________________
હતી, તેથી સર્વ જીવ-પરોપકારાર્થે ઉપમિતિનો સારસંક્ષેપ કર્યો હશે.
વૈરાગ્યકલ્પલતા એ ઉપમિતિનું સંક્ષિપ્તીકરણ માત્ર નથી, પરંતુ તેમાં મૌલિક નવસર્જન સાથે તેનું સ્વરૂપગત પરિવર્તન કરી જાણે નવી કૃતિનું સર્જન કર્યું હોય તેવું લાગે છે. ઉપમિતિકથા કેટલાકને મતે સંપૂકાવ્ય છે. વૈરાગ્યકલ્પલતા ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતું કથાસાર મહાકાવ્ય છે. જોકે સમગ્ર સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાસાર મહાકાવ્યનો ઉલ્લેખ સરખો નથી. આ કૃતિ તેના આ સ્વરૂપમાં સર્વોત્તમ કૃતિ છે. આમ વૈરાગ્યકલ્પલતા સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યમાં બે રીતે અનોખું સ્થાન ધરાવે છે ઃ (૧) રૂપકકથા તરીકે (૨) કથાસાર મહાકાવ્ય તરીકે.
આમ રૂપકકથાઓએ ભારતના ધાર્મિક તેમ જ ઔપદેશિક સાહિત્યમાં ઉત્તુંગ શિખરો સર કર્યાં છે; કારણ કે અલંકારશાસ્ત્રીય બંધનરહિતતાની મોકળાશે તેને વિસ્તરવામાં આડકતરી મદદ કરી છે. પરિણામે જૈન આગમ સાહિત્યમાંથી વહેતાં આવતાં રૂપકઝરણાં ઘીમે ઘીમે ઔપદેશિકતાના મહાગિરિ ઉપરથી નીચે ઊતરી સિદ્ધર્ષિ સુધીમાં તો મહાનદ બની જાય છે. પછી તેનાં વિશાળ વારિરાશિમાંથી પરવર્તી રૂપકસાહિત્યની અનેક નહેરો નીકળી, પરંતુ તેમાંથી નિર્મળ, સુરમ્ય સરોવર સર્જાયું તે યશોવિજયજીની લાક્ષણિક કૃતિ વૈરાગ્યકલ્પલતા. ઉત્તરકાલીન જૈન સાહિત્યમાં ભાગ્યે જ એવો કોઈ રૂપકકાર હશે કે જેની ઉપર ઉપમિતિની અસર ન પડી હોય.
વૈરાગ્યલતાને સાહિત્યિક રીતે મૂલવતાં તેમાં અનેક તત્ત્વોનું સંમિશ્રણ જોવા મળે છે, છતાં તેના આંતરિક સ્વરૂપને જોતાં તે મહાકાવ્યનું સ્વરૂપ ધરાવે છે. ટૂંકમાં કેટલીક જૈન કૃતિઓને કોઈ ચોક્કસ કાવ્યસ્વરૂપમાં જોવામાં મુશ્કેલીઓ પડે છે; તેવું આ કૃતિની બાબતમાં થયું છે.
અહીં કૃતિના સ્વરૂપનું શૈથિલ્ય એ દુર્ગુણ નથી પરંતુ વૈશિષ્ટ્ય છે. તે કથાસાર મહાકાવ્ય છે તેથી તેમાં અલંકારશાસ્ત્ર કથિત કેટલાંક મહાકાવ્યલક્ષણો અનાયાસે જોઈ શકાય છે. જોકે અલંકારશાસ્ત્રની સુદીર્ઘ પરંપરામાં અનેક આલંકારિકોને હાથે, અનેક પ્રકારના સાહિત્યિક, સાંસ્કૃતિક વાતાવરણ તથા તત્કાલીન અસરો નીચે વ્યાખ્યા ઘડાતી આવીં હોવાથી ‘સર્વલક્ષણયુક્ત' મહાકાવ્ય ભાગ્યે જ જોવા મળશે.
આમ છતાં કાવ્યશાસ્ત્ર સંમત અનેક મહાકાવ્યલક્ષણો જેવાં કે : સર્ગબદ્ધતા, છંદયોજના, પ્રારંભ, પુરુષાર્થનિરૂપણ, સર્ગાન્તે ભાવિ કથનસૂચન,
વાયકલલતા દ ૧૧