________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૧૬૫ પુનઃ પુનઃ ભાવન કરીને વિચારવું જોઈએ કે જરાથી આક્રાંત અનેક અનર્થોથી યુક્ત એવો આ સંસાર છે, માટે સંસારના ઉચ્છેદ માટે વિવેકી પુરુષે સદા ઉદ્યમ કરવો જોઈએ. એ પ્રકારે વિવેકી પુરુષો ભાવન કરે છે. (૨) રુજા નારી (રોગ) -
વળી, વિચક્ષણ પુરુષ પોતાના બુદ્ધિના પ્રકર્ષ દ્વારા રુજા નામની બીજી નારીને જુએ છે અને તેનું સ્વરૂપ નિપુણ પ્રજ્ઞાથી વિચારે છે ત્યારે દેખાય છે કે આઠ કર્મો છે તેમાંથી વેદનીય નામનું કર્મ છે. તેના અશાતા નામના ભેદથી રુજા=રોગ, જીવમાં પ્રગટે છે. વળી, આ રોગની પ્રાપ્તિમાં બહારીભૂત નિમિત્તો શાસ્ત્રમાં કહેવાયા છે તે પણ અશાતાવેદનીયકર્મના અત્યંત પ્રયોજક છે. વળી, રોગનું કાર્ય બુદ્ધિનો ભ્રંશ, ધૃતિનો ભ્રંશ, સ્મૃતિનો ભ્રંશ, રોગને ઉચિત એવા કાળની પ્રાપ્તિ, કર્મના ઉદયની પ્રાપ્તિ, અસભ્ય અર્થનું આગમન= શરીરને પ્રતિકૂળ એવા આહારાદિનું સેવન, કે માનસિક ચિંતા આદિ રુજા હેતુ કહેવાયા છે. વળી, દેહમાં વાત, પિત્ત, કફના જે સંક્ષોભનું કારણ છે તે પણ રોગનું પ્રયોજક છે; કેમ કે જીવમાં રાગ-દ્વેષના પરિણામો વાતાદિના સંક્ષોભથી રોગના પ્રયોજક છે. તોપણ પ્રધાનરૂપે અશાતાવેદનીયકર્મના ઉદયથી રોગ આવે છે અને તેને ઉદયમાં લાવવા માટે બાહ્ય સર્વ નિમિત્તો કારણ બને છે અને જીવોમાં વર્તતું જે સ્વાથ્ય છે તેને રોગ નામનો પરિણામ પોતાના વીર્યથી નાશ કરીને રોગવાળી અવસ્થા કરે છે. વળી જ્વર, અતિસાર આદિ ઘણા પરિવારથી પરિવરિત આ રજા છે. તેથી તે સર્વ રોગો જીવને તે તે પ્રકારની વિડંબના કરી કરીને દુઃખી કરે છે. અને સર્વ રોગોનો પરિવાર જ્યારે જીવમાં પ્રકર્ષથી વર્તે છે ત્યારે રોગને જીતવા માટે કોઈ સમર્થ થતું નથી. વળી, વેદનીય નામના કર્મના પેટાભેદરૂપ શાતાવેદનીયકર્મ છે, તેનાથી જીવમાં નીરોગતા વર્તે છે. તે નીરોગતા જીવના શરીરનાં વર્ણ, બલ, સૌંદર્ય, બુદ્ધિ, ધૃતિ, સ્મૃતિની પટુતા આદિથી યુક્ત લોકને કરે છે. નીરોગતાને કારણે લોકો સુખ આનંદમાં નિર્ભર દેખાય છે. તે નીરોગતાનો નાશ કરીને રજા લોકોને શરીરમાં અને ચિત્તમાં તીવ્ર પીડા ઉત્પન્ન કરે છે. આથી જ રોગથી ગ્રસ્ત જીવો ચિત્તથી વિહ્વળ રહે છે.
ફક્ત યોગીઓને જ પૂર્વ કર્મના ઉદયથી રોગ આવે તોપણ સમભાવના પરિણામને કારણે તેઓની ચિત્તની સ્વસ્થતાનો ભંગ રોગ કરી શકતો નથી. સામાન્યથી સર્વ જીવોને અનેક પ્રકારની કદર્થના કરનાર આ રજા છે. તેને વશ થયેલા જીવોની ચેષ્ટાનું વર્ણન થઈ શકે તેમ નથી. આથી જ રોગથી દુઃખિત થયેલા જીવો કરુણ ધ્વનિથી કુંજિત થતા હોય છે. વિકૃતસ્વરથી રડતા હોય છે. તીવ્ર પીડા થાય ત્યારે જોરથી બૂમો પાડીને રડે છે. વિહ્વળ થઈને બરાડા પાડે છે. વળી રોગથી અકળાયેલા મૂઢ એવા તેઓ આમ તેમ આળોટે છે. કંઈ વિચારતા નથી. હંમેશાં આર્તધ્યાનમાં વર્તે છે. સદા ઉદ્વિગ્ન, વિક્લવતાથી યુક્ત, રક્ષણથી રહિત, ભયથી ઉત્ક્રાંત બુદ્ધિવાળા, દીન જેવા દેખાય છે. આ ભવચક્રમાં પાપિષ્ઠ એવી રાજા વડે જીવની નીરોગતાનો નાશ કરાય છે અને જીવો રોગથી પરિપીડિત થાય છે. આ રીતે રોગનું પારમાર્થિક સ્વરૂપ ભાવન કરીને પણ ભવચક્રથી ચિત્તને વિરક્ત થવા યત્ન કરવો જોઈએ; કેમ કે આ ભવચક્રમાં અનંતી વખતે જીવે આવા રોગો વેઠ્યા છે અને જો ભવનો ઉચ્છેદ નહીં કરવામાં આવે તો ફરી ફરી આવા રોગથી આક્રાંત અનંતા ભવોની પ્રાપ્તિ થશે. માટે અપ્રમાદથી ભવના ઉચ્છદ માટે યત્ન કરવો જોઈએ.