________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૩૯
વીંધ્યો, એટલે કુંજરમાંથી પુરુષ પ્રગટ્યો, પુરુષને મારતાં તેમાંથી ભેંસારૂપ થયું, વગેરે અદ્દભુત પ્રસંગો કવિએ આલેખ્યા છે. આમ અદ્દભુત રસ વિશેષે દેવી અને અસુરોની માયાનું આલેખન લઈને દર્શાવાયો છે.
દેવી અને અસુરોના યુદ્ધકૌશલ દ્વારા ગરબામાં વીરરસની જમાવટ થતી હોય છે. રણછોડકૃત “ચંડીપાઠમાં જે યુદ્ધવર્ણન છે તેમાં ઘટનાઓની ત્વરિતગતિ તથા બન્ને પક્ષોની યુદ્ધ કરવાની નિપુણતા દર્શાવી રસજમાવટ થઈ હોય છે. વલ્લભ ભટ્ટના ધનુષધારીનો ગરબો'માં ભંડાસુર અને ધનાદેવીનું યુદ્ધ અસરકારક રીતે વર્ણવાયું છે. મધ્યકાલીન કવિતામાં વીરરસના નિરૂપણમાં, બને પક્ષો સમાન શક્તિશાળી દર્શાવાતા કે જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે.
લોકસાહિત્યની વીરરસની ગરબીમાં “સોનલ ગરાસણીની ગરબી પત્ની પ્રેમઅર્થે વીરત્વ દર્શાવતી અનન્ય કહી શકાય એવી ગરબી છે. સોનલ ગરાસણી વિવાહિતા છે. એ સહિયરો જોડે રમતી હતી ત્યાં મુસલમાનોએ એને પકડી, એ પ્રસંગથી ગરબીનો આરંભ થાય છે. રસ્તામાં દાદાનો દેશ આવ્યો. એણે જાણ્યું કે દાદા છોડાવશે, પણ દાદાએ તો પકડનારાઓને ગાયો આપી છૂટકારો મેળવ્યો. કાકાએ ખાડું આપ્યું. તો યે ન છૂટી. ભાઈએ વછેરાં આપ્યાં, પણ એ ન છૂટી ત્યાં એના સ્વામીનો દેશ આવ્યો. એણે –
ત્યારે સ્વામીએ દીધી માથા કેરી મોળયું જો માથા કેરી મોળયું જો ધડાકે છૂટી સોનલ ગરાસણી.
મેઘાણી કહે છે, કે આ ગીત આપણા પૌરુષને રોમાંચિત કરે છે, કારણ કે એમાં પોતાની સ્ત્રીને છોડાવવા માટે માથાનું મોળયું આપવા તલવારભેર નીકળતા પુરુષના પડકારનો ધડાકે વિજય થાય છે.”
વલ્લભ ભટ કૃત “આનંદનો ગરબો', દયારામકૃત “ચાતુરીનો ગરબો', વગેરે શાન્તરસની રચનાઓ છે. એ ગરબાઓ કાં તો વર્ણનપ્રધાન હોય છે જેમાં અંગ અને વસ્ત્રાભૂષણનાં વર્ણનો આવે છે. અથવા ઉપદેશપ્રધાન હોય છે.
વસ્તુદ્રષ્ટિએ ગરબાગરબીનો વિચાર કરતાં એમાં પ્રથમ વર્ણન આવે છે. દેવદેવીનાં અંગનાં, આભૂષણનાં તથા વસ્ત્રનાં વર્ણનો ગરબામાં મળે છે. એ વર્ણનો પ્રચલિત પ્રણાલિ અનુસાર હોય છે. જેમ કે દાડમની કળી જેવા દાંત, પોપટ જેવું નાક, પરવાળાં જેવા હોઠ ઈત્યાદિ. વસ્ત્રાભૂષણનાં વર્ણનોમાં તત્કાલીન ગુજરાતમાં પહેરાતાં વસ્ત્રાભૂષણ વિષેની માહિતી મળે છે. “આરાસુરનો ગરબો'માં દેવીની પૂજાવિધિનું વર્ણન છે. જેમાં પૂજાવિધિની એકેએક વિગત આપી છે. પ્રાદપ્રક્ષાલન,