________________
૪૨
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
જેવાં પૂરકો, એ બધાનું એમાં મહત્ત્વનું સ્થાન છે, પાદાને લોલ' બહુધા ગરબામાં જ આવતું. ગરબીમાં એ ક્વચિત જ મળે છે. શ્રેષ્ઠ ગરબાકાર વલ્લભ ભટ્ટ ગરબામાં લોલનો પ્રયોગ કર્યો છે. એની ગરબીમાં લોલ' આવતું નથી. દયારામની સંખ્યાબંધ ગરબીઓમાં પાદાને લોલ માત્ર બે જ ગરબીમાં મળે છે.
આ સ્વરૂપ સાથે રાસ અને રાસડાના પ્રકારનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. રાસ અને રાસડા બને સંઘનૃત્યના પ્રકારો છે. રાસ પુરુષો રમે છે. જ્યારે રાસડા સ્ત્રીઓ રમે છે. રાસના વિષય વિશેષતઃ કૃષ્ણ અને ગોપીઓ જોડે સંકળાયેલા હોય છે. મૂળ તો રાસડામાં પણ કૃષ્ણગીતો હતાં. પણ પાછળથી એનું અનુસંધાન સામાજિક અને કુટુંબજીવન જોડે રહ્યું. રાસ મુખ્યત્વે દાંડિયારાસ છે. રાસડા તાલીનૃત્ય છે.
રાસા આ સ્વરૂપ મુખ્યત્વે જૈન સાહિત્યનું હોવાથી એનો આરંભ તીર્થકર કે તીર્થકરોના વંદનથી થતો. ઘણું કરીને સઘળા તીર્થકરોનું વંદન કરાતું. એ પ્રાથમિક વંદન પછી સરસ્વતી કે અન્ય કોઈ દેવીની સ્તુતિ પણ પ્રાયઃ સર્વે રાસાઓમાં થતી. બારમી સદીમાં રચાયેલા પ્રથમ ઉપલબ્ધ રાસ શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર બાહુબલિરાસમાં પ્રારંભ ઋષભદેવના પુત્રો નાયક હોવાથી ઋષભદેવને પ્રણામ કરી સરસ્વતીનું સ્મરણ કરી કાબારંભ કર્યો છે. ૧૪મી શતાબ્દીમાં રચાયેલા સમરારાસુમાં પણ શરૂઆત આદિશ્વર, બધા અરિહંત અને પછી સરસ્વતી વંદનાથી થાય છે. ૧૫મી શતાબ્દીના હીરાણંદસૂરિ રચિત “વિદ્યાવિલાસ પવાડો' માં પણ પ્રથમ જિનેશ્વરને વંદન કરીને પછી સરસ્વતીચંદન છે. ૧૬મી સદીના લાવણ્યસમયરચિત “વચ્છરાજ દેવરાજ રાસમાં ૧૭મી સદીમાં ઋષભદેવ કૃત ‘રૂપચંદકંવરરાસમાં પણ બધા સિધ્ધોને ચરણે નમન કરી પછી સરસ્વતીને વંદન છે. ૧૮મી સદીના વિનયવિજયસૂરિના શ્રીપાલરાસમાં પહેલાં સરસ્વતી વંદન છે, અને પછી સિદ્ધચક્રને વંદન છે, તો એ જ સદીના કુશળલાભની માધવાનલ કામકંદલા ચોપાઈમાં ફક્ત સરસ્વતી વંદનાથી જ આરંભ કરાયો છે. આ રીતે પ્રત્યેક સદીના રાસાઓમાં ઈષ્ટદેવના વંદન અને સરસ્વતીના વંદનથી આરંભ થતો હોય છે. રાસાનું સ્વરૂપ ક્રમશ: બદલાતું હોવા છતાં આ મંગળાચરણ તો યથાવત્ રહ્યું છે. સરસ્વતી ઉપરાંત ક્યારેક ચક્રેશ્વરી કે અંબિકાનું સ્તવન પણ આવતું હોય છે. પંદરમી સદી પછીના રાસાઓમાં તો કથામાં વારંવાર પાત્ર મુશ્કેલીમાં આવી પડતાં દેવીનું આગમન થતું અને દેવી ચમત્કાર કરીને પાત્રની મુશ્કેલી ટળતી, અહીં એ નોંધવું જોઈએ કે મંગળાચરણ કે ઈશ્વર દેવસ્તુતિ ને સરસ્વતી વંદનાથી કાવ્યારંભ એ તો સમગ્ર મધ્યકાલીન દીર્ઘકાવ્યોની પ્રણાલિ છે.