________________
૬૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
પણ બની છે.
સ્તવન ઉપરાંત સજઝાય અથવા સઝાય (સ્વાધ્યાય પરથી)ના પ્રકારની રચનાઓ પણ આ સમયમાં ઠીકઠીક લખાઈ છે. જૈન મંદિરોમાં સ્તુતિ માટે જેમ સ્તવનના પ્રકારની રચનાઓ થઈ તેમ જૈન ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કે અન્ય ધાર્મિક વિવિધ માટે, તો ક્યારેક કેવળ સ્વાધ્યાય માટે, આ પ્રકારની ગેય રચનાઓ લખાવા લાગી. એમાં એવા વિષયો પસંદ કરવામાં આવતા કે જેથી પાપની આલોચના થાય, કષાયોનો ક્ષય થાય, જીવન શુદ્ધ બને અને કર્મક્ષય થતાં આત્મા ઉન્નત દશા પ્રાપ્ત કરે. આથી સજઝાયોનો હેતુ કે ઉપદેશ આત્મચિંતનનો રહેતો. અઢાર પાપસ્થાન, ક્રોધ, માન, માયા, લોભ, નવતત્ત્વ, બાર વ્રત, અષ્ટકર્મ, અગિયાર બોલ, ઈત્યાદિ ઘણા વિષયો પર સજઝાયો લખાયેલી છે. ક્યારેક કોઈ પ્રસંગ કે કથાનક પરથી કે આત્મચિંતનના હેતુથી લખાયેલી સજઝાયોમાં તેવા પ્રસંગ કે કથાનકનું સંક્ષેપમાં નિરૂપણ થયેલું હોય છે. પાંચ પાંડવની સજઝાય, સોળ સતીની સજઝાય, ખંધકસૂરિની સજઝાય વીરસેન સજઝાય, દઢપ્રહારી સજઝાય ઈત્યાદિ સજઝાયોમાં એ પ્રમાણે નિરૂપણ જોવા મળશે.
જૈન મંદિરોમાં સવારસાંજ સ્તુતિ કરવાને અર્થે સ્તવનો લખાયાં. ઘરે કે ઉપાશ્રયમાં સવાર સાંજ પ્રતિક્રમણ અર્થે અને અન્ય સમયે સામાયિક વગેરે ધાર્મિક ક્રિયા કરતી વખતે સ્વાધ્યાય અર્થે સજઝાયો લખાઈ. પ્રભાતમાં ઊઠી તરત ગાવા માટે પ્રભાતિયાં અથવા છંદ લખાયાં. તદુપરાંત આ સમયમાં બીજો એક પ્રકાર વિકસ્યો તે પૂજાનો છે. તીર્થકર ભગવાનની પ્રતિમાને વિધિપૂર્વક સ્નાન પ્રક્ષાલ) કરાવી પૂજા કરવા માટે સ્નાત્રપૂજા નામની કૃતિઓ લખાઈ. વળી ખાસ પ્રસંગે બપોરના સમયે તીર્થકર ભગવાનની સ્નાત્રપૂજા કરતાં કરતાં ઉત્સવની જેમ વાજિંત્રો સહિત ગાવા માટેની પૂજાના પ્રકારની રચનાઓ લખાઈ, જેની પરંપરા આજે પણ મૂર્તિપૂજક જૈનોમાં ચાલુ છે. આ પૂજાઓમાં ઉત્તર-કાલીન કવિ વીરવિજયની પૂજાઓ ઘણી જ લોકપ્રિય બની ગઈ હતી અને આજે પણ ઘણે ભાગે વીરવિજયની પૂજાઓ ગવાય છે. પણ વીરવિજય પહેલાં પણ, ઈ.સ. ૧૪૦૦થી ૧૬૦૦ના ગાળામાં કવિ દેપાળ, સકલચંદ્ર ઉપાધ્યાય, સાધુકીર્તિ, પ્રીતિવિમલ, ઈત્યાદિ કવિઓએ આ પ્રકારને ખેડ્યો છે. દોઢસો વર્ષના આ ગાળામાં અને ત્યાર પછીના સમયમાં લખાયેલી સંખ્યાબંધ પૂજાગૃતિઓમાં અષ્ટપ્રકાર, પંચકલ્યાણક, વીસસ્થાનક નવપદ બાવ્રત અંતરાયકર્મ, સત્તરભેદ પિસ્તાલીસ આગમ, ચોસઠ પ્રકાર, નવાણું પ્રકાર, અષ્ટપદ, ઋષિમંડલ, પંચજ્ઞાન, ૧૦૮ પ્રકાર, પંચ મહાવ્રત ઇત્યાદિ વિષયો લેવાયા છે અને એની રચનાઓ વિવિધ રાગરાગેણીઓમાં થયેલી છે. કદમાં તે પચાસ-સાઠ કડીથી બસો કરતાં યે વધુ કડીમાં લખાયેલી છે.
ઈ.સ. ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના ગાળામાં લખાયેલી વિવિધ પ્રકારની આટલી