________________
૨૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વળી, જેઓ વિવેકરૂપી પર્વત ઉપર આરૂઢ છે તેઓને માત્ર વર્તમાનભવની દુનિયા દેખાતી નથી પરંતુ ભૂતકાળના થયેલા અનંત ભવો દેખાય છે. ભવિષ્યના અનંત ભવોની પ્રાપ્તિ દેખાય છે અને તેના અનર્થથી બચવાનો ઉપાય જિનવચનાનુસાર કરાયેલું ઉત્તમચિત્ત જ છે તેવો સ્થિર નિર્ણય થાય છે, અને સતત ચારગતિના પરિભ્રમણની વિડંબનાનું સ્મરણ કરીને તે સર્વના બીજભૂત કષાયોના ઢંઢોને ક્ષીણ કરવા જ તેઓ યત્ન કરે છે. તેથી તેવા જીવોને અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ સંયોગોમાં પ્રાયઃ ચિત્ત સ્વસ્થ હોવાથી સુખ જ વર્તે છે અને ભાવિની સુખની પરંપરા પણ તેઓને સહજ પ્રાપ્ત થાય છે. વળી, જેઓ ભગવાનના વચનનું અવલંબન લઈને યત્ન કરનારા છે તેઓના ચિત્તમાં મહામોહાદિ શત્રુઓ ઉપદ્રવો કરવા માટે પ્રાયઃ આવતા નથી. ક્યારેક તેઓ પ્રમાદવશ હોય ત્યારે કોઈ મહામોહાદિ શત્રુનો ઉપદ્રવ થાય તોપણ તે જીવો વિવેકના બળથી જાગૃત થઈને તે શત્રુઓનો શીધ્ર વિનાશ કરે છે. જેમ પર્વત ઉપર રહેલ પુરુષને શત્ર મારવા ઉપર આવે ત્યારે પર્વત ઉપર રહેલ તે પુરુષ સુખપૂર્વક પથ્થર આદિ દ્વારા તેને ઉપર ચઢતાં પછાડે છે તેમ અપ્રમત્તશિખર ઉપર રહેનારા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ સતત તે મહામોહાદિ શત્રુઓના ચૂરા કરે છે. તેથી કાયર એવા કષાયો-નોકષાયો તેમનાથી હંમેશાં ડરતા દૂર રહે છે.
વળી, ઘણો સમય સંસારમાં ભટકતા જીવો સાત્ત્વિકપુરને પ્રાપ્ત કરે છે અને સાત્ત્વિકપુરને પામ્યા પછી પણ કોઈક રીતે વિવેકપર્વતને પ્રાપ્ત કર્યા વગર દેવાદિ ભવને પામે તોપણ પૂર્વના મલિન અભ્યાસને કારણે ફરી સાત્ત્વિકમાનસને છોડીને ક્લિષ્ટ માનસવાળા થાય છે અને ભવચક્રમાં પરિભ્રમણ કરે છે. વળી સાત્ત્વિકમાનસને પામ્યા પછી પણ ક્યારેક વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત થાય ત્યારે જ કોઈક જીવ વિવેકપર્વતને જુએ છે. જ્યારે મોટાભાગના જીવો સાત્ત્વિકમાનસને પામ્યા વગર સંસારમાં ભટકે છે અને સાત્ત્વિકમાનસ પામ્યા પછી પણ ફરી તુચ્છ માનસવાળા થઈને અનેક વખત ભવ-ચક્રમાં ફરે છે. આ રીતે સાત્ત્વિકમાનસ અને તુચ્છ માનસમાં ગમનાગમન કરીને ઘણો મલ અલ્પ થાય ત્યારે તે જીવને વિવેકપર્વત દેખાય છે. વળી વિવેકપર્વતને જોયા પછી પણ પ્રમાદી જીવો તેના ઉપર આરોહણ કરતા નથી. અર્થાત્ સ્વબુદ્ધિ અનુસાર ઉચિત તત્ત્વને જાણવા માટે યત્ન કરીને વિવેકની વૃદ્ધિ કરવા માટે યત્ન કરતા નથી. પરંતુ પ્રમાદવશ મનુષ્યભવને નિષ્ફળ કરીને ફરી ભવભ્રમણમાં ફરે છે. વળી કેટલાક સાત્ત્વિકમાનસને પામે છે. વિવેકપર્વતને જુએ છે, વિવેકની વૃદ્ધિ માટે પણ યત્ન કરે છે તોપણ અપ્રમત્તશિખરને જોવા સમર્થ થતા નથી. તેથી કઈ રીતે મનુષ્યભવમાં અપ્રમાદ કરીને મારે હિત સાધવું જોઈએ તેનું પોતાના સંયોગાનુસાર ઉચિત સમાલોચન કરતા નથી એવા જીવો વિવેકપર્વતને પામ્યા પછી પણ પ્રમાદને વશ મનુષ્યભવ પૂર્ણ કરીને ફરી સંસારચક્રમાં
ફરે છે.
વળી, કેટલાક જીવો વિવેકપર્વત ઉપર ચઢયા પછી કઈ રીતે અપ્રમાદભાવ કરવો જોઈએ તેનો બોધ કરે છે તોપણ પ્રમાદી સ્વભાવને કારણે સ્વભૂમિકાનુસાર ઉચિત યત્ન સ્વરૂપ અપ્રમાદને સેવતા નથી તેથી જિનતુલ્ય થવાના કારણભૂત જૈનનગરમાં તેઓ પ્રવેશ પામતા નથી. ફરી પ્રમાદવશ થઈને દુરંત સંસારમાં ભટકે છે. જ્યારે કેટલાક યોગ્ય જીવો અપ્રમત્તશિખરને જોયા પછી તેના ઉપર આરોહણ કરે છે ત્યારે તેઓને દેખાય છે કે જેનનગરમાં રહેલા મહાત્માઓ સદા સ્વ-ભૂમિકાનુસાર જે જે અનુષ્ઠાનો સેવે છે તે