________________
૩૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બતાવીને મોહનાશને અનુકૂળ જીવના ઉત્તમભાવો કેવા હોય છે ? તેને જ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
આ રીતે ચારિત્રના સૈન્યને જોઈને ખુશ થયેલ પ્રકર્ષ કહે છે. વિમર્શ દ્વારા અત્યાર સુધી મને શું શું બતાવાયું તેનું સંક્ષેપથી સ્મરણ કરીને પ્રકર્ષ વિમર્શ આગળ સ્પષ્ટ કરે છે. વિમર્શ દ્વારા ચાર ગતિઓના પરિભ્રમણરૂપ ભવચક્ર બતાવાયું. અને તેમાં વર્તતા જીવોના ચિત્તમાં મહામોહાદિનું વીર્ય કેવા પ્રકારનું છે ? તે બતાવાયું. જેનાથી સંસારી જીવો ચાર ગતિઓમાં કઈ રીતે વિડંબના પામે છે ? તે બતાવાયું. વળી તે ભવચક્રમાં જ સાત્ત્વિક માનસ કેવું છે ? તે બતાવાયું; જેથી વિષમ પણ ભવચક્રમાં સાત્ત્વિક જીવો ઉચિત પ્રવૃત્તિ કરીને કંઈક હિત સાધે છે તેનો બોધ કરાવ્યો. વળી, મોહથી રક્ષણમાં પ્રબલ સહાયક એવો વિવેકપર્વત બતાવાયો. તેથી જેઓને દેહાદિથી, ધનાદિથી ભિન્ન પોતાનો આત્મા છે, શરીરથી ભિન્ન પોતાનો આત્મા છે અને તે આત્મા જ પોતાના અધ્યવસાય દ્વારા કર્મ બાંધીને કઈ રીતે સંસારના સર્વ પ્રકારના અનર્થોને પ્રાપ્ત કરે છે તેનો બોધ કરાવ્યો. તે વિવેકપર્વત ઉપર ચઢઢ્યા પછી જે જીવો અપ્રમાદપૂર્વક જિનવચનનું અવલંબન લઈને જિન થવા યત્ન કરે છે તેઓ જૈનપુરમાં વસે છે તે બતાવાયું. વળી, જૈનપુરમાં વસનારા જીવોના ચિત્તમાં સમાધાન વર્તે છે અર્થાત્ જગતના તુચ્છ ભાવોમાંથી મને કંઈ પ્રાપ્ત થતું નથી પરંતુ જગતના ભાવો કષાયો કરાવીને મારી વિડંબના કરે છે માટે તે ભાવોથી સર્યું. એ પ્રકારે ચિત્તનું સમાધાન વર્તે છે. તેના કારણે તેઓને જગતના ભાવો પ્રત્યેની નિઃસ્પૃહતા પ્રગટે છે જે મોહના નાશ માટે પ્રબલકારણભૂત જીવની પરિણતિ સ્વરૂપ છે. તે નિઃસ્પૃહતામાં જીવવીર્ય કઈ રીતે પ્રવર્તે છે જેના કારણે તે જીવોના ચિત્તમાં ચારિત્રધર્મ સદા સ્થિરરૂપે વસે છે અને જેના ઉદ્દેશના બળથી તે જૈનપુરમાં વસનારા જીવો સદા વીતરાગ થવા યત્ન કરે છે તે સર્વ અત્યાર સુધી પ્રકર્ષે વિમર્શના બળથી અવલોકન કર્યું.
તેથી હર્ષિત થઈને પ્રકર્ષ કહે છે કે આ જૈનપુરમાં કેટલોક સમય હું વસવા ઇચ્છું છું. જેથી મને વિશેષ પ્રકારનો બોધ થાય; કેમ કે હજી બે માસની અવધિ સ્વસ્થાનમાં જવાની બાકી છે માટે જૈનપુરમાં રહીને વિશેષ પ્રકારના બોધ કરવાની ઇચ્છા પ્રકર્ષને થાય છે. આ રીતે બે મહિના જૈનપુરમાં વિમર્શ અને પ્રકર્ષ રહે છે ત્યારે ગ્રીષ્મ ઋતુ વર્તે છે. તેથી ગ્રીષ્મ ઋતુમાં સંસારી જીવોની સ્થિતિ કેવી હોય છે ? તેનું વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું છે જેથી પ્રસંગે તે તે ઋતુકાળમાં વર્તતા સંસારી જીવોના માનસનો પણ યથાર્થ બોધ થાય. ત્યારપછી વર્ષાઋતુ થાય છે તેથી પ્રકર્ષ કહે છે હવે જવાનો અવસર થયો છે. ત્યારે વિમર્શ કહે છે આ વર્ષાઋતુમાં જવું ઉચિત નથી; કેમ કે વર્ષાઋતુમાં ગમનાદિ અતિક્લેશકારી છે તેનું વર્ણન બતાવીને વર્ષાઋતુ સંસારી જીવોને ગમનાદિની પ્રવૃત્તિમાં કઈ રીતે વિઘ્નકર્તા છે ? તે બતાવે છે. આ રીતે વર્ષાઋતુ પૂર્ણ કરીને વિમર્શ અને પ્રકર્ષ વિચક્ષણાદિ પાસે જાય છે. જે બતાવીને પરસ્પરનો ઉચિત વ્યવહાર શિષ્ટ લોકોમાં કઈ રીતે પ્રવર્તે છે તેનો બોધ કરાવવા અર્થે વિમર્શ-પ્રકર્ષ-વિચક્ષણ બુદ્ધિ-શુભોદય અને નિજચારુતા વગેરે કઈ રીતે પરસ્પર ઉચિત વ્યવહાર કરે છે તે લોકવ્યવહાર અનુસાર બતાવે છે. વસ્તુતઃ શુભોદયકર્મનો ઉદય છે, તેનાથી જીવમાં નિજચારુતા પ્રગટે છે અને જેના કારણે સંસારી જીવ વિચક્ષણ બને છે અને વિચક્ષણ થયેલા જીવમાં નિર્મળબુદ્ધિ પ્રગટે છે જેના કારણે જ સંસારના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરવાની વિમર્શશક્તિ અને વાસ્તવિક સ્વરૂપને જાણવાની બુદ્ધિની પ્રકર્ષતા વર્તે છે તેથી તે સર્વ ભાવો વિચક્ષણ પુરુષના અંતરંગ જ ભાવો છે.