જ્ઞાનચંદ્રસૂરિની કથાસાહિત્ય વિષયક ત્રણ કૃતિઓ મળી આવે છે : (૧) વંકચૂલનો પવાડી રાસ (ઈ.સ. ૧૫૧૧), (૨) વેતાલ પચવીસી (ઈ.સ. ૧૫૩૯) અને (૩) સિંહાસન બત્રીસી (ઈ.સ. ૧૫૪૫). આ ઉપરાંત કવિએ ૧૮ કડીમાં નેમિ-રાજલ બારમાસી કૃતિની પણ રચના કરેલી છે. કવિની કૃતિઓમાં એમની સિંહાસન બત્રીસી સૌથી વધુ નોંધપાત્ર છે. આ કૃતિની રચના ત્રણ ખંડમાં, ૧૦૩૪ કડીમાં કવિએ કરી છે. કવિની પાસે વાર્તાકથનની વેગવંતી શૈલી છે. સ્થળે સ્થળે એમણે સુંદર, અલંકારયુક્ત વર્ણનો આપ્યાં છે અને એમાં કહેવતો, સુભાષિતો પણ વણી લીધાં છે. ઇન્દ્રસભાનું વર્ણન, નગર ફરતા બનાવેલા તાંબાના કોટનું વર્ણન, ગણિકા અને ભર્તુહરિના પ્રસંગનું વર્ણન વિક્રમના ઉપવનવિહારનું વર્ણન, દેવીની શક્તિનું વર્ણન, લીલાવતીના ચારિત્ર્યનું વર્ણન ઇત્યાદિ વર્ણનોમાં કવિની વિશિષ્ટ શક્તિનો પરિચય થાય છે. કવિએ અન્ય પદ્યવાર્તાકારોની જેમ નારીસ્વભાવ, દરિદ્રતા, જુગાર વગેરે વિષયો ઉપર પ્રસંગે પ્રસંગે પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યા છેઅને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે.