________________
૨૬૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પૂર્વમાં જે સંવેગ હતો તે વિવેકપૂર્વકના તપથી પુષ્ટ થવાથી વિશિષ્ટ સંવેગ ઉત્પન્ન થાય છે. જેમ વિવેકી શ્રાવકને ભગવાન પ્રત્યે પૂજ્યભાવ હોય છે તે જ પૂજ્યભાવ ભગવાનની પૂજાથી અતિશયિત થાય છે તેમ સંવેગપૂર્વક કરાયેલો તપ વિશિષ્ટ સંવેગનું કારણ બને છે. વળી, વિવેકી સાધુમાં અને શ્રાવકોમાં જે સમભાવનો પરિણામ છે તે સમભાવનો પરિણામ જ તપ દ્વારા વિશિષ્ટ બને છે, તેથી પૂર્વ કરતાં વિશિષ્ટ પ્રકારના સમભાવનું કારણ બાહ્યતા અને અત્યંતરતપ છે. વળી, જીવોને બાહ્ય અનુકૂળ ભાવોથી શાતા થાય છે તે શાતાને વિન્ન કરનાર કષાયો છે અને મહાત્માઓ વિવેકપૂર્વક તપ કરીને કષાયોનું શમન કરે છે તેથી તેઓને પૂર્વમાં જે શાતા હતી તે જ શાતાના વ્યાઘાતક કષાયોના શમનને કારણે વિશિષ્ટ શાતાનું કારણ બને છે. વળી આ તપ ક્રમસર કષાયોનું ઉન્મેલન કરીને અવ્યાબાધ એવા મોક્ષસુખને લાવનારું છે. વળી ભગવાનના તારૂપી મુખને જોઈને અને તેની આરાધના કરીને મહાસત્ત્વશાળી જીવો સુખપૂર્વક નિવૃતિમાં જાય છે અર્થાત્ ભગવાન નિર્લેપ યોગી છે તેથી જ નિર્લેપતાના કારણભૂત તપનું નિરૂપણ કરે છે તેથી તપના નિરૂપણને જોઈને અને તે તપની આરાધના કરીને યોગ્ય જીવો સુખપૂર્વક કષાયોનો અધિક અધિક ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. (૪) ભાવધર્મ :
વળી, ચારિત્રધર્મનું ચોથું મુખ શુદ્ધભાવન છે. જેઓ ભક્તિથી તે મુખનું સ્મરણ કરે છે અને ભક્તિથી તે મુખનું નિરીક્ષણ કરે છે તેઓનાં સર્વ પાપો નાશ કરવા માટે આ મુખ સમર્થ છે. તેથી જે જીવો ભગવાને કહેલી અનિત્યાદિ બાર ભાવનાઓ તે રીતે સ્મરણ કરે છે.
i) અનિત્યભાવના : જગતના સર્વ પદાર્થો અનિત્ય છે તે પ્રકારની બુદ્ધિ સ્થિર થવાથી કોઈ પદાર્થના નાશમાં લેશ પણ શોક ન થાય તેવું ઉત્તમચિત્ત પ્રગટ થાય છે; કેમ કે નાશવંત પદાર્થ નાશ પામે તેમાં કોઈ આશ્ચર્ય નથી તેમ ભાવન થયેલું હોવાથી જગતની યથાર્થ સ્થિતિના અવલોકનની નિર્મળદૃષ્ટિ અનિત્યભાવનાથી તેઓ કરે છે.
(ii) અશરણભાવના : વળી જગતમાં સંસારી જીવો કર્મને પરવશ જન્મે છે તેથી વાસ્તવિક શરણ વગરના છે છતાં મૂઢમતિને કારણે જેઓને અશરણતા દેખાતી નથી તેઓ જ પરમગુરુ આદિના શરણે જતા નથી. અને જેઓ હૈયાને સ્પર્શે તે રીતે અશરણભાવના સ્થિર કરે છે તેઓને અશરણ એવી સંસારઅવસ્થામાં શરણભૂત અરિહંતાદિ જ દેખાય છે. તેથી તેઓનું ચિત્ત હંમેશાં અરિહંત, સિદ્ધ, સુસાધુ અને સર્વજ્ઞપ્રણીતધર્મ શરણરૂપે દેખાવાથી તેના સ્વરૂપથી જ સદા પોતાના ચિત્તને ભાવિત કરવા યત્ન કરે છે જેથી દુર્ગતિઓની પ્રાપ્તિરૂપ વિડંબનાઓથી સદા તેઓ સુરક્ષિત બને છે.
(iii) એકત્વભાવના : વળી, સંસારમાં પોતે એકલો જન્મે છે, એકલો મરે છે ઇત્યાદિ એકત્વભાવનાને જેઓ સ્થિર કરે છે તેઓના ચિત્તમાં નિઃસંગતા પ્રગટે છે; કેમ કે એકત્વભાવનાથી અભાવિત જીવોને સંગનો ભાવ થાય છે. અને જેમ જેમ યોગ્ય જીવો આત્માને એકત્વભાવનાથી ભાવિત કરે છે તેમ તેમ નિઃસંગતા થવાને કારણે સુખપૂર્વક મોક્ષમાર્ગની આરાધના કરવા સમર્થ બને છે.