________________
ચંડકૌશિકના ઉપકારી સંગમ પ્રત્યે કરુણાપૂર્ણ નજરવાળા. આવા તો અનંત ગુણોવાળો પ્રભુ તું ક્યાં અને નર્યા અવગુણથી ભરેલો હું ક્યાં! પણ હવે હું તારા ગુણોની સ્તવના કરીને મારા દુર્ગુણો દૂર કરીશ. હે દેવાધિદેવ ! તારા ગુણને ગંગાજળની માફક ઝીલીને નિર્મળ થઈશ અને રાત દિવસ તારા ગુણો જ ગાયા કરીશ. તારી આવી ભક્તિને વરેલો હું તારી વધુ ભક્તિ કરીશ. તારા ગુણમાં આત્માના ઉત્કર્ષનું બીજ છે, પરમાત્માના ગુણનું જ્ઞાન છે. આત્મિક ગુણોનું બહુમાન છે. સુખી થવા માટે તારામાં મારું મન ઓગાળી નાખું. દયા, સમતા, સહિષ્ણુતા, અડગતા, ધીરતા, ગંભીરતા, ઉદારતા, પરોપકારપરાયણતા વગેરે ગુણોને આપણા અંગની જેમ ગણવા. વળી જેણે ગંગાના ઊંડાં જળમાં સ્નાન કર્યું હોય તે ખાબોચિયામાં કેમ સ્નાન કરે? વળી જે ભ્રમરો માલતી ફૂલ ઉપર મોહ પામ્યા હોય તે બાવળ ઉપર શા માટે બેસે? આપણે જિનગુણની ગંગામાં નાહીએ, નાહીએ સચ્ચારિત્રના નિર્મળ સરોવરમાં, દયાના દરિયામાં, ગંભીરતાના કૂવામાં, પ્રભુની ભક્તિમાં. આ ગંગામાંથી બહાર ન આવવું જોઈએ એવો નિશ્ચય કરું છું. હે વીર ! માલતી ફૂલમાં મુગ્ધ ભમરાની જેમ આપના ગુણોમાં રસપૂર્વક લીન થયો છું માટે પરનારીને અધીન થઈને તેમાં જેઓ આસક્ત થયા છે તેમને કેમ સ્વીકારીએ? તત્ત્વથી અર્થ એ થાય છે કે પર પરિણીતમાં થતી મતિની ગતિ એ પરનારી તરફની આસક્તિ છે. અને આત્મપરિણીતમાં થતી મતિ એ સચ્ચારિત્રવંત વીતરાગનું લક્ષણ છે. પરમાત્માને ભાવથી ભજનારાનું મોત પરમાત્મામાં જ હોય. માટે તું જ મારી ગતિ છે, તું જ મારી મતિ છે, તું જ મારું આશ્રયસ્થાન છે. મારા આ ઉદ્ગારો એ કેવળ શબ્દોના ઝૂમખા નથી, પણ મારા આત્માને સ્પર્શેલા ભાવના દીવા છે. મારો આત્મા તારા જેવો બનાવ. મને તું તો જેમ સાગરમાં ડૂબતાને લાકડાનો સહારો મળે તેમ મળી ગયો છે. તું તો મારો પ્રાણ છે. હવે મારા માથે તું છે. મારે હવે કોની ચિંતા ? જ્યાં ત્રણ લોકનો ધણી બેઠો છે ત્યાં હવે પરની ચિંતા મૂકીને તારા ભાવમાં જ ના રહું? મારી રગેરગમાં, મારા શ્વાસે શ્વાસમાં, લોહીના પ્રત્યેક બિંદુમાં તારો વાસ છે. આ વાસ કાયમી છે. અને તારા-મારા વચ્ચેના જે અંતરના ભેદ છે તે દૂર થાય છે. પણ હવે અમે ઝડપથી ત્યાં આવીને તારા જેવા આનંદના મહાસાગરમાં મહાલતાં થઈએ એ જ મહારાજજીની, મારી અને સર્વ જીવોની પ્રાર્થના છે. “સૌ સુખી થાઓ, સૌનું કલ્યાણ થાઓ.”
પક્ષોભારતી n ૨૪૮ )