________________
સંસારને જ સર્વસ્વ માનનાર સંસારીજીવ દેહને જ જુએ છે. આવા લોકો ઇન્દ્રિયબળને મહત્તા આપે છે જે બહિરાત્મા અથવા પૂર્ણ સાંસારિક છે. આવા લોકોનું મન નિરંતર અહંકારમાં ડૂબેલું રહે છે; જ્યારે જે આત્મરત રહીને પરમાત્મપદોન્મુખ છે તેવો સમાધિરત અજ્ઞાત અગોચર, નિરંજન સ્વરૂપની આરાધના કરે છે. આ તત્ત્વ આપણામાં સતત વિદ્યમાન હોય છે. આ તત્ત્વને જ્ઞાની પુરુષ ઓળખી લે છે અને હંસની જેમ નીર-ક્ષીર ભેદ પારખી લે છે.
કવિ ખૂબ જ સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે સાચો સાધક હંસ જેવો હોય છે, જે આત્મા અને પુદ્ગલની વચ્ચે નીર-ક્ષીર જેવો ભેદ સમજીને ક્ષીર(આત્મા)નો સ્વીકાર કરીને ની૨(સંસા૨)નો ત્યાગ કરી આત્મલીન બને છે.
સંસાર પ્રત્યે ધ્યાન રાખનાર મિત્ર-શત્રુ અને અભિમાન વગેરેમાં જ ફસાયેલો રહે છે, પણ જેણે પોતાની જાતને જ જોવાની ટેવ પાડી છે તે જરૂર માર્ગ પ્રાપ્ત કરે છે. સાચું પણ છે કે જ્યાં ભ્રમીજીવ સંસારને જ સર્વસ્વ સમજે છે ત્યાં આત્મજ્ઞાનીનો સંસાર તો એક માત્ર શુદ્ધ સ્વભાવી આત્મા જ સર્વસ્વ છે. સંસારની વાસના અવિદ્યારૂપ છે જે આ જીવને અનેક વિકલ્પોમાં ફસાવીને અંધ-કૂપ(અજ્ઞાન)માં ધકેલી દે છે.
સંસારીજીવ પુત્ર-ધન વગેરેની પ્રાપ્તિમાં આત્માને ભૂલી જાય છે. આ જડસંપત્તિ છે જે મોહને કારણે હંમેશાં આત્મા માટે પ્રતિકૂળ છે. સંસારની જડતા અને મોહને સંસારભ્રમણનું મૂળ કારણ માનીને તેઓ સલાહ આપે છે – હે જીવ ! આ સંસારની ભ્રમમતિને છોડી દે અને હવે પોતાના અંતરને નિહાળ. અન્તદષ્ટિ બનો) જે ક્ષણે આ મોહ દષ્ટિને છોડશો, ત્યારે જ આત્માની ગુણદૃષ્ટિ પ્રાપ્ત થશે, એટલે કે બહિર્દષ્ટિ ત્યાગીને અન્તર્દષ્ટા બનવાથી જ આત્માને સમજ્યાનો ગુણ ઉત્પન્ન થાય છે.
સંસારમાં ઇન્દ્રિયભોગમાં સહુ મશગૂલ છે. ચારે તરફ લૂંટાલૂંટ ચાલી રહી છે, જ્યારે બીજી તરફ આત્મદ્રવ્ય વિષે કોઈ દ્વિધા નથી. ચિદાનંદ આત્મસ્વરૂપમાં રમનાર હમેશાં પ્રસન્ન છે, કારણ કે તે જાણી ગયો છે કે નિજપદ તો નિજમાં જ છે, એટલે કે મારા આત્માનો વિકાસ તો મારા જ અંતરમાં છે. અહીં પણ કવિ આત્માની સ્વયંપૂર્ણ સ્થિતિ પર પ્રકાશ પાડે છે.
આત્માના જ્ઞાન-પ્રકાશમાં ભેદવિજ્ઞાની કોઈ અગ્રાહ્ય વસ્તુને ગ્રહણ કરતો નથી. અને ગ્રાહ્યને કદી પણ ત્યાગતો નથી. તે વસ્તુ-સ્વભાવનો જાણકાર હોવાથી સ્વ અને પરના ભેદને જાણે છે. આ દુહામાં કવિ એ તથ્ય પર
યશોભારતી ૧૮૬