________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો પદ્યસાહિત્ય) ૫૧
સગાળશા આખ્યાનમાં સગાળશાને મહાભારતના કર્ણના અવતાર તરીકે ઓળખાવે છે. નાકર પણ સગાળશાની ઓળખાણ એવી જ રીતે આપે છે. પૌરાણિક આખ્યાનોમાં પણ બે પ્રવાહો દૃષ્ટિએ પડે છે. પહેલા પ્રવાહમાં કવિઓ મૂળ કથાને અનુસરે છે, કશો ફેરફાર કરતા નથી. ભાલણનું ‘ચંડી આખ્યાન’, હરિદાસનું ‘ધ્રુવાખ્યાન’, માધવકૃત ‘ઉષાહરણ’ એ સઘળામાં કવિ એ મૂળ કથાને જ પૂર્ણતઃ અનુસરે છે. જ્યારે બીજા વિભાગમાં મૂળ કથાને પોતાની આગવી રીતે, કાટછાંટ કરતાં ને ઉમેરણ કરતાં એવાં આખ્યાનો આવે છે.
આખ્યાનકારો મૂળ કથામાં જે ફેરફાર કે ઉમેરણ કરતા તે બધા શ્રોતાઓ કથારસ માણી શકે તે હેતુથી કરતા, જેમકે મધ્યકાલીન ‘નળાખ્યાનો'માં આવતા મત્સ્યસંજીવની, હારચોરી, એ પ્રસંગો મૂળ મહાભારતમાં નથી. ક્યારેક આવા ફેરફારો પાત્રનું ગૌરવ વધારે છે તો ક્યારેક પૌરાણિક પાત્રોને નષ્ટગૌરવ અને શ્રીહીન બનાવે છે. જેમકે અભિમન્યુ આખ્યાન'માં અભિમન્યુની હત્યા કરવા માટે, કૃષ્ણ એક પછી એક તરકટ રચે છે, એથી એવું લાગે છે કે મહાભારતના કૃષ્ણ આગળ ‘અભિમન્યુ આખ્યાન'ના કૃષ્ણને શરમથી માથું નીચું ઢાળી દેવું પડે. તેવી રીતે “સુદામાચરિત'માં ભાગવતના બ્રહ્મવેત્તા સુદામાને સ્થાને પ્રેમાનંદે કૃષ્ણની ઇર્ષા કરતો અને ઘેર પાછા ફરતાં ખાલી હાથે આવવું પડ્યું, તેથી મૂળગા મારા તાંદુલ ગયા' કહેતો સુદામો કે એ જ કવિના ‘નળાખ્યાન'માં આદર્શ શીલવતી, તથા સર્વગુણસંપન્ન પત્ની દમયંતી જોડે હલકા માનવીની જેમ વર્તતો એને ભાંડતો નળ, પુરાણની કથાઓને જનમનરંજક બનાવવા માણભટ્ટો એમાં કેવી વિકૃતિ આચરતા તે દર્શાવે છે. બીજી તરફ પુરાણના ખલનાયકોને ઉદાત્ત બનાવવાના પ્રયત્નો પણ દ્રષ્ટિએ પડે છે. પ્રેમાનંદના રણયજ્ઞ’ કે જિયાના ‘રણજંગ'માં મંદોદરી રાવણને રામની જોડે સલાહ કરવા વિનવે છે, તેના ઉત્તરમાં કવિએ રાવણને રામની પ્રશસ્તિ કરતો દર્શાવ્યો છે.
આખ્યાનમાં ક્યારેક લોકપ્રચલિત માન્યતા વણી લેવામાં આવતી. નાકરે એના ‘ઓખાહરણ'માં બાણાસુરનું સવારમાં મોઢું જોવું ન પડે માટે ચાંડાલણી આડો સાવરણો ધરે છે. ને રાજાના અભયવચન પછી એ ખુલાસો કરે છે કે
પ્રાતઃ સમે જોવું નહિ વાંઝિયાનું વાન
તમારે કોઈ છોરું નથી, સાંભળો ને રાજન
તે માટે સંમાર્જની આડી કીધી મેં રાય.
આ જ પ્રમાણે નાકરે અલુણાવ્રતની કથાને ઓખા સાથે ગણેશપુરાણમાંથી લઈને સાંકળી છે.