________________
રિદ્ધિસિદ્ધિ જોઈને મારું અભિમાન ક્યારનુંય ભાગી ગયું છે અને હું નત મસ્તકે તારા મધુરાં વચનોનું પાન કરું છું. આ અવસર જોવાનો પણ મારો કેટલો પુણ્યોદય છે કે તારી ભક્તિમાં શક્તિ ગોપવ્યા વિના લીન બનીને સહુ ભવ્યાત્માઓ શિવપદના સ્વામી બની રહ્યા છે. તારા ચરણની સેવા જ મારું સર્વસ્વ છે એવી ભાવના ભાવતો તારામાં ખોવાઈ જાઉં છું.
૮. શ્રીચંદ્રપ્રભસ્વામીનું સ્તવન
ચંદ્રપ્રભ જિન સાહેબારે, તુમ છો ચતુર સુજાણ, મનના માન્યા.
ઉપાધ્યાયજી મહારાજસાહેબ હવે પ્રભુના આત્માની સાથે ગોષ્ઠિ કરતા કહે છે કે ‘વાચક યશ કહે જગધણી રે તુમ તૂટે સુખ થાય, મનના માન્યા આવો.
""
પ્રભુના મુખનાં દર્શન કરતાં જાણે પ્રભુ ખુદ સામે જ ના હોય તેવો ભાવ વ્યક્ત કરતાં કહે છે કે તું તુષ્યમાન થાય તો જ હે જગતધણી મને સુખ થાય. તે વિના મારું જીવન નકામું છે. જો મોક્ષનું ફળ વહેલું કે મોડું મને આપવાનું છે તો વિલંબ શા માટે ! તું જલદી જ આપને. તારા દર્શનના પ્યાસા એવા મને પૂરી ખાતરી છે કે તું મોક્ષપદ આપીશ. તું તો ચતુર છે, સુજાણ છે, મનને પ્રિય છે અને આ દાસની સેવાને જાણે છે. હવે આપણું અંતર ઘટી રહ્યું છે. આવ પાસે બેસીએ. ચાંદની રાત્રે જેમ ચંદ્રની કાંતિ વધુ હોય તેવી કાન્તિથી તું શોભી રહ્યો છે, દિલને હરી રહ્યો છે અને મનને મોહી રહ્યો છે. મેં તો તારી સેવા કરી છે તે તો તું જાણે છે, કારણ તું સર્વજ્ઞ છે તેથી મારી ઇચ્છાની પણ તને ખબર છે કે મારે શેની જરૂર છે. મારે જરૂર છે નિર્વાણપદની. એકાંતમાં આત્માના સુખની વાતો કરવી છે, કારણ આમ કરવાથી આત્મ પ્રેમવૃદ્ધિ પામે છે. તારી સાચી ભક્તિની ખૂબી જ એ છે કે એ મારા હૃદયને સ્પર્શી જાય છે. સર્વ કર્મ ખપાવીને તું મોક્ષમાં ગયો અને હું સંસારમાં ભમી રહ્યો છું. મને પણ તાલાવેલી લાગી છે કે મારો મોક્ષ ક્યારે થાય ? મારે તો આત્મસાખે તારી જોડે વાત કરવી છે. તારા ચરણમાં બેસીને જ આ વાત થઈ શકે. તું બહુ દૂર છે તે વાત હવે સાચી નથી લાગતી. તું તો મારી પાસે જ આવી ગયો છે. બાળકને માતાપિતા વગર માગ્યે જ વસ્તુ કે ફળ આપે છે તેમ તારા દાસને તું ફળ આપ. હવે આપણી પ્રીતડી વધી ગઈ છે.
ગોવા સ્તવનો ૧૨૦