________________
૨૩૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ઉત્તરમાં દેવના ભવમાં જાય છે.
વળી, આ સાત્ત્વિકમાનસ નગરમાં જ વિવેક નામનો પર્વત છે તેથી જે જીવો પ્રકૃતિથી સત્ત્વવાળા છે તેઓને ઉપદેશક આદિની પ્રાપ્તિ થાય કે કોઈક તેવા પ્રકારનું બાહ્ય નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે તેઓને વિવેક પ્રગટે છે. તેથી તે જીવો આ લોકમાં પણ ક્લેશ કેમ અલ્પ અલ્પતર થાય અને પરલોકમાં પણ અન્વેશને કારણે જ સુખની પરંપરા પોતાને પ્રાપ્ત થશે એવો નિર્ણય કરીને મનુષ્યભવમાં ઉચિત જીવવાની મનોવૃત્તિવાળા બને છે. અને વિવેક પ્રગટ્યા પછી જો તેઓ ઉત્તરોત્તર વિવેકની વૃદ્ધિ થાય તેવો યત્ન કરે તો વિવેકપર્વત ઉપર તેઓનું આરોહણ થાય છે અર્થાત્ તે જીવો પોતાની બુદ્ધિ અનુસાર સંસારનું વાસ્તવિક સ્વરૂપ વિચારવા તત્પર થાય છે, જેનાથી તેઓને ચારગતિના પરિભ્રમણરૂપ ભવચક્ર અસાર જણાય છે. જેથી વારંવાર તે પરિભ્રમણની વિડંબનાથી આત્માના રક્ષણના ઉપાયનું ચિંતવન કરે છે અને જ્યારે સુગુરુ આદિનો યોગ થાય ત્યારે જૈનનગરને તેઓ પ્રાપ્ત કરે છે અર્થાત્ જિનતુલ્ય થવા માટે ઉચિત પ્રવૃત્તિ શું કરવી જોઈએ તેનો બોધ થવાથી અરિહંતનું પારમાર્થિક સ્વરૂપ જાણીને આ જ દેવ ઉપાસનીય છે; કેમ કે અરિહંતની જ ભક્તિથી રાગાદિ ક્લેશો નાશ પામે છે તેવો તેમને નિર્ણય થાય છે. અરિહંતના માર્ગાનુસાર ચાલનારા સુગુરુઓ સદા અંતરંગ મોહનાશ થાય તે રીતે સર્વ ઉચિત ક્રિયાઓ કરનારા છે, આથી જ સમિતિગુપ્તિ શુદ્ધ ક્રિયાઓને સેવીને તેઓ સદા આત્માને સુગુપ્ત રાખે છે, તેવો બોધ થવાથી તેવા જ ગુરુઓની ઉપાસના કરે છે અને સર્વજ્ઞએ કહેલો માર્ગ કષ-છેદ-તાપ શુદ્ધ છે તેવો નિર્ણય કરીને સ્વભૂમિકાનુસાર તે માર્ગનું સેવન કરે છે. તેઓ જૈનનગરમાં વસનારા છે; કેમ કે જિનની ઉપાસના કરીને અને જિનના માર્ગને સેવીને જિનતુલ્ય થવામાં શક્તિ અનુસાર અપ્રમાદથી યત્ન કરે છે.
વળી તે જૈનપુરમાં વસીને વિવેક શિખર ઉપર આરૂઢ થયેલા તેઓ સતત સ્વભૂમિકાનુસાર કષાયોને ક્ષીણ કરીને પૂર્વપૂર્વ કરતાં અતિસુંદર થાય છે. વળી, જેઓ ભારેકર્મી જીવો છે તેઓને વિવેકપર્વત ઉપર રહેલું જૈનપુર દેખાતું નથી. આથી જ સ્કૂલ વ્યવહારથી જૈનમતની ક્રિયા કરનારા કે સાધ્વાચાર પાળનારા પણ જો વિવેક-યુક્ત થયેલા ન હોય તો જિનતુલ્ય થવાને અનુકૂળ અંતરંગ કોઈ પ્રવૃત્તિ કરતા નથી. માત્ર સ્વસ્વદર્શનના રાગવાળા જીવો સ્વસ્વદર્શનની ક્રિયામાં મૂઢમતિથી પ્રવર્તે છે તેમજ જિનમતની ક્રિયામાં પણ તેઓની મૂઢમતિ દૂર થતી નથી. આથી જ સાત્ત્વિકમાનસના જીવોને જ આ જેનપુર કોઈક રીતે પ્રાપ્ત થાય છે, અન્ય જીવોને ક્યારેય આ જૈનપુર પ્રાપ્ત થતું નથી. વળી સાત્ત્વિકમાનસમાં રહેનારા પણ જીવો જેઓ ભાવિના કલ્યાણને પામનારા છે, ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, સદા પ્રકૃતિથી સુંદર છે તેઓ જ આ મહાગિરિના સ્વરૂપને જાણે છે. જ્યાં સુધી જીવોમાં સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાનો વિવેક પ્રગટતો નથી ત્યાં સુધી જ સંસારી જીવો દારુણ દુઃખોથી આર્ત હોય છે અને જ્યારે તેઓને વિવેકપર્વત દેખાય છે ત્યારે તેઓને ચારગતિના પરિભ્રમણરૂપ ભવમાં મતિ રમતી નથી. આથી જ તેવા જીવો પોતાના ભૂતકાળના પુણ્ય અનુસાર કે પાપ અનુસાર જે પ્રકારના સર્વ સંયોગોને પામ્યા છે તે સંયોગમાં પણ વિવેકપૂર્વક સંસારના પરિભ્રમણના મૂળભૂત કષાયોનો ક્ષય કેમ થાય, ચિત્તમાં ક્લેશો કેમ અલ્પ થાય તેની જ પ્રધાનતા કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે જેથી તેવા જીવોના ચિત્તમાં પ્રાયઃ ક્લેશોના બંધુ અલ્પ અલ્પતર થાય છે.