________________
વિશોવિજયજીનાં સ્તવન-કાવ્યો
પન્નાલાલ ૨. શાહ
આપણા સાક્ષર કવિ-વિવેચક સ્વ. મનસુખલાલ ઝવેરીએ એક કાવ્યકૃતિનો આસ્વાદ કરાવતાં બહુ સરસ વાત કરી છે. એમણે કહ્યું છે : “મનુષ્યના વાટશત્રુઓ બે : વિષયલાલસા અને વિપત્તિ. તેમાં વિષયલાલસા મનુષ્યને અવળે રસ્તે દોરી જાય ને વિપત્તિ મનુષ્યની મતિને એવી તો મૂંઝવી દેતી હોય છે કે મનુષ્ય સત્ય શું છે એ જોઈ શકતો નથી.' આ વાતને લંબાવતાં એમણે સ-રસ કહ્યું છે: “એ વાટશત્રુઓની સામે મનુષ્ય ટકી શકે, જો એને બળ અને જ્ઞાન મળે તો. વિષયનાં પ્રલોભનો સામે ટકી રહેવાનું બળ અને સત્યનું દર્શન કરાવી શકે એવું જ્ઞાન પરમાત્માની કૃપા - કૃપા નહિ, કરુણા હોય તો જ પામી શકાય તેવી વસ્તુઓ છે.” મધ્યકાલીન યુગમાં ભક્તિમાર્ગના આરાધક આપણા સંત-કવિઓએ પરમાત્માની કરુણાને પામવા ઉપાસના કરી છે. એમાં અખૂટ કાવ્ય-રસ ઝરે છે.
જૈન ધર્મમાં દર્શન-પૂજા, તીર્થયાત્રા આદિ નિમિત્તે મંદિરે જતાં શ્રાવકશ્રાવિકાને પ્રભુ-સ્તુતિ અને સ્તવનનો મહિમા વિશેષ છે. આ કારણે જૈન કવિઓ ચોવીસ તીર્થંકરોનાં સ્તવનોની ચોવીશીના સર્જન તરફ વિશેષ વળ્યા હોય એવું જણાય છે. આવી ચોવીશીના રચયિતાઓમાં આનંદઘનજી, દેવચંદ્રજી, મોહનવિજયજી, ચિદાનંદજી વગેરે મુખ્ય છે. એમાં આનંદઘનજીની રચનાઓનો વિષય યોગ અને તત્ત્વજ્ઞાનની અભિવ્યક્તિ છે, જ્યારે દેવચંદ્રજીની ચોવીશીમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની રજૂઆત છે, જે સામાન્ય શ્રાવક-શ્રાવિકાઓને માટે એવી કૃતિઓ દુરારાધ્ય ગણાય.
ઉપાધ્યાય યશોવિજયજીએ જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોનાં સ્તવનો રચ્યાં છે. એટલે કે એમણે ચોવીશી રચી છે. આવી એમણે રચેલી ત્રણ ચોવીશી હાલ ઉપલબ્ધ છે. એમાંની બે ચોવીશીમાં ઊર્મિ-ભાવની છટા અને તીવ્રતાની અભિવ્યક્તિ છે, અને એક ચોવીશીમાં કથન ચરિત્રવિગત સંગ્રહ વિશેષ છે.
સ્તવન - કાવ્યો D વહન