________________
જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦-૧૬૦) ૭૯
આ કૃતિ ભાષા, છંદ, વર્ણનો, અલંકારો, સૂક્તિઓ ઈત્યાદિની દષ્ટિએ મહત્ત્વની બની રહે છે અને આ વિષયની જૈન કવિઓની કૃતિઓમાં તે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી યોગ્યતા ધરાવે છે.
સહજસુંદર ઈસવી સનના સોળમા સૈકાના આરંભમાં થઈ ગયેલા કવિઓમાં કવિ સહજસુંદર ગણનાપાત્ર છે. ઈ.સ. ૧૫૧૪ થી ૧૫૩૯ સુધીની તેમની રચનાઓ મળે છે. સહજસુંદરે ઈલાતીપુત્ર સજઝાય, ગુણરત્નાકર છંદ, ઋષિદત્તારામ, રત્નાકુમાર ચોપાઈ, આત્મરાજ રાસ, પરદેશી રાજાનો રાસ, શુકરાજસાહેલી, જંબુ અંતરંગ રાસ, યૌવનજરાસંવાદ, તેતલીમંત્રીનો રાસ, આંખકાનસંવાદ, સરસ્વતી છંદ, આદિનાથ શત્રુંજય સ્તવન, શાલિભદ્ર સજઝાય, જઈનવેલિ ઈત્યાદિ રાસ, સ્તવન, સઝાય, છંદ, સંવાદના પ્રકારની નાનીમોટી કૃતિઓની રચના કરી છે. ગુણરત્નાકર છંદ અને ઋષિદરા રાસ એમાં વિશેષ મહત્ત્વની છે.
સહજસુંદર ઉપકેશ ગચ્છના આચાર્ય સિદ્ધિસૂરિના શિષ્ય રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. તેઓ સંસ્કૃતના પણ પ્રકાંડ પંડિત હતા. એમણે સંસ્કૃતમાં વ્યાકરણ પ્રથમ પાદ: નામના ગ્રંથની રચના ઈ.સ. ૧૫૨૫માં કરી હોવાનો ઉલ્લેખ મળે છે. સંસ્કૃત ભાષા ઉપરના તેમના પ્રભુત્વને કારણે તેનો પ્રભાવ તેમની ગુજરાતી કૃતિઓ ઉપર પણ પડ્યો છે. એથી એમની કૃતિઓમાં ક્યારેક સંસ્કૃત તત્સમ શબ્દોનો ઉપયોગ વધુ જોવા મળે છે.
* ગુણરત્નાકર છંદ જૈન પરંપરામાં અતિપ્રસિદ્ધ સ્થૂલિભદ્ર-કોશાના કથાનકને વિવિધ ચારણી) છંદમાં રજૂ કરતી ૪૧૯ કડીની આ દીર્ઘરચનાઈ. ૧૫૧૬)ને સ્થૂલિભદ્ર છંદ એવા અપરનામે પણ ઓળખાવવામાં આવે છે. જો કે લગભગ બધી જ હસ્તપ્રતોમાં ગુણરત્નાકર છંદ એ નામનો જ નિર્દેશ થયો છે. કૃતિના નાયક સ્થૂલિભદ્રને ગુણોના રત્નાકર કહેવામાં આવે છે એ દષ્ટિએ કૃતિનામ સાર્થક છે.
સમગ્ર કૃતિના કથાનકને ચાર ‘અધિકાર' પ્રકરણોમાં વિભાજિત કરીને મૂક્યું છે. દરેક અધિકારમાં અનુક્રમે ૬૮, ૧૬૦, ૧૦૪, ૮૭ છંદ (=કડી) મળે છે. આવી યોજનાને લીધે સમગ્ર કૃતિ સુદઢ આકાર ધારણ કરે છે. કથાનકના ખંડો વચ્ચે પણ એથી સંતુલન સધાયું છે.
કૃતિનો આરંભ પરંપરાગત રીતે, સરસ્વતીની સ્તુતિથી થાય છે. સ્થૂલિભદ્રના ગુણવર્ણન માટે દેવી પાસે બુદ્ધિ, મતિ અને વાણીની યાચના કવિ કરે છે. એ પછી