________________
૩૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
જડ અશુભોદય અને સ્વયોગ્યતાથી થયેલો હતો તેથી તે જીવનાં અશુભકર્મો અને ક્લિષ્ટ ભાવો કરે તેવી તે જીવની યોગ્યતા હતી તેથી રસનાને અને લોલુપતાને પ્રાપ્ત કરીને તે રસનાને આધીન થઈને સર્વ પાપો કરે છે અને અંતે અકાળે મૃત્યુ પામીને દુર્ગતિમાં પડે છે. આ જડનો વૃત્તાંત જોઈને વિચક્ષણને આ રસના અત્યંત અનર્થકારી છે, આથી જ જડ રસનાના લાલનના ફળને આ ભવમાં પ્રાપ્ત કરે છે અને પરભવમાં દુર્ગતિને પ્રાપ્ત કરશે તે જોઈને રસના પ્રત્યે અત્યંત વિરક્તભાવ પ્રાપ્ત થયો. આ રીતે વિચક્ષણ રસના પ્રત્યે વિરક્તભાવમાં કાળ પસાર કરે છે ત્યાં સુધી વિમર્શ અને પ્રકર્ષ વિચક્ષણ પાસે આવે છે અને તેઓએ જે સર્વ માહિતી આપી તેનાથી વિચક્ષણને નિર્ણય થયો કે આ રસના રાગકેસરીના વિષયાભિલાષ નામના મંત્રીની પુત્રી છે અને દોષના પુંજવાળી છે. તેથી મારે તેનો ત્યાગ કરવો જોઈએ. આમ વિચારીને તેના ત્યાગ અર્થે શુભોદયને પૃચ્છા કરે છે. અર્થાત્ વિચક્ષણ શુભકર્મના ઉદયથી તેના ત્યાગ વિષયક શું કરવું જોઈએ તેની માર્ગાનુસારી વિચારણા કરે છે અને તે વિચક્ષણમાં વર્તતો શુભોદય તેને કહે છે કે આ રસના તારી ભાર્યા છે તેથી અકસ્માત તેનો ત્યાગ કરાય નહીં. પરંતુ ક્રમસર તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેથી હમણાં તે રસના માટે શું કરવું જોઈએ તે વિચક્ષણમાં વર્તતાં શુભકર્મો જ તેને માર્ગાનુસારી બુદ્ધિ આપે છે. શું માર્ગાનુસારી બુદ્ધિ આપે છે ? એથી કહે છે –
વિમર્શે વિવેકપર્વત ઉપર રહેલા મહામોહાદિને નાશ કરનારા જે મહાત્માઓ છે તેનું સ્વરૂપ તેને બતાવ્યું. તેઓની સાથે રહેવાથી દુષ્ટ એવી પણ આ રસના તને કંઈ કરશે નહીં. તેથી વિચક્ષણને શુભકર્મના ઉદયથી નિર્ણય થયો કે વિવેકપર્વત ઉપર રહેલા મહાત્મા સાથે રહીને તેઓની જેમ જ મોહના નાશના ઉચિત આચારો સેવવાથી દુષ્ટ એવી પણ આ રસના કંઈ કરશે નહીં. આથી જ ભગવાનના શાસનમાં વર્તનારા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ સ્વશક્તિ અનુસાર મોહના નાશ માટે યત્ન કરનારા હોવાથી ક્વચિત્ રસનેન્દ્રિયનું લાલન-પાલન કરતા હોય તો પણ તેના વાસ્તવિક સ્વરૂપને જાણનારા હોવાથી સતત લોલુપતાના પરિવાર માટે યત્ન કરીને મોહને ક્ષીણ કરવા માટે યત્ન કરે છે. તેથી તેઓની રસના પણ તેઓને અનર્થ કરી શકતી નથી; કેમ કે ઇન્દ્રિયોને દુષ્ટરૂપે જાણનારા જીવોને ક્વચિત્ ઇન્દ્રિયોના વિકારો થાય તોપણ વિવેકને કારણે હણાયેલી શક્તિવાળા હોવાથી તે વિકારો વૃદ્ધિ પામતા નથી.
વિચક્ષણને તેનાં શુભકર્મો કહે છે કે યત્નથી વિવેકપર્વત ઉપર આરૂઢ થઈને તું તારા અંતરંગ કુટુંબ સહિત રસનાના દોષથી મુકાયેલો જૈનપુરમાં જઈને વસ. આ રીતે શુભકર્મની પ્રેરણા મળ્યા પછી વિચક્ષણને થાય છે કે તે વિવેકપર્વત અતિ દૂર છે તેથી કુટુંબ સહિત ત્યાં જવા માટે હું કઈ રીતે પ્રયત્ન કરી શકું. આ પ્રકારનો વિચાર થવાથી વિચક્ષણનાં શુભકર્મો જ તેને કહે છે તારી પાસે ચિંતામણિના રત્ન જેવો અતુલ વિમર્શ છે તેથી ભય રાખવો જોઈએ નહીં, કેમ કે આ વિમર્શ પાસે તેવી અદ્ભુત શક્તિ છે કે અહીં જ તને તે મહાગિરિ બતાવી શકે તેમ છે.
તેથી એ ફલિત થાય કે વિચક્ષણ પુરુષ જ્યારે પોતાની વિમર્શશક્તિનો ઉપયોગ કરે ત્યારે તેનો માર્ગાનુસારી વિમર્શ જ તે વિવેકપર્વત વગેરે સર્વ તેને બુદ્ધિ સમક્ષ દેખાડે છે. આથી જ વિચક્ષણમાં વર્તતો