________________
૩૧૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ચારિત્રધર્મ આદિ ભાવો આસ્લાદને કરનારા છે. વળી, ચિત્તવૃત્તિમાં વર્તતા ચારિત્રધર્માદિ ભાવો જગતના જીવો માટે દુર્ગતિના પાતથી રક્ષણ કરવા માટે આલંબન છે, સંસારી જીવોના સર્વ પ્રકારના હિતને કરનારા છે, જૈનપુરમાં વસતા જીવોના પારમાર્થિક બંધુ છે અને તે જીવોને સતત સંસારથી નિસ્તારને અનુકૂળ યત્ન કરાવનારા છે. આથી જ જૈનપુરમાં વસનારા જીવો આ ચારિત્રધર્માદિના બળથી સુખપૂર્વક સંસારસાગરને અલ્પભવોમાં તરી જાય છે. વળી, જૈનનગરમાં નિઃસ્પૃહતા વેદિકાની પાસે ચિત્તસમાધાનમંડપમાં રહેલા શુભાશયાદિ ભાવો છે તે પણ ચારિત્રધર્મના પદાતિ જ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો જૈનનગરમાં વસે છે તેઓ સતત સ્વશક્તિ અનુસાર ઉચિત કૃત્યો કરીને વીતરાગ થવાના શુભાશયવાળા છે. વળી ચિત્તસમાધાનમંડપમાં નિઃસ્પૃહતા વેદિકા પાસે શુભાશયાદિ ભાવો રહેલા છે. આથી જ તે શુભાશયોના બળથી તે જીવોનું ચિત્ત હંમેશાં સમાધાનવાળું વર્તે છે તેથી ભવચક્રમાં
ક્લેશનાં નિમિત્તો પણ તેઓને પ્રાયઃ ક્લેશ કરાવતાં નથી અને તેઓનું ચિત્ત સતત નિઃસ્પૃહતાને અનુરૂપ યત્નવાળું રહે છે. વળી, તે જીવોમાં વર્તતા શુભાશયાદિ ભાવોને કારણે જ તે જીવોમાં સર્વ સુંદર કાર્યો થાય છે; કેમ કે શુભાશયના બળથી જૈનપુરમાં વસતા જીવો હંમેશાં પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરાને પ્રાપ્ત કરે છે. જેથી તેઓને સર્વ સુખની પરંપરાના કારણભૂત સર્વ સુંદર કાર્યોની પ્રાપ્તિ થાય છે. વળી, જૈનપુરમાં વસતા જીવોના ચિત્તમાં જે અન્ય પણ મનુષ્યો, સ્ત્રીઓ, બાળકો વગેરે અંતરંગ પરિણતિરૂપ ભાવો છે તે સર્વ ચિત્તસમાધાનમંડપમાં રહેલા શુભાશય આદિ રાજાઓના જ માણસો છે તેથી જૈનપુરમાં વસનારા જીવોના ચિત્તમાં જે જે પ્રકારના શુભાશય થાય છે તેને અતિશય કરવામાં સહાયક એવી ઉત્તમ પુણ્ય પ્રકૃતિ અને ક્ષયોપશમભાવના જીવના પરિણામો વર્તે છે જે જીવને સર્વ પ્રકારે સુખ કરે છે.
સંક્ષેપથી જૈનનગરમાં વસતા જીવોના ચિત્તનું સ્વરૂપ બતાવતાં કહે છે – ચિત્તસમાધાનમંડપમાં જે ચારિત્રધર્મની સભામાં વર્તતા ઘણા રાજાઓ તેઓના ચિત્તમાં વર્તતા છે તે સંખ્યાથી અસંખ્યાત છે. તેનું કોઈ વર્ણન કરવું શક્ય નથી. આથી જ સંયમના તરતમતાના અવાંતર અસંખ્યાત અધ્યવસાય સ્થાનો છે તે સર્વનું વર્ણન શબ્દોથી કરવું શક્ય નથી. આ રીતે વિમર્શ પ્રકર્ષને કહે છે. અને કહે છે કે જો તને હવે ચિત્તરૂપી અટવીમાં વર્તતા સુંદર-અસુંદર સર્વ ભાવો વિષયક યથાર્થ બોધ થયો છે તેથી કુતૂહલ શાંત થયું છે તો આપણે આપણા સ્થાનમાં જઈએ અર્થાત્ આપણા રાજા વિચક્ષણ અને બુદ્ધિ વગેરેએ આપણને જે રસનાની શુદ્ધિ અર્થે મોકલેલ છે તે કાર્ય હવે પૂર્ણ થાય છે માટે તેમની પાસે જઈએ. વિમર્શનું આ કથન સ્વીકારીને પ્રકર્ષ વિમર્શ સહિત તે સ્થાનથી નીકળીને સ્વસ્થાને જવા તત્પર થાય છે, ત્યાં તેઓએ ચારિત્રધર્મનું સૈન્ય જોયું. જે ગાંભીર્ય, ઔદાર્ય, આદિ અનેક ભાવોથી યુક્ત છે તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોના ચિત્તમાં ભગવાનનું શાસન વર્તી રહ્યું છે તેઓના ચિત્તમાં મોહનાશ માટે તત્પર થયેલું ચારિત્રનું સૈન્ય નિપુણપ્રજ્ઞાથી વિમર્શ અને પ્રકર્ષને દેખાય છે. તેથી ભગવાનના શાસનમાં વર્તતા જીવોના ચિત્તમાં સ્વસ્વભૂમિકાનુસાર ગાંભીર્ય, ઔદાર્ય, કર્મનાશને અનુકૂળ શૌર્યાદિ ભાવો વર્તે છે. વળી, તત્ત્વને જોવામાં બુદ્ધિની પટુતા, વાણીનો સંયમ અર્થાત્ નિરર્થક વચનપ્રયોગ કરીને શક્તિનો દુર્વ્યય ન થાય, તે પ્રકારે વાણીનો સંયમ અને મોહને નાશ કરવામાં નિપુણતા આદિ ભાવો વર્તે છે જેનું વર્ણન ચાર શ્લોકોથી=૨૭૧થી ૨૭૪ સુધી