________________
૨૫૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સદા પરમગુરુનો નિવાસ થાય છે. વળી, ચિત્તને સમાધાનવાળું કર્યા પછી મહાત્મા ચિત્તને નિઃસ્પૃહ કરવા યત્ન કરે છે, જેથી સમાધાન પામેલું ચિત્ત જ નિઃસ્પૃહતા નામની વેદિકાવાળું બને છે. જે સમાધાન પામેલા નિર્મળ ચિત્તનો વિશેષ ક્ષયોપશમભાવરૂપ નિઃસ્પૃહતાનો પરિણામ છે. વળી, જે જીવો વારંવાર નિઃસ્પૃહતાનું સ્વરૂપ ભાવન કરે છે તે જીવોને શબ્દાદિ ભોગો વિષ જેવા જણાય છે. તેથી તેનું ચિત્ત વિષયોમાં સંશ્લેષ પામતું નથી અને અસંશ્લેષવાળું ચિત્ત થવાથી સંશ્લેષને કારણે જે પૂર્વમાં કર્મનો સંચય થયેલો તે ક્ષીણ ક્ષીણતર થાય છે. વળી, જેમ જેમ તેઓનું ચિત્ત નિર્મળ થાય છે તેમ તેમ તેઓનું ચિત્ત ભવચક્રના પરિભ્રમણથી પરાક્ષુખ બને છે અને જેઓનું ચિત્ત નિઃસ્પૃહતાનું સ્થાન થાય છે તેવા ઉત્તમ પુરુષોને ઇન્દ્રોદેવેન્દ્રો કે રાજા-મહારાજા સાથે કોઈ પ્રયોજન નથી પરંતુ આત્માના સમભાવના પરિણામમાં જ તેઓ સ્થિર-સ્થિરતર થવા પ્રયત્ન કરે છે.
વળી આ નિઃસ્પૃહતાવાળું ચિત્ત થયા પછી તેવા જીવોના ચિત્તમાં પરમગુરુ સ્થાન પ્રાપ્ત કરવા સમર્થ બને છે. નિઃસ્પૃહતા વેદિકા ઉપર આસન મૂકીને પરમગુરુને સ્થાપન કરાય છે અર્થાત્ ચિત્તને નિઃસ્પૃહ કર્યા પછી મહાત્માઓ વારંવાર પરમગુરુ અને પરમગુરુના તુલ્ય થવાના ઉપાયભૂત એવા પરમગુરુનાં વચનોનું સ્મરણ કરે છે, જે પરમગુરુને ચિત્તમાં સ્થાપનતુલ્ય છે. જેથી તેઓનું જીવવીર્ય વિશિષ્ટ વિશિષ્ટતર નિર્મળ મતિજ્ઞાનને પ્રાપ્ત કરવાનું કારણ બને છે, કેમ કે પરમગુરુથી અને પરમગુરુના વચનથી રંજિત થયેલું જીવવીર્ય વિપુલ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કરીને સદા પરમગુરુ સાથે લીન થઈ શકે તેવી ઉત્તમ પરિણતિવાળું થાય છે.
વળી જેઓનું જીવવીર્ય સદા પરમગુરુના ગુણોમાં સ્કુરાયમાન થઈ રહ્યુ છે તેઓના માનસમાં સુખ જ વર્તે છે, દુઃખનો ઉદ્ભવ થતો નથી અને તેમના માનસમાં દીપ્ત અંગવાળા પરમગુરુ દેખાય છે. અર્થાત્ ક્ષાયિકભાવને પામેલા સર્વ કર્મથી રહિત, સદા સુખી કેવલી એવા તીર્થકરો તેમના ચિત્તમાં સદા દેખાય છે. જેમ કોઈ સાક્ષાત્ સમવસરણમાં બેઠેલા પરમગુરુને જોઈને પરમગુરુના ગુણોનું સ્મરણ કરી શકે તેમ સાક્ષાત્ સન્મુખ પરમગુરુ નહીં હોવા છતાં તેમના તે પ્રકારના ગુણોના સ્મરણપૂર્વક પોતાના જીવવીર્યના બળથી તે મહાત્માઓ ચાર મુખવાળા પરમગુરુને જોઈ શકે છે. વળી તે પરમગુરુ શુભ્રપરિવારવાળા છે. અર્થાત્ ઉત્તમ મુનિઓથી પરિવરેલા છે. તેઓનું જે અંતરંગ પોતાના આત્મા ઉપર પ્રભુત્વરૂપ સામ્રાજ્ય છે, તેઓની જે અષ્ટપ્રાતિહાર્યરૂપ વિભૂતિ છે, જે તેઓનું ક્ષાયિકગુણ સંપત્તિરૂપ મહાતેજ છે તે સર્વ સ્વરૂપે પોતાના ચિત્તમાં પરમગુરુને જોઈ શકે છે તેનું કારણ તે જીવનું જ તત્ત્વને સ્પર્શનારું તેવું વીર્ય છે.
વળી, સાત્ત્વિકપુર, સાત્ત્વિકપુરના લોકો, વિવેક નામનો પર્વત, અપ્રમત્તશિખર, જૈનનગર, જૈનનગરમાં વર્તતા લોકો, ચિત્તસમાધાનમંડપ, નિઃસ્પૃહતા નામની વેદિકા, પરમગુરુરૂપ રાજા, તેનું અંતરંગ ગુણસંપત્તિરૂપ સૈન્ય, જીવનું પોતાના આત્મા ઉપર સામ્રાજ્યરૂપ રાજ્ય, જે કંઈ સુંદર જગતમાં દેખાય છે તે સર્વનું કારણ આ જીવવાર્ય છેકેમ કે જીવવીર્યના બળથી જ જીવો પ્રથમ ભૂમિકામાં સાત્ત્વિકપુરને પામે છે. જીવવીર્યના બળથી જ વિવેકને પ્રાપ્ત કરે છે. જીવવીર્યના બળથી જ અપ્રમાદભાવને પ્રાપ્ત કરે છે. જીવવીર્યના બળથી જ જૈનપુરમાં પ્રવેશ પામે છે. અને જીવવીર્યના બળથી જૈનપુરમાં પ્રવેશ પામ્યા પછી જિન થવા મહાપરાક્રમ કરે છે અને જીવવીર્યના બળથી ચિત્તનું સમાધાન કરે છે. વળી, જીવવીર્યના બળથી જ નિઃસ્પૃહતા કેળવે છે.