________________
૭૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ રીતે તેના બંધનમાંથી છૂટીને ગભરાઈને છુપાય છે, ત્યારપછી ભયભીત થયેલી પોતાના પતિને લોલાક્ષ રાજાનું કથન કરે છે જેનાથી તેઓ વચ્ચે યુદ્ધ થાય છે, આ સર્વ પ્રસંગમાં કામને પરવશ થયેલ અને તેના નિમિત્તે ઉત્પન્ન થયેલ દ્વેષની પરિણતિથી તે બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું અને અંતે લોલાક્ષ રાજાનું મૃત્યુ થયું. આ રીતે અંતરંગ શત્રુઓ સંસારમાં જીવને કઈ રીતે ક્લેશ કરાવે છે ઇત્યાદિ વિમર્શ અને પ્રકર્ષ ભવચક્રમાં સાક્ષાત્ અનુભવરૂપે જુએ છે.
વળી, ભવચક્રમાં પદાર્થને જોવાને અર્થી એવા તેઓ રાજમહેલમાં પ્રવેશે છે જ્યાં રિપુકંપનને રાજ્યાભિષેક થયેલ જોયો અને તેના ભવનમાં મિથ્યાભિમાને પ્રવેશ કર્યો. જે મિથ્યાભિમાન પૂર્વમાં રાજસચિત્ત નગરમાં જોયેલો : જે અંતરંગ ચિત્તમાં વર્તતા રાગના પરિણામ સાથે અવ્યક્તરૂપે દેખાતો હતો તે મિથ્યાભિમાન ચિત્તવૃત્તિમાં વિદ્યમાન હોવા છતાં નિમિત્તને પામીને બહાર આવે છે; જેથી રિપુકંપનને પોતાના પુત્રના જન્મના સમાચારથી મિથ્યાભિમાન થાય છે અર્થાત્ મને પુત્ર થયો એ પ્રકારનું મિથ્યાભિમાન થાય છે. વસ્તુતઃ આત્મામાં જે જે ભાવો થાય છે તે તે ભાવો જીવને પ્રાપ્ત છે. તેથી કષાયોના ક્લેશો કે કષાયોના ઉપશમનન્ય ભાવો આત્માને પ્રાપ્ત છે પરંતુ બાહ્ય પુત્રાદિ પદાર્થો પરમાર્થથી આત્માને પ્રાપ્ત થતા નથી. આથી વિવેકી જીવો પરમાર્થને જોનારા હોવાથી પુત્રાદિના જન્મમાં હર્ષ થાય છે ત્યારે પણ વિચારે છે કે મારા આત્મામાં આ જાતના રાગાદિ ભાવો ઉત્પન્ન થયા છે જે ક્લેશરૂપ છે છતાં કષાયને વશ તેવા તેવા ક્લેશો મને થાય છે. પરમાર્થથી તો પુત્રની પ્રાપ્તિથી મને કંઈ પ્રાપ્તિ નથી, કેવલ મમત્વરૂપ ક્લેશની જ પ્રાપ્તિ થઈ છે. જ્યારે અવિવેકી જીવોને પુત્રની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ કે અન્ય કોઈ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં મિથ્યાભિમાન થાય છે કે આ સર્વથી હું સમૃદ્ધ થયો. આથી જ મિથ્યાભિમાનને વશ તેઓ પુત્રજન્મનો ઉત્સવ કરે છે. જો કે સમ્યગ્દષ્ટિ જીવોને પુત્ર પ્રત્યે સ્નેહ હોય ત્યારે હર્ષ થાય છે, પુત્રજન્મોત્સવ કરે છે તોપણ પરમાર્થને જોનારા હોવાથી વિચારે છે કે હું શું કરું કે જેથી આ પુત્રનું હિત થાય અને તત્ત્વને પામીને હિત સાધે, છતાં પુત્ર પ્રત્યેના રાગને વશ હર્ષની અભિવ્યક્તિરૂપ મહોત્સવ કરે છે તોપણ વિવેક હોવાને કારણે તેઓને મિથ્યાભિમાન થતું નથી.
વળી, રિપુકંપનને પુત્રજન્મના મહોત્સવનો હર્ષ વર્તે છે ત્યારે અચાનક જ પુત્રની રોગિષ્ઠ અવસ્થાના સમાચાર મળે છે. જે સાંભળીને તે અત્યંત વિહ્વળ થાય છે. તેના ઔષધ માટે ઉચિત યત્ન કરે છે. વળી, પુત્રનું મૃત્યુ થાય છે ત્યારે રિપુકંપનને મતિમોહ થાય છે અર્થાત્ મારું સર્વસ્વ નાશ પામ્યું એ પ્રકારનો મતિમોહ થાય છે; જે અંતરંગ ચિત્તવૃત્તિમાં રહેલા દ્રષના પરિણામ સાથે સંબંધિત જીવનો મોહનો પરિણામ છે. પૂર્વે જે મિથ્યાભિમાન થયું કે મને પુત્ર થયો તે રાગ સાથે સંબંધિત જીવનો મિથ્યાભિમાનનો પરિણામ હતો. અને પુત્રના મૃત્યુથી મારું સર્વસ્વ નાશ પામ્યું એ પ્રકારનો મતિમોહનો પરિણામ થયો. જેનાથી મતિમોહ સાથે અતિ સંબંધિત એવો શોકનો પરિણામ આવિર્ભાવ પામે છે અને અતિ શોકને કારણે રિપુકંપનનું મૃત્યુ થાય છે, જેથી તે રાજમંદિરમાં વર્તતા સર્વ પરિવારમાં મતિમોહ અને શોકનું એકછત્ર સામ્રાજ્ય પ્રવર્તે. જેઓ સમ્યજ્ઞાનથી પવિત્ર મતિવાળા છે તેઓને પણ મારો પુત્ર મરી ગયો એ પ્રકારના