________________
૩૪૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ભાવાર્થ :
વિચક્ષણસૂરિએ નરવાહનરાજા પાસે પોતાના વૈરાગ્યનું કારણ બતાવતાં કહ્યું કે તે ગુણધારણ નામના આચાર્યને પામીને હું પ્રવ્રજિત થયો છું. અને ત્યારપછી જૈનપુરમાં વસતાં ભગવાન સુસાધુઓની વચમાં હું પ્રવ્રજિત છું એમ માનતો હું રહ્યો. તેથી એ ફલિત થાય કે તે વિચક્ષણ સાધુ જૈનપુર છે તેમાં વસનારા જે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા છે, તેમાંથી જે સુસાધુઓ મોહના નાશ માટે સુભટની જેમ અપ્રમાદથી યત્ન કરી રહ્યા છે તેવા સાધુઓની વચમાં અપ્રમત્તશિખર ઉપર વિચક્ષણ મુનિ રહ્યા. અને તે ગુરુ વડે તે મુનિને સર્વ આચાર શિખવાડ્યા. જેથી સુખપૂર્વક મુનિભાવમાં રહીને તે આચાર દ્વારા અંતરંગ શત્રુનો તે મહાત્મા નાશ કરી શકે. વળી તે આચાર જ મારું હિત છે એ પ્રકારની પરમ ભક્તિથી તે વિચક્ષણ મુનિ તે આચારો સેવતા હતા. તેથી તે સાધ્વાચારના બળથી સતત મોહના નાશ માટે યત્ન કરતા હતા.
વળી, તે મહાત્માએ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી રસનેન્દ્રિયને અંતપ્રાંત તુચ્છ આહાર ગ્રહણ દ્વારા અત્યંત અકિંચિત્થર કરાઈ અર્થાત્ પત્ની તરીકે તેનું લાલન-પાલન છોડીને તે જે વિષયાભિલાષનું રાગ ઉત્પાદનરૂપ કાર્ય કરતી હતી તે કાર્ય કરવા સર્વથા અસમર્થ કરાઈ અને વિસર્જન કરાઈ અર્થાતુ પોતાની સાધનામાં વિક્ષેપ કરતાં દૂર કરાઈ. ત્યારપછી તે મહાત્મા શાસ્ત્રઅભ્યાસ કરીને સંપન્ન થયા ત્યારે ગુરુએ તે વિચક્ષણ મુનિને સૂરિપદમાં સ્થાપન કર્યા. વળી વ્યવહારથી તે વિચક્ષણસૂરિ બહાર નગરોમાં વિચરતા દેખાય છે, તોપણ પરમાર્થથી તે વિચક્ષણસૂરિ વિવેકપર્વત પર વસનારા જૈનપુરમાં વસે છે. તેથી એ પ્રાપ્ત થાય કે તે વિચક્ષણસૂરિ વિહાર કરીને ગ્રામાનુગામ વિચરતા દેખાય છે તો પણ અંતરંગ માનસ વ્યાપારથી પોતાના આત્મામાં જે વિવેકનો પરિણામ છે, તે પરિણામમાં યત્નશીલ થઈને જિનતુલ્ય થવા માટે યત્ન કરી રહ્યા છે. આથી જ મોહની સામે સુભટની જેમ લડીને પોતાના અંતરંગ શત્રુનો નાશ કરી રહ્યા છે, માટે પોતાની ચિત્તવૃત્તિમાં વસતા જૈનપુરમાં વસનારા છે. વળી તે વિચક્ષણસૂરિ હું છું તેમ મહાત્મા નરવાહનરાજાને કહે છે અને આ મહાત્માઓ મારા સહવર્તી સાધુઓ છે આ પ્રમાણે વિચક્ષણસૂરિએ પોતાના ભવવૈરાગ્યનું કારણ સ્પષ્ટ કર્યું, અને કહ્યું કે આવા પ્રકારની મારી પ્રવ્રજ્યા છે. કેવા પ્રકારની પ્રવ્રજ્યા છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
રસનારૂપ ભાર્યાના દોષથી મેં પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે છતાં પાપી એવી તેને મેં સર્વથા ત્યાગ કરી નથી; કેમ કે જ્યારે કેવલજ્ઞાન થાય ત્યારે જ મતિજ્ઞાનના ઉપયોગરૂપ રસનાનો સર્વથા નાશ થાય છે. ફક્ત હું તેને દુષ્ટ જાણીને પોતાનું કાર્ય કરવા માટે તેણીને અકિંચિકર કરેલી છે; કેમ કે આ રસના જ મોહના વિકારો કરીને મને વિડંબના કરતી હતી. તેથી મેં તેને કાર્ય કરતી નિષ્ફલ કરી છે તોપણ હજી હું છદ્મસ્થ અવસ્થામાં છું તેથી મેં તેનો સર્વથા ત્યાગ કર્યો નથી. વળી, મારું જે અંતરંગ અવસ્થિત કુટુંબ હતું તેનું હજી પણ હું પાલન કરું છું તેથી હે રાજા ! મારી પ્રવ્રજ્યા કેવા પ્રકારની છે અર્થાત્ બહુ પ્રશંસાપાત્ર નથી. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રવ્રજ્યા એ પાપથી પ્રકૃષ્ટ વ્રજન સ્વરૂપ છે. તેથી જેઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને મોહનો સંપૂર્ણ નાશ કરે છે તેઓની જ પારમાર્થિક પ્રવ્રજ્યા છે. વળી, અંતરંગ શુભોદય, નિજચારુતા, બુદ્ધિ , પ્રકર્ષ, વિમર્શ વગેરે કુટુંબનું હું પાલન કરું છું.