________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો પદ્યસાહિત્ય) ૫૩
જ્યારે મૂળ કથાનું એક પાત્ર અન્ય પાત્રને દષ્ટાન્ત કથા કહેતું હોય, ત્યારે મૂળ કથામાં જે કથક અને શ્રોતાનો ઉલ્લેખ થયો હોય, તે આખ્યાનમાં યથાવત રહેતો. ગુજરાતી આખ્યાનકારો, મૂળ કથાના આખ્યાતા અને શ્રોતા, તેમ જ દૃષ્ટાન્તકથાના આખ્યાતા તથા શ્રોતા મૂળ પ્રમાણેના જ રાખતા. જેમ કે મહાભારતના નલોપાખ્યાન'માં મૂળ કથા વૈશમ્પાયનમુનિ જન્મેજયને કહે છે, અને કથાનું એક પાત્ર યુધિષ્ઠિર અર્જુનવિરહે દુઃખી છે, તેને સાંત્વન આપવા બૃહદેશ્વમુનિ તેને નળનું ઉપાખ્યાન કહે છે. ગુજરાતીમાં નળાખ્યાન સ્વતંત્ર કૃતિ હોવા છતાં વૈશંપાયન જનમેજયને નળની કથા કહે છે એ પ્રમાણે શરૂઆત કરી. પછી યુધિષ્ઠિરનું દુઃખ દર્શાવી બૃહદશ્વ મુનિ જ નળનું આખ્યાન કહે છે, એમ દર્શાવાયું છે. આ રીતે આખ્યાનમાં પણ ઉપાખ્યાનની કથનરીતિ જળવાઈ છે.
પ્રસંગનિરૂપણની દ્રષ્ટિએ વિચારતાં આખ્યાનકાર ફક્ત પ્રસંગોનું નિરૂપણ જ કરતો નથી, પણ પાત્રોની માનસપ્રક્રિયા, અને મનોવ્યાપારો પણ દર્શાવે છે. પાત્રોનાં અંગવસ્ત્રાભૂષણનાં, નગરનાં, વનનાં, સ્વયંવરનાં વર્ણન કરે છે અને પોતાનું વર્ણનકૌશલ દર્શાવે છે. તથા સમકાલીન યુગની સમાજરચનાની ઝાંખી કરાવે છે. નળાખ્યાનમાં હંસે દમયંતી સમક્ષ કરેલું નળનું વર્ણન, ભયંકર વનમાં દમયંતીનો ત્યાગ કરતી વખતે નળના મનમાં પરસ્પરવિરોધી વૃત્તિઓનું ઘમસાણ, હારચોરીના આળ વખતે દમયંતીની મનોવેદના આખ્યાનકારોની કથાના પ્રસ્તુતીકરણની શક્તિનાં દ્યોતક છે.
જોકે આખ્યાનકારોનાં કેટલાંક વર્ણનો રસને બાધક અને કથાપ્રવાહને સ્થગિત કરનારાં પણ નીવડે છે. વનવર્ણનોમાં વૃક્ષોની કે ભોજનમાં વર્ણનોમાં વાનગીઓની યાદી આવતી, જે રસાસ્વાદમાં બાધક નીવડે છે. એમ લાગે છે કે એ યુગના શ્રોતાજનોનો રસ અને રુચિને એ અનુરૂપ હશે.
કથાપ્રવાહને સ્થગિત કરનારું અન્ય એક તત્ત્વ, આખ્યાન ધર્મકથા હોવાથી એમાં લાંબી ઈશ્વરસ્તુતિઓ આવતી, જે કથાને આગળ ધપાવવામાં વિક્ષેપક હતી. કાલિદાસકૃત પ્રહલાદાખ્યાન'માં એટલી બધી સ્તુતિઓ આવે છે કે કથા તો માત્ર અનેક સ્તુતિઓની સાંધણકડી બની રહે છે અને આખ્યાન સ્તુતિસંગ્રહ જેવું બની જાય છે. ભાલણના “ચંડીઆખ્યાન'માં ૫૮ પંક્તિઓની ત્રણ દીર્ઘ ઈશ્વરસ્તુતિઓ આવે છે.
આખ્યાનનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ રસવૈવિધ્ય છે. આખ્યાનનું વિસ્તૃત કથાફલક હોવાથી કવિને વિવિધ રસોનું નિરૂપણ કરવા પૂરતો અવકાશ મળી રહેતો; ને કવિ એકાદ બે રસોને પ્રધાનતયા નિરૂપી, ઈતર ગૌણ રસોનું આલંબન લેતો અને એ રીતે શ્રોતાઓને કથારસમાં તલ્લીન બનાવી દેતો. પ્રેમાનંદ જેવા સમર્થ કવિ તો