________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૫૭
હંસાવલી, શામળની ‘પદ્માવતી' વાર્તામાં સુલોચના ને પદ્માવતી; એની ‘મદનમોહના’ની નાયિકા મોહના વગેરે આ પ્રકારની મધ્યકાલીન વાર્તાઓની પ્રતિનિધિ નાયિકાઓ છે. આથી સ્ત્રીપાત્રો સમક્ષ પુરુષપાત્રો અત્યંત નમાલાં તથા નિસ્તેજ લાગે છે.
મધ્યકાલીન વાર્તા શ્રોતાઓ માટે એક એવી સૃષ્ટિ ઊભી કરતી કે, જ્યાં એ લોકો વાસ્તવિક સૃષ્ટિનાં બંધનો ને નિષેધોમાંથી મુક્ત થઈ યથેચ્છ વિહરી શકે. ધર્મકથાના ઉચ્ચ આદર્શો જ્યારે અકળાવી મૂકે ત્યારે ધર્મ અને નીતિનું સામ્રાજ્ય જ્યાં ન હોય એવી સૃષ્ટિમાં શ્રોતાઓને પલાયન કરવાની સગવડ વાર્તા પૂરી પાડતી. આ વાર્તાઓમાં કન્યા પોતે જ પ્રેમલગ્ન કરતી, કારણ કે બાળલગ્નના રિવાજને કારણે કન્યાને વ્યવહારજીવનમાં એ છૂટ મળતી નહિ, ઘૂમટા અને લાજ કાઢવાનો રિવાજ હોવાથી સ્ત્રીઓનું મુખ જોવા મળતું નહિ એવા યુગમાં પુરુષના વેશમાં ફરતી, અને પુરુષના જેવાં સાહસો કરતી સ્ત્રી વાર્તાઓમાં મળતી, પરન્તુ લોકકથાની વાર્તાઓમાં આપણને વાસ્તવિક પરિસ્થિતિનાં દર્શન થાય છે. એમાં પલાયનવાદ નથી, આથી એમાં મોટેભાગે પ્રેમીઓનો કરુણ અંજામ જ દર્શાવેલો હોય છે.
કથાઓના નિરૂપણની દૃષ્ટિએ એને બે વિભાગોમાં વહેંચી શકાય : પ્રેમકથાઓ અને અદ્ભુત કથાઓ. પ્રેમકથાઓમાં પ્રથમ દૃષ્ટિએ પ્રેમ, પછી વિરહ અને અંતે પુનર્મિલન એ જાતનો ક્રમ રહેતો. માધવકૃત ‘રૂપસુંદરકથા’, ગોપાળ ભટ્ટનું ‘ફૂલાંચિરત્ર’, શામળની મદનમોહના’ ને પદ્માવતી', એ સર્વે, તેમજ લોકકથાની ‘મેહ-ઉજળી’, ‘નાગ-નાગમદે', ‘શેણી-વિજાણંદ'; એ પ્રેમકથાઓ છે. એમાં પ્રથમ દૃષ્ટિએ પ્રેમનો વિકાસ, દંપતીનું અલગ થવું ને મિલન એ ક્રમ છે. એમાં પ્રેમત્રિકોણ આવતો નથી. એમાં વિઘ્નો માબાપ કે સમાજ તરફથી જ આવે છે. આ કથાઓ ત્રણ વિભાગમાં વહેંચી શકાય : પ્રથમ વિભાગમાં વર્ણનપ્રધાન કથાઓ આવે છે, જેમાં વર્ણનોની અધિકતા હોય છે, બીજી કથનપ્રધાન જેમાં ગતિમય નિરૂપણ હોય છે, અને ત્રીજી શેણીવિજાણંદ' જેવી ભાવપ્રધાન કથાઓ, જેમાં હૃદયના ભાવોનું જ સવિશેષ ચિત્રણ હોય છે.
બીજો મુખ્ય વિભાગ કૌતુકપ્રધાન અથવા અદ્ભુત કથાઓનો છે. એમાં ચમત્કારોની અધિકતા હોય છે. પંચદંડ', ‘વિક્રમની કથાઓ’ તથા ‘નંદબત્રીસી’ વગેરે ચમત્કારપ્રધાન કથાઓ છે. આ ચમત્કારો કાં તો ધાર્મિક શ્રદ્ધા વધારવા અથવા સામાન્ય જનની કૌતુકપ્રિયતા સંતોષવા નિરૂપાતા. ‘નંદબત્રીસી'માં પ્રધાનપત્ની એના સતીત્વના પ્રભાવે વિના અગ્નિએ બળે અને રાજાને સજીવન કરે એ ધર્મશ્રદ્ધા જન્માવનારો ચમત્કાર છે. જ્યારે ‘વિદ્યાવિલાસિની' જેવી કથામાં માનવનું પોપટમાં પરિવર્તન થાય એ સામાન્ય