________________
૩૦૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તેમના સંતોષને નાશ કરવા માટે ઉલ્લસિત થયું જેથી અનિચ્છા તરફ જતો તેમનો ઉપયોગ સ્કૂલના પામ્યો અને મહામોહને વશ થઈને પુત્રની ચિંતાદિ અસંતોષના પરિણામથી તેઓ સાતમી નારકી જવાને અનુકૂળ પરિણામવાળા થયા. તેથી જીવના પ્રમાદને જોઈને મોહનું સૈન્ય ચારિત્રનો નાશ કરવા અર્થે પ્રવર્તે છે ત્યારે પ્રથમ હુમલો સંતોષ ઉપર જ કરે છે અને ફરી પ્રસન્નચંદ્ર રાજર્ષિ જાગૃત થયા તો સંતોષના બળથી મોહના સૈન્યનો નાશ કર્યો. તે સ્પર્શનાદિનો નાશ કરનાર સંતોષ છે તેમ માનીને મોહના સૈન્યને સંતોષ પ્રત્યે અધિક રોષ છે. અન્ય ચારિત્રના સૈન્ય પ્રત્યે રોષ હોવા છતાં તેવો રોષ નથી. તેથી મહામોહાદિ પોતાના નગરમાંથી નીકળીને પ્રમત્તતા નદી પાસે સંતોષને જીતવા માટે આવેલા છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો કોઈ શુભભાવમાં નથી, કેવલ અશુભભાવમાં છે તેઓની ચિત્તવૃત્તિમાં મહામોહાદિનું એક સામ્રાજ્ય વર્ત છે. તેથી તે જીવો મહામોહાદિના નગરોમાં વર્તે છે માટે ત્યાં સંતોષનો ઉદ્ભવ જ નથી, તેથી મહામોહાદિને જીવવાનો યત્ન કરવો આવશ્યક જ નથી પરંતુ કોઈક નિમિત્તને પામીને કોઈક જીવને કંઈક શુભભાવ થાય છે ત્યારે તે જીવો કંઈક મધ્યસ્થ પરિણતિવાળા થાય છે તે સંતોષનો જ અંશ છે. જેમ નંદીવર્ધનના જીવને હાથીના ભવમાં જે શુભભાવ થયો જેનાથી રાજ કુળમાં જન્મ વગેરે થાય તેવું શ્રેષ્ઠ પુણ્ય બંધાયું તે કંઈક અંશથી સંતોષનો જ પરિણામ હતો.
વળી તે નંદીવર્ધનનો જીવ રાજપુત્ર થાય છે ત્યારે તેનામાં પ્રમાદ ઉત્પન્ન થાય છે તેથી કનકશેખર આદિ અન્ય સ્વજનો ધર્મપરાયણ હોવા છતાં કોઈનું સાંભળે નહીં, હિંસાદિ કરવામાં તત્પર રહે તેવો પરિણામ મહામોદાદિ તે જીવમાં ઉત્પન્ન કરે છે. તેનાથી હાથીના ભાવમાં થયેલ માધ્યસ્થ પરિણતિરૂપ કંઈક સંતોષના સંસ્કારો હતા તેનો પરાજય થાય છે અને તે સંસારી જીવ ફરી ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિમાં જાય છે. વળી, કેટલાક જીવો તે રીતે શુભભાવ કરીને કનકશેખરની જેમ રાજપુત્ર થાય છે તે વખતે તે જીવમાં પણ ક્યારેક કામાદિની ઇચ્છા થાય છે ત્યારે તેનામાં સંતોષના પરિણામના નાશ અર્થે મહામોહાદિ ચિત્તવૃત્તિ અટવીમાં રહે છે છતાં ક્યારેક સંતોષના બળથી તે મહામોહાદિનો જય થાય છે તો ક્યારેક સંતોષનો જય થાય છે. આ રીતે જય-પરાજય ઘણા જીવોની ચિત્તવૃત્તિમાં દીર્ઘકાળ ચાલે છે. તેથી વિમર્શ કહે છે કે આ બંને સૈન્યનો રોષ પરસ્પર જીતવાની ઇચ્છાથી ઘણા કાળથી ચાલે છે. શું થશે તે હું જાણતો નથી. આથી જ સંસારી જીવોના ચિત્તમાં ક્યારેક કષાયોનો જય થાય છે અને ક્યારેક સંતોષનો જય થાય છે જેનાથી પુણ્ય બાંધીને તે જીવો સુગતિમાં આવે છે પરંતુ જ્યારે સંતોષ સર્વથા મોહનો જય કરાવે છે ત્યારે તે જીવ કર્મથી મુક્ત થાય છે.
વળી, સંતોષની પત્ની નિષ્કિપાસિતા છે જે સંતોષના સાથે અભિન્ન દેહવાળી છે. તે નિષ્કિપાસિતા જીવોનું મન શબ્દાદિ વિષયોમાં તૃષ્ણા વગરનું કરે છે. વળી, જીવમાં નિષ્કિપાસિતા જ્યારે વ્યક્ત રૂપે વર્તે છે ત્યારે જીવને લાભ-અલાભમાં, સુખ-દુઃખમાં, સુંદર આહાર કે અસુંદર આહારમાં સંતોષ વર્તે છે. આથી જ નિષ્કિપાસિતાને કારણે મુનિઓ સંસારવર્તી સર્વભાવોમાં મધ્યસ્થભાવને પ્રગટ કરીને અપ્રમાદથી સંતોષની જ વૃદ્ધિ કરે છે.