________________
યાતનામય હોય છે, પણ એની એ વ્યથા એ કોને વર્ણવી શકે ? પણ માણસને જરાક કાંઈ થાય તો પણ એ પોતાનું દુઃખ લંબાણપૂર્વક વર્ણવવાનો. પશુ મૂક બની સહન કરે છે, માનવી ફરિયાદ કરી શકે છે. દુ:ખ દૂર કરી શકે છે. માનવને આ કેવી ભેટ છે ? જીવનનું દર્શન કરવું હોય, માનવને સુખનાં જે સાધનો મળ્યાં છે તેની મહત્તા સમજવી હોય તો આપણા કરતાં જે ઊતરતી કક્ષામાં છે એવાં પશુઓનું જીવન જુઓ અને તમને આની ખાતરી થશે.
પણ આજ તો માણસ નીચે જવાને બદલે ઊંચે જ દૃષ્ટિ રાખે છે અને મનમાં બળ્યા કરે છે, બીજાનું સુખ જોઈ એને બળતરા થાય છે. પરિણામે જીવનમાં જે સુખ મળ્યું છે એને ભૂલી, જીવનને એ દુઃખનું ધામ બનાવી મૂકે છે.
જિંદગી સુખમય બનાવવી છે કે દુઃખમય, તેનો આધાર માનવીની પોતાની દૃષ્ટિ પર રહેલો છે. વસ્તુમાં સુખ કે દુ:ખ રહેલાં નથી; જે છે તે મનના ભાવમાં જ છે. એક વસ્તુ એના મનને સુખ આપે છે, અને તે એને પ્રિય બને છે. બીજી એને દુ:ખ આપે છે, અને તે એને અપ્રિય ગણે છે. ગઈ કાલે જે મિત્રની વાતો આનંદ આપતી હતી તે મિત્ર સંગે ઝઘડો થતાં આજે એની વાતોથી અંતરમાં ક્રોધની જ્વાળા ભભૂકવા માંડે છે. આમાં તમે જોશો કે વસ્તુ બદલાતી નથી, માનવીના મનનો, એ પળનો એ ભાવ જ બદલાય છે.
જીવનમાં સુખ અને દુ:ખ ક્યાં રહેલાં છે તે વિચારો. એ વસ્તુમાં નથી, પણ એને માટે માનવીના મને રેડેલા ભાવોમાં રહેલ છે. મન જો શાંત હોય અને વ્યવસ્થિત હોય તો ફૂલનું સૌંદર્ય જોઈ એની આંખમાં હર્ષનાં બે આંસુ આવી જાય છે; પણ મનમાં જ્યારે વિષાદ ભરેલો હોય તો આનંદને સ્થાને એ જ વસ્તુથી શોક છવાઈ જાય છે.
કેટલાક ઘણી વખત કહે છે કે “હું મૂડમાં નથી.” એટલે કે એનું મનજીવન-ત્યારે અવ્યવસ્થામાં છે. એવા માનવીને સ્વસ્થતા ક્યાંથી હોય ? જેમ અંદરનું યંત્ર બરાબર હોય તો જ ઘડિયાળના કાંટા યોગ્ય સમય બતાવે છે, એમ આપણા ચિત્તમાં પ્રસન્નતાની સપાટી હોય તો જ શાન્તિ મળે.
જીવનમાં સુખ અને દુ:ખ બેઉ આવવાનાં, બેઉને સત્કારો, આવકારો ! જીવનમાં સંયોગ અને વિયોગ બેઉ રહેવાના છે, માટે મનને એ બેઉ સમયે યોગ્ય દશામાં રાખો.
- દુનિયામાં એક પણ વ્યક્તિ એવી દેખાય છે કે જેને જીવનમાં માત્ર સુખ જ હોય છે ? જીવનમાં બંનેનું સ્થાન છે. કેરીના મધુરા રસની સાથે કારેલાની કડવાશ જ વધુ આનંદ આપે છે. વધુ પડતાં સુખોથી માણસ સડી જાય છે અને
૧૦ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org