________________
(તેઓનું અનેકાન્તદષ્ટિવાળું “આધ્યાત્મિક અને ઊર્ધ્વગામી વલણ.”
શ્રીમદ્દ યશોવિજયજીનું જીવન અને તેમણે રચેલા ગ્રંથોની ઝીણામાં ઝીણી, વિગતો જોઈએ તો તેઓની પ્રતિભાના પરિપાકરૂપે નીતરતી તેમની વિશેષતાઓ અનેક થાય. આ સ્થળે તે તમામની છણાવટ શક્ય નથી અને અનિવાર્ય પણ નથી. છતાં ઉપાધ્યાયજીના જે મુખ્ય મુખ્ય ગ્રંથો અને સાહિત્ય ઉપલબ્ધ છે તેને નજર સમક્ષ રાખીને અને જૈન પરંપરા તેમ જ તેમના સમયના સંદર્ભમાં વિચારીએ તો તેમની જે લાક્ષણિક વિશેષતાઓ છે કે જે તેમની દાર્શનિક પ્રતિભાનું દર્શન કરાવે છે તે મુખ્યત્વે આ પ્રમાણે ગણાવી શકાય : તેઓની અદભુત સમન્વયશક્તિ, જૈન તેમ જ અજૈન ગ્રન્થોનું ઊંડું જ્ઞાન તથા અભ્યાસ, મંતવ્યોમાં સમભાવપણું, શાસ્ત્રીય અને લૌકિક સાહિત્યનું સર્જન, નિર્ભયતા, વિદ્વત્તાપૂર્ણ અર્થઘટન, નવ્ય ન્યાયની શૈલીમાં જૈન સિદ્ધાંતોનું નિરૂપણ વ. નોંધપાત્ર છે. શ્રી યશોવિજયજીની આ યોગ્યતાઓ અને વિશેષતાઓને આપણે જરા વધુ વિગતે જોવાનો પ્રયત્ન કરીએ.
પૂ. ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી તેઓના સમગ્ર સર્જનકાળ દરમ્યાન આગમ પરંપરાને ચુસ્ત રીતે માન્ય રાખનાર અને અનેકાંતદષ્ટિને ક્યારેય બાજુએ ન મૂકનાર એક પ્રખર સુસંગત જૈન ચિંતક તરીકેની છાપ ઉપજાવે છે. તેઓએ સામાન્ય માનવીઓ માટે વ્યવહારની મુખ્યતા રાખી નિશ્ચયદષ્ટિની ગૌણતા મર્યાદારૂપે બતાવી. તેઓએ એ બતાવ્યું કે “નવકારમંત્રમાં આવતું “અરિહંતપદ' પ્રથમ અને સિદ્ધપદ બીજું રાખવા પાછળ અરિહંતપદ વ્યવહાર અને સિદ્ધપદ નિશ્ચય છે. સ્વાભાવિક છે કે અરિહંત વગર અરૂપી સિદ્ધપદની ઓળખાણ શક્ય નથી.
જૈન દર્શન એટલે આચારમાં અહિંસાપ્રધાન અને વિચારમાં અનેકાન્તદષ્ટિ વસ્તુની કોઈ પણ એક બાજુ તરફ નજર ન રાખતાં તેની અનેક | બાજુ તરફ નજર રાખવી તે અનેકાન્તદષ્ટિ શબ્દનો સીધો અર્થ છે. જૈન દર્શનની અનેકાન્તદષ્ટિ તેના સ્યાદ્વાદના અને નયવાદના સિદ્ધાંતોથી જ સ્પષ્ટ થાય. જૈન દર્શન એ એક વાસ્તવવાદી દર્શન છે અને તે પદાર્થને અનેક ધર્મવાળો લેખે છે. સત્યના બધા જ અંશો ગ્રહણ કરવા સામાન્ય માણસ માટે શક્ય નથી. આપણે સામાન્ય માણસો જે કાંઈ ગ્રહણ કરીએ છીએ તે સંપૂર્ણ સત્ય નહીં, પરંતુ સત્યાંશ જ. દરેક સત્ય તેની જે તે અપેક્ષાએ પ્રાપ્ત થયેલ હોવાથી જે તે અપેક્ષાના સંદર્ભમાં તે સત્ય સ્વીકૃત જ લેખાય. આ સત્યની સ્વીકૃતિ પ્રમાણથી સિદ્ધ થાય.
(નિક પ્રતિભા