________________
१४
સમૃદ્ધ પદસાહિત્ય
ચીમનલાલ એમ. શાહ ‘કલાધર’
આજથી ત્રણસો વર્ષ પહેલાં થયેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એક સમર્થ જૈન સર્જક હતા. સાહિત્યનું કોઈ ક્ષેત્ર એવું નહિ હોય કે જેનું ખેડાણ યશોવિજયજી મહારાજે નહિ કર્યું હોય. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષા ઉપર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. આ ત્રણેય ભાષામાં તેમણે ૧૧૦ થી વધારે ગ્રન્થોની રચના કરીને આ વિશ્વ ઉપર મોટો ઉપકાર કર્યો છે.
તેમનું સ્તવન સાહિત્ય જેટલું સમૃદ્ધ છે તેટલું જ સમૃદ્ધ તેમનું પદ સાહિત્ય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એ સમયે વિશેષ વ્યાપક અને વિશેષ લોકગમ્ય પ્રકાર પદોનો હતો. બીજા પ્રકારોમાં લોકો મોટે ભાગે શ્રોતાનું કામ કરતા, પરંતુ આ પ્રકાર જ એવો હતો કે જે આમજનતા મુખપાઠ કરીને હોંશે હોંશે દિનપ્રતિદિન ગાઈને આનંદ માણી શકતી. એ સમયે પદોની લોકપ્રિયતા એટલી બધી હતી કે પ્રબંધલેખકો પ્રબંધોમાં, આખ્યાનકારો આખ્યાનમાં, રાસા-લેખકો રાસામાં અને વાર્તાકારો વાર્તાઓમાં એનો છૂટથી ઉપયોગ કરતા. આમ પદનું સ્વતંત્ર સ્થાન હતું જ, પરંતુ અન્ય પ્રકારો જોડે એ પ્રકાર સંકળાયેલો પણ હતો.
ઉપાધ્યાયજીનું પદસાહિત્ય અધ્યાત્મજ્ઞાન સંબંધી હોવાથી સર્વ જીવોને માટે કલ્યાણકારી છે. દુનિયામાં અધ્યાત્મજ્ઞાનરૂપ ધર્મમૂળ વિના કોઈ દર્શનરૂપ વૃક્ષ ટકી શકતું નથી. આત્મિક જ્ઞાન થયા વિના વિષયોને જીતી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનથી મન, વાણી અને કાયાના યોગની શુદ્ધિ થાય છે. જગતમાં ચિંતામણિરત્ન સમાન અધ્યાત્મજ્ઞાન છે અને તેની યથાર્થતા ઉપાધ્યાયજી મહારાજે તેના પદસાહિત્ય દ્વારા સિદ્ધ કરી છે.
ઉપાધ્યાયજી મહારાજના પદસાહિત્યમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેમનાં પદોમાં ભાવલાલિત્ય, અર્થગાંભીર્ય, ભાષાની સચોટતા અને રસપરિપૂર્ણતા એક સિદ્ધહસ્ત કવિનો પરિચય કરાવે છે. સહજ ઊર્મિઓથી
શોભા ૧૮