________________
૪૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
નિરૂપણને કા૨ણે એક કથામાં અનેક કથાઓ કહી શકાતી. અઢારમી સદીના અંતમાં પદ્મવિજયકૃત ‘જયાનંદકેવલીરાસ'માં તેમજ ‘અશોકરોહિણીરાસ'માં અવાન્તરકથાનાં પાત્રોની પણ પૂર્વભવની કથાઓ આલેખાઈ છે. ‘જયાનંદકેવલીરાસ'માં જયાનંદના પૂર્વેના ચાર ભવોની કથા કહી છે, તો અશોકરોહિણીરાસ'માં અશોક, તેનાં આઠ સંતાનો, રોહિણીના બે પૂર્વજન્મો એમ બધું મળીને અગિયાર જણના પૂર્વભવની કથાઓ છે. પૂર્વભવના કથાના કથનની પણ એક પ્રણાલિ હતી. વાર્તાનો અન્ન આવે ત્યારે નાયકના સ્થાનમાં કોઈ મુનિ આવી ચઢે. પાત્રો એમનો ઉપદેશ સાંભળે, પછી પોતાના પૂર્વભવ વિષે મુનિને પૂછે, મુનિ એમના પૂર્વભાવનો વૃત્તાંત કહે, પછી પાત્રો એમની પાસે દીક્ષા લે. આ ક્રમ પ્રત્યેક રાસામાં સચવાયો હોય છે. પંદરમી સદીની પૂર્વેના રાસાઓમાં તો દીક્ષાના પ્રસંગને કેન્દ્રમાં રાખીને જ રાસાઓ રચાતા, ચૌદમી સદીનો ‘જિનકુશલ સૂરિપટ્ટાભિષેક રાસ' દીક્ષાના પ્રસંગને કેન્દ્રમાં રાખી રચાયેલો રાસ છે. ક્યારેક દીક્ષાના પ્રસંગને વિવાહનું રૂપક આપીને રાસાઓ રચાયા છે. જેમ કે ‘જિનપદ્મસૂરિ વિવાહલુ' અને પંદરમી સદીનો ‘જિનોદયસૂરિ વિવાહલુ'. પંદરમી સદી પૂર્વેના અને પંદરમી સદી પછીના દીક્ષાના પ્રસંગને નિરૂપતા રાસાઓમાં એ પ્રભેદ હતો, કે પૂર્વેના રાસા એક જ ઐતિહાસિક વ્યક્તિના દીક્ષાના પ્રસંગને વર્ણવતા જ્યારે પછીના રાસાઓમાં તો કાવ્યાત્તે અનેક વ્યક્તિ દીક્ષા લેતી. સત્તરમી સદીમાં રચાયેલા ‘નલદમયંતીરાસમાં' નળ, દમયંતી, નળનો ભાઈ, અને ઋતુપર્ણ અને બીજા બે જણ, એમ છ વ્યક્તિ દીક્ષા ગ્રહણ કરે છે. એ જ સદીના કેશરાજકૃત ‘રામયશોરસાયન રાસ’માં રાજા સુગ્રીવ, શત્રુઘ્ન અને બીજા સોળ હજાર રાજાઓ દીક્ષા ગ્રહણ કરે છે. હનુમાન પણ દીક્ષા ગ્રહણ કરે છે. જૈનધર્મમાં કર્મને ખપાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, તેથી અંતે દીક્ષાનો પ્રસંગ નિરૂપાતો.
આ રીતે ધાર્મિક સિદ્ધાંત સ્પષ્ટ રીતે સમજાય એ ઉદ્દેશથી કરેલી વસ્તુગૂંથણી, તીર્થમાહાત્મ્ય, કર્મવાદને પ્રતીતિક૨ રીતે સમજાવવા પૂર્વજન્મની કથાઓનું નિરૂપણ, અને મુનિઓના ધર્મોપદેશને પરિણામે નાયક અને બીજાં અનેક પાત્રોનું દીક્ષાગ્રહણ એ રાસાઓનું મહત્ત્વનું લક્ષણ છે.
રાસાઓનું ચોથું મહત્ત્વનું લક્ષણ તે પ્રકૃતિવર્ણન, મંદિર અને પૂજાવિધિનું વર્ણન, નગરવર્ણનો, સ્ત્રીપુરુષ અંગ અને વેષભૂષાનાં વર્ણનો. નોંધવું જોઈએ કે પૂજાવિધિનાં વર્ણનો એ રાસાની વિશેષતા હતી. બીજાં વર્ણનો આખ્યાન, કથાવાર્તા, ફાગુ વગેરે સ્વરૂપોમાં પણ આવતાં. પ્રારંભના રાસાઓમાં આ વર્ણનો ટૂંકાં હતાં પણ પછીના રાસાઓમાં વર્ણનોનો વિસ્તાર વધતો ગયો. પંદરમી સદી પૂર્વેના રાસાઓ, પ્રસંગપ્રધાન કે વર્ણનપ્રધાન હતા. રેવંતગિરિ રાસ', ‘જિનેશ્વરસૂરિ વિવાહલુ' આદિ વર્ણનપ્રધાન