________________
૪૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
ચંદનલેપ, પુષ્પસમર્પણ, અબીલ ગુલાલનાં છાંટણાં, ધૂપ, દીપ, નૈવેદ્ય, ઈત્યાદિનો ઉલ્લેખ આવે છે. વર્ણનના ગરબામાં ભાણદાસની ગગનમંડળની ગાગરડી ગરબી એના કલ્પનાવૈભવને માટે ગરબી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાનની અધિકારી છે. એમાં સૂર્યચન્દ્રનો દીપક કરી, પૃથ્વીનું કોડિયું બનાવી, એમાં સાત સમુદ્રનાં જળ જેટલું તેલ પૂરી, ગગનને ગરબો બનાવી, શેષનાગની ઈંઢોણી કરી, તેત્રીસ કોટિ છિદ્રવાળો અહર્નિશ ઝળહળતો ને અમૃત વર્ષાવતો ગરબો માથે મૂકીને રમતી આદ્યશક્તિ ભવાનીનું જે વર્ણન છે તે કવિની કલ્પના પ્રતિભાનું દ્યોતક છે.
વર્ણન પછી કથા. કથા વિશેષે કરીને ગરબામાં હોય છે અને દેવીના અસુરો સામેના યુદ્ધવિષયક હોય છે. જેમાં એણે અસુરોને કેવી રીતે પરાજિત કરીને સંહાર્યા તેની વિગત હોય છે. બીજી કથા અત્યંત પ્રચલિત હતી. કાલિકાએ, એની પર કુદૃષ્ટિ કરનાર પતાઈ રાવળને શાપ આપ્યો, અને એ શાપ કેવી રીતે ફળ્યો તેની કથા વલ્લભ ભટ્ટ “મહાકાળીનો ગરબો'માં આલેખી છે. દયારામના “મોહિની સ્વરૂપનો ગરબો' તથા રણછોડજી દિવાનકૃત “ચંડીપાઠમાં દેવીએ દૈત્યને શી રીતે સંહાર્યા તે કથા મુનિ સુરથરાજાને કહે છે; તો “ધનુષધારીનો ગરબોમાં નારદના પૂછવાથી બ્રહ્મ દેવે કયા સંજોગોમાં ધનુષ્ય ધારણ કર્યું તેની કથા કહે છે. એમાં પૌરાણિક કથાના કથક અને શ્રોતા જાળવી રાખ્યા છે. એ શૈલીની દૃષ્ટિએ વિશેષતા છે.
લોકસાહિત્યની ગરબીમાં પણ પૌરાણિક કથાઓને લોકપ્રચલિત માન્યતાઓ અનુસાર રજૂ કરી છે. જેમ કે “રૂડા રામની ગરબી'માં રામની કથાને જુદું સ્વરૂપ આપ્યું છે. એમાં દશરથને કૌશલ્યા તથા કૈકેયી બે જ રાણીઓ હતી. દશરથનો અંગૂઠો પાકેલો, જેને કૌશલ્યાએ મુખમાં ધર્યો એટલે એ ફૂટી ગયો. કૌશલ્યા કોગળા કરવા ગઈ. દશરથ જાગ્યા ત્યારે કૈકેયી સામે હતી. એટલે એમણે માન્યું કે એની સેવાથી અંગુઠો ફૂટ્યો, એટલે વરદાન માગવા કહ્યું. તેવી રીતે એક કથાપ્રધાન ગરબીમાં દેવકીને જશોદાની બહેન જણાવી છે. બે જુદે જુદે ઠેકાણે પરણાવેલી બહેનો કૂવા પર પાણી ભરવા જાય છે. ત્યાં જશોદા દેવકીને પૂછે છે કે એ કેમ સૂકાઈ છે તો દેવકી કહે છે –
મેં તો સાત જણ્યાં ને હજી વાંઝિયાં રે લોલ
ત્યારે જશોદાએ કહ્યું, તને કહાન જન્મશે, એ વખતે મને તેડજે. કહાનનો જન્મ થયો. માસીને બોલાવ્યાં. કહાન ગેડીએ રમતા થયા. એમની ગેડી એક ડોસીને વાગી. તેણે મહેણું માર્યું. “તારાં બાપનાં હતાં તે વેર વાળજે રે લોલ' એટલે કૃષ્ણ મામાની શોધ ચલાવી –