________________
૩૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ માર્ગાનુસારી વિમર્શનો પરિણામ અંતરંગ ચક્ષુમાં વિમલાલોક અંજન આંજીને વિચક્ષણને વિવેકપર્વત આદિ સર્વ પ્રત્યક્ષ દેખાડે છે; કેમ કે વિચક્ષણ પુરુષમાં રહેલી તત્ત્વને જોનારી માર્ગાનુસારી દૃષ્ટિ જેમ રસનાની મૂલશુદ્ધિને પ્રાપ્ત કરાવે છે તેમ પ્રથમ સ્થૂલથી જૈનપુર આદિ સર્વના સ્વરૂપનું વર્ણન કરીને તેનો બોધ કરાવે છે અને જ્યારે તે વિચક્ષણ પુરુષ અત્યંત નિપુણપ્રજ્ઞાથી જોવા યત્ન કરે છે, ત્યારે પોતાની ચિત્તરૂપી અટવીમાં જ તેને સાત્ત્વિકપુર, વિવેકપર્વત, અપ્રમત્તશિખર, અને જૈનપુર સાક્ષાત્ દેખાય છે; કેમ કે સૂક્ષ્મપ્રજ્ઞાથી જોવાથી તેને સ્પષ્ટ દેખાય છે કે શરીરાદિ બાહ્ય સર્વ પદાર્થોથી ભિન્ન દેહમાં રહેલો મતિજ્ઞાનના ઉપયોગ રૂપ મારો આત્મા છે અને જો તે આત્મા અપ્રમાદભાવથી યત્ન કરે તો જિનતુલ્ય થવાનું કારણ જૈનનગર છે તેમાં પોતાનો પ્રવેશ થાય. તેથી પોતાના ચિત્તમાં જ જિનતુલ્ય થવાનો ઉચિત ઉપાય તેને દેખાય છે.
જૈનપુરના મધ્યમાં જ તેને ચિત્તસમાધાનમંડપ દેખાય છે. તેથી તે વિચારે છે કે આ તુચ્છ બાહ્ય પદાર્થો મને સુખનાં કારણ નથી પરંતુ મારી નિરાકુળ ચેતના જ મારા સુખનું કારણ છે એ પ્રકારે મારું ચિત્ત સમાધાનવાળું થશે તો મારામાં નિઃસ્પૃહતા પ્રગટશે, જેથી મારું જીવવીર્ય આત્માના નિરાકુળભાવને અભિમુખ પ્રવર્તશે જેથી મારા ચિત્તમાં ચારિત્રનો પરિણામ સ્કુરાયમાન થશે. જે ચારિત્રનો પરિણામ મને મારી ભૂમિકાનુસાર દાન-શીલ-તપ-ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મના સેવનમાં ઉત્સાહિત કરશે. તેથી જૈનપુરમાં રહેલા જીવો જેમ મોહ આદિનો નાશ કરવા માટે યત્નશીલ છે તેમ હું પણ તેનો નાશ કરવા સમર્થ થઈશ. આ પ્રકારે નિર્ણય કરીને તે વિચક્ષણ પુરુષ નરવાહનરાજાને કહે છે મારી નિર્મળમતિથી આ સર્વ મેં અવલોકન કર્યું. ત્યારપછી હું શુભોદય પિતાદિ સર્વ અંતરંગ પરિવાર સહિત ગુણધર નામના આચાર્ય પાસે પ્રવ્રજિત થયો.
આનાથી એ પ્રાપ્ત થાય કે મહાત્માઓ જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે તેની સાથે તેનાં શુભકર્મો જે અત્યાર સુધી વિપાકમાં આવતાં હતાં, તેનાથી જ તે વિચક્ષણ બનેલો અને તેના કારણે જ માર્ગાનુસારી બુદ્ધિથી તત્ત્વનું અવલોકન કરનારો થયેલો, તે શુભકર્મો પણ ચારિત્ર ગ્રહણકાળમાં વિપાકરૂપે સાથે આવે છે. વળી, નિજચારુતાની પરિણતિ પણ દીક્ષા ગ્રહણ કરતી વખતે સાથે રહે છે તેથી દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે જે તેની સુંદરતા હતી તે જ સુંદરતા દીક્ષા ગ્રહણ કર્યા પછી વિશેષથી પ્રગટે છે.
વળી, જે અંતરંગ બુદ્ધિ નામની પત્ની હતી તે પણ સાથે લઈને દીક્ષા ગ્રહણ કરે છે. તેથી સાધુ અવસ્થામાં તત્ત્વને જોનારી બુદ્ધિ વિશેષથી પ્રવર્તે છે. વળી, જે વિમર્શ કરવાને અનુકૂળ પૂર્વમાં ક્ષયોપશમભાવ હતો તે ક્ષયોપશમભાવ પણ સંયમ ગ્રહણ કર્યા પછી શાસ્ત્રીય પદાર્થોને યથાર્થ જાણવા માટે સાથે વર્તે છે. વળી, જે બુદ્ધિનો પ્રકર્ષ હતો જેનાથી સર્વ પ્રકારની તત્ત્વની જિજ્ઞાસા વિચક્ષણને થતી હતી, તે પણ સંયમ ગ્રહણ કર્યા પછી સાથે જે વર્તે છે, તેથી બુદ્ધિના પ્રકર્ષને કારણે શાસ્ત્રીય પદાર્થોનો યથાર્થ ઊહ દીક્ષા ગ્રહણ કર્યા પછી પણ કરે છે.
વળી, સંયમ ગ્રહણ કરતી વખતે દેહ સાથે છે, તેની રસનેન્દ્રિય રૂપી પત્ની પણ સાથે છે. ફક્ત પૂર્વમાં