________________
૬૨
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
જેવી કૃતિઓ પણ રચાઈ છે.
છંદ પ્રકારમાં મુખ્યત્વે દેવસ્તુતિ જ હોય છે. ઈશ્વરી છંદ’ (શ્રીધર), ‘ભયણ છંદ' (મયણબ), ‘અંબિકા છંદ’ (કીર્તિમેરુ), ‘અંબિકાનો છંદ’, ‘ભવાનીનો છંદ’, (નાકર), ‘રંગરત્નાકરનેમિનાથછંદ’ ‘શ્રીસૂર્યદીવા-વાદ છંદ’ (લાવણ્યસમય), ‘ભારતી છંદ' (સંઘવિજય), ‘શારદા છંદ', રાવ જેતસીરો છંદ’, ‘ગુણરત્નાકર છંદ' વગેરેમાં દેવ-દેવીની સ્તુતિઓ, સ્તોત્રો, શૃંગારનાં નિરૂપણો, ચિરત્ર તેમ સંવાદ પણ છે. ‘નેમિરંગરત્નાકરછંદ'માં પૌરાણિક પણ ઉદાત્ત પ્રસંગ આલેખાયો છે. ‘રમણલ્લછંદ' એ વી૨૨સનું જુદા જ પ્રકારનું કાવ્ય છે. ઝડઝમકવાળી ભાષાના એ પ્રબંધ જ છે. ચર્ચરી એ રાસની જેમ ઉત્સવાદિ પ્રસંગે ગવાતી રચનાને અપાયેલી સંજ્ઞા છે. એવી જ એક સંજ્ઞા ‘હમચડી’-હીંચ પણ છે. જૈન ગચ્છોની આચાર્ય-પરંપરાના વર્ણન માટે પટ્ટાવલી’-ગુર્વાવલી’ પણ લખાઈ છે.
ઉપદેશપ્રધાન પદ્યસાહિત્યમાં ‘માતૃકા-કક્કા’માં માસ, તિથિ, વારની સંકલનાની જેમ વર્ણમાલાની કડીબદ્ધ સંકલના જોવા મળે છે. ‘પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ’માં આવી . કેટલીક પ્રાચીન કૃતિઓ સંગ્રહાઈ છે. એમાં પ્રત્યેક વર્ણથી પ્રારંભાઈને પદ્યો રચાયાં છે. એને પાછળથી બાવની’ એવું નામ પણ અપાયું છે. અખો, પ્રીતમ જેવાએ પણ આ પ્રકાર ખેડ્યો છે. એ જ રીતે, વ્યવહાર-સલાહ વગેરે આપવા માટે હિતશિક્ષા'નો પ્રકાર પણ લખાયો છે. ભોજા જેવા કવિએ સમાજ વગેરેમાં જોવા મળતાં દંભ માટે ‘ચાબખા'નો પ્રકાર આપ્યો છે. હાસ્ય-કટાક્ષ દ્વારા ઉપદેશ અને સુધારણાનો હેતુ એમાં સમાયેલો છે. ધીરાએ એનાં પદોને ‘કાફી' સંજ્ઞા આપી છે.
નામેહ’ નામા’ પ્રકારમાં પારસીઓએ કેટલાક ચરિત્રગ્રંથો આપ્યા છે. ‘ઝરથોસ્તનામેહ’ અને ‘સિયાવક્ષનામેહ' એના નમૂના છે.
ઋતુની અનુભવવાણીને આલેખતાં ભડલી વાક્યો પણ ગુજરાતીમાં જાણીતાં છે. એમાં દીર્ઘ અનુભવ અને કુદરતના નિરીક્ષણને આધારે કેટલાંક પરિણામો સૂત્રાત્મક રીતે સચવાયાં છે. ખેડૂત વર્ગમાં, વરસાદ વગેરે અંગેનાં કેટલાંક દુહાપદ્યો અત્યંત પ્રચલિત છે. ઋતુરહસ્યોને સંક્ષેપમાં પ્રગટ કરતી એ વાણી, ભવિષ્યવાણી તરીકે પ્રચાર પામી છે. લાંબા અનુભવ પછી ઋતુપલટાઓમાં જોવા મળતા કેટલાક નિયમો એમાં છટાદાર વાણીમાં વ્યક્ત થયા છે.
સંદર્ભનોંધ
૧. ‘ગુજરાતી કાવ્યપ્રકારો', પૃ. ૧૪૬
એ જ પૃ ૧૪૬
૨.