________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૩૬૭ પ્રબળ બને છે. જેના ફળરૂપે આલોકમાં પણ અત્યંત નિંદાને પ્રાપ્ત કરીને અંતે લોકમાં વિડંબના કરાતો કરાતો તે તપનચક્રવર્તી પાસે યોગેશ્વર દ્વારા લઈ જવાયો. તે વખતે જે જાતની કરુણાજનક તેની સ્થિતિ થઈ તે સર્વમાં સાક્ષાત્ તેનું મૃષાવાદ અને માનકષાય જ કારણ છે. અને જેના ફળ સ્વરૂપે નરકમાં જઈને પડે છે. વળી, મૂઢતાથી લેવાયેલા કષાયો ઘણા ભવો સુધી આ રીતે જ જીવમાં મૂઢતા કરાવીને દુર્ગતિઓની પરંપરા કરાવે છે. જે સર્વ વર્ણન સંક્ષેપથી કરતાં ગ્રંથકારશ્રી કહે છે.
ચારે ગતિઓની સર્વ ખરાબ સ્થિતિઓને રિપુદારણ અનેક વખત પ્રાપ્ત કરે છે. વળી, મૃષાવાદને કારણે જિલ્લાછેદ, તપ્તતામ્રપાન, મૂકપણું, બોબડાપણું ઇત્યાદિ અનેક કદર્થનાઓ પછીના ભાવમાં પ્રાપ્ત કરે છે. તે સર્વ પ્રત્યે મૃષાવાદ કારણ છે અને માનને વશ જે ક્લિષ્ટભાવો કર્યા તેના કારણે ઉત્તરના સર્વ ભવોમાં દરિદ્રતા, હીનકુળ, હીન જાતિ, રોગિષ્ઠ શરીર, અત્યંત દયાજનકતા, અલાભ, સંતાપ, યાચકપણું ઇત્યાદિ ભાવોને પ્રાપ્ત કરે છે. તેથી વિવેકી પુરુષે માનનાં અને મૃષાવાદનાં તેવાં દારુણ ફળોનું પુનઃ પુનઃ ભાવન કરીને તેનો પરિહાર કરવા માટે યત્ન કરવો જોઈએ અને સૂક્ષ્મ પણ માન રહિત અને મૃષાવાદ રહિત સુસાધુ કેવી રીતે જીવે છે તેનું પુનઃ પુનઃ ભાવન કરવું જોઈએ. વળી, પ્રસ્તુત પ્રસ્તાવમાં રસનેન્દ્રિયનો વિપાક પણ બતાવેલ. તેથી જડ પુરુષ જે રીતે રસનાને વશ થઈને દુર્ગતિમાં જાય છે તેનું ભાવન કરીને અને સુસાધુ કઈ રીતે રસના હોવા છતાં લોલતાનો પરિહાર કરીને અને રસનાને અકિંચિત્કર કરે છે તેનું ભાવન કરીને રસનાનો જય કરવા યત્ન કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ સર્વ પ્રકારની સુખની પરંપરાનું કારણ બને.
ચોથો પ્રસ્તાવ સંપૂર્ણ
અનુસંધાનઃ ઉપમિતિભવપ્રપંયા કથા ભાગ-૬ (પંચમ પ્રસ્તાવ)