________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૭૭ રક્ષણ અર્થે ઇન્દ્રિયોને અનુકૂળ રસનો ત્યાગ મુનિઓ કરે છે, જેનાથી સંયમનું વીર્ય વૃદ્ધિ પામે છે. વળી, મુનિઓ સંયમની વૃદ્ધિમાં સહાયક થાય તેવા કાયક્લેશ નામના તપને કરે છે, જેનાથી કાયાની શાતા પ્રત્યેનો જે મમત્વભાવ છે તેનું શમન થવાથી સમભાવની વૃદ્ધિ થાય છે, તેથી કાયક્લેશ સુખને લાવનારું છે. વળી, સંલીનતા નામનો બાહ્યતપ કરીને મુનિઓ કષાયોને સંલીન કરે છે, ઇન્દ્રિયોને સંલીન કરે છે અને મન, વચન, કાયાના યોગોને સંલીન કરે છે. તેથી નિમિત્તોને પામીને કષાયો ન પ્રવર્તે, ઇન્દ્રિયો ન પ્રવર્તે અને મન, વચન, કાયાના યોગો ન પ્રવર્તે તે અર્થે હંમેશાં મુનિઓ વિવિધ ચર્યાથી રહે છે અર્થાત્ કષાયો, ઇન્દ્રિયો અને યોગો અન્ય સાથે સંગને ન પામે તેવા એકાંત સ્થાનમાં બેસીને આત્માને અત્યંત તત્ત્વથી ભાવિત કરવા યત્ન કરે છે. વળી, સાધુઓ થયેલાં પાપોની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત નામનું તપ કરીને ચિત્તનું શોધન કરે છે, જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય એ રૂપ ચાર પ્રકારના વિનયને સેવીને ગુણો તરફ જવા યત્ન કરે છે, કેમ કે જેનાથી કર્મનું વિનયન થાય તે વિનય છે, તેથી કર્મના વિનયનના કારણભૂત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્રના પરિણામ પ્રત્યે અત્યંત નમેલા પરિણામવાળા થઈને કર્મનું વિનયન કરે છે અને ગુણવાન પુરુષના ગુણોનું સ્મરણ કરીને ઉપચારવિનય દ્વારા કર્મનું વિનયન કરે છે. વળી, મુનિઓ શક્તિના પ્રકર્ષથી દશ પ્રકારના વૈયાવચ્ચને કરે છે, તેથી જે સંયોગમાં જે પ્રકારના વૈયાવચ્ચની પોતાની શક્તિ હોય તે પ્રકારે આચાર્યાદિના વૈયાવચ્ચને કરીને ગુણના અતિશયને પ્રગટ કરવા અર્થે મુનિઓ યત્ન કરે છે. વળી, પોતાની ભૂમિકાનુસાર વાચનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરીને મુનિઓ કર્મની નિર્જરા કરે છે. વળી, મુનિઓ ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાંથી જે પ્રકારની પોતાની શક્તિ હોય તે પ્રકારે તેને સેવીને કર્મની નિર્જરા કરે છે; કેમ કે શુભધ્યાન ગુણવૃદ્ધિમાં જ પ્રયત્ન કરાવે છે અને ગુણવૃદ્ધિથી તે તે ગુણનાં પ્રતિબંધક કર્મોની નિર્જરા થાય છે અને તેઓની સાથે પૂર્વમાં બંધાયેલા અશુભકર્મની નિર્જરા થાય છે. વળી સાધુઓ સંયમ ગ્રહણ કરે છે ત્યારથી જ નિઃસ્પૃહ થવા યત્ન કરે છે અને અંત સમયે અત્યંત નિઃસ્પૃહ થયેલા અને મૃત્યુનો પ્રાપ્તકાલ જણાય ત્યારે પોતાના ગણ, ઉપાધિ અને પોતાના શરીરનો ત્યાગ કરે છે અને આહારનો ત્યાગ કરે છે જેનાથી વિશેષ પ્રકારની નિર્જરા કરીને મોક્ષસાધક એવા ઉત્તમદેવભવને પ્રાપ્ત કરે છે.
(૯) સંયમ :- વળી, સાધુઓનો સંયમ નામનો છઠો પરિણામ છે. જે ભાવસાધુઓ છે તેઓ સતત ૧૭ પ્રકારના સંયમના પરિણામથી આત્માને ભાવિત કરે છે જેનાથી પાપરૂપી આસવો રોકાય છે, પાપને કરનારી સંશ્લેષવાળી પરિણતિ ક્ષીણ, ક્ષીણતર થાય છે. પાંચ ઇન્દ્રિયોના નિરોધથી સંતુષ્ટ થયેલા વિગતસ્પૃહાવાળા તે મુનિઓ બને છે, તેથી તેઓના ચિત્તમાં ૧૭ પ્રકારના સંયમના બળથી કષાયોના તાપનું શમન થાય છે, પ્રશમના પરિણામથી ચિત્ત નિર્વાણને અભિમુખ પ્રવર્તે છે, તેથી સંયમ નામનો પરિણામ મુનિઓને ધૃતિરૂપી સાગરમાં નિમગ્ન કરે છે તેમાં મોહનાશને અનુકૂળ અસંગભાવમાં જવાને અનુકૂળ વૃતિ સતત સંયમના પરિણામથી વૃદ્ધિ પામે છે. વળી, ૧૭ પ્રકારના સંયમ બતાવે છે. સાધુ પૃથ્વી આદિ પાંચ. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોની હિંસાનું નિવારણ કરે છે, અર્થાત્ મનથી, વચનથી, કાયાથી આ નવ પ્રકારના જીવોમાંથી કોઈ જીવને પીડા ન થાય, કોઈનો પ્રાણનાશ ન થાય અને કોઈ જીવને કષાયનો