________________
૧૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ આદિ સર્વ કારણો પ્રવર્તે છે એના નિવારણ માટે પ્રયત્ન કરતો પુરુષ પ્રયાસને છોડીને કોઈ ફળને પ્રાપ્ત કરતો નથી. તેથી એ ફલિત થાય કે દરેક જીવો દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે અને સંસારી જીવમાં તે તે ભવની પ્રાપ્તિ અને તે તે કર્મના ઉદયથી તે તે ભવમાં જરાદિની પ્રાપ્તિ જે ક્રમથી અનાદિ કાલથી નિયત છે તે ક્રમથી જ તે તે કાળમાં તે તે પર્યાયોરૂપે જ રાદિ આવિર્ભાવ પામે છે. તેથી સર્વ કારણો મિલિત થઈને જે કાર્ય થતું હોય તે જીવમાં તે તે કાળે પ્રતિનિયતરૂપે તે કાર્ય થવારૂપે જ સર્જાયેલું છે. આથી જે ક્રમબદ્ધ પર્યાયો જે જીવમાં જે જે કાળે આવિર્ભાવ માટે નિયત છે તે તે કાળે તે જ જીવ તે તે પ્રકારે કર્મ બાંધે છે, તે તે અધ્યવસાયો કરે છે અને તે તે ભાવોને પામીને જરાદિની કદર્થના તે તે ભવમાં પ્રાપ્ત કરે છે. તેથી તેના નિવારણ માટે કરાયેલો પ્રયત્ન પ્રયત્નમાત્ર રૂપે થાય છે, કોઈ અર્થની પ્રાપ્તિ થતી નથી. આ પ્રકારે નિશ્ચયનયની સૂક્ષ્મદ્રષ્ટિથી જીવમાં વર્તતા ક્રમબદ્ધ પર્યાયો જે ક્રમથી નિયત છે તે ક્રમથી તે તે કાળે સર્વ સામગ્રીને પામીને તે તે કાર્ય રૂપે પ્રગટ થાય છે. એનું પરિવર્તન જીવ કરવા અસમર્થ છે તેમ બતાવે છે.
અહીં પ્રકર્ષને પ્રશ્ન થાય કે પૂર્વમાં વિમર્શ જરાદિનાં અંતરંગ કારણો અને બહિરંગ કારણો પ્રવર્તક કહેલ. અને અહીં કર્મપરિણામ, કાલપરિણતિ આદિને પ્રવર્તક કહેલ તેથી તે બે કથનો કઈ અપેક્ષાએ છે ? એ પ્રકારની શંકામાં વિમર્શ કહે છે – પ્રધાન કારણ તરીકે જરાદિ પ્રત્યે અંતરંગ અને બહિરંગ કારણો હેતુ છે. પરમાર્થથી તો પૂર્વમાં કહેલ તેમ કર્મપરિણામ, કાલપરિણતિ આદિ સર્વ કારણોના સમુદાયથી કાર્ય માત્ર થાય છે. તેથી જે કાર્ય પ્રત્યે કર્મપરિણામાદિ જેટલાં કારણો છે તે સર્વ વિદ્યમાન છે. તે કાળમાં તે કાર્ય અવશ્ય થાય છે અને પુરુષ પ્રયત્ન દ્વારા તેનું નિવારણ કરવા સમર્થ નથી. તેથી પ્રકર્ષ કહે છે, જો પોતાના અથવા પોતાના વર્ગના કે પોતાની પાસે રહેલા કોઈને પણ જરાદિના ઉપદ્રવો હોય તો વૈદ્ય, ઔષધ, મંત્ર, તંત્ર આદિ ઉપાયોને સર્વથા કરવા જોઈએ નહીં. માત્ર નિષ્ક્રિય થઈને બેસી રહેવું જોઈએ. શું પુરુષનો પ્રયત્ન હેયના ત્યાગમાં અને ઉપાદેયના ગ્રહણમાં પ્રવર્તતો નથી ? અર્થાત્ સર્વત્ર પુરુષ પોતાને જે અનિષ્ટ છે તેના ત્યાગ માટે પ્રયત્ન કરે જ છે અને પોતાને જે ઇષ્ટ છે તેના ગ્રહણમાં પ્રયત્ન કરે જ છે. તેમ જરાદિ ભાવો જો જીવની વિડંબના સ્વરૂપ હોય તો તેમાં પણ જીવ પ્રયત્ન કેમ ન કરે ? આ પ્રકારની શંકામાં વિમર્શ કહે છે – એદંપર્ધાર્થનું પર્યાલોચન કર; કેમ કે સર્વ કારણના સમૂહથી કાર્ય થાય છે અને તે અપેક્ષાએ ક્રમબદ્ધ પર્યાયો જે જીવમાં જે ક્રમથી આવિર્ભાવ થવા માટે તેના સ્વભાવમાં નિયત છે તે દૃષ્ટિથી તેના પરિવર્તનનો કોઈ ઉપાય નથી તેમ મેં કહેલ છે. વળી, વ્યવહારથી તેના નિવારણના ઉપાયનું વારણ અમે કરતા નથી; કેમ કે પુરુષે સર્વત્ર પોતાના અપરાધનો મલ સદનુષ્ઠાનના નિર્મલ જલથી ધોવો જોઈએ. તેથી પોતાના આત્માએ અનંતકાળમાં જે જે પાપો સેવીને તે તે કર્મો બાંધ્યાં છે અને તે તે કર્મોના વિપાકથી તેવા તેવા ભવોની પ્રાપ્તિ થાય છે તે કર્મરૂપ મલના નાશને અનુકૂળ સદનુષ્ઠાનરૂપ નિર્મલ જલથી તે મલનો નાશ કરવો જોઈએ. આથી જ તીર્થકરો, ઋષિઓ, મહર્ષિઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને અનાદિ કાલથી સેવાયેલા અવીતરાગભાવથી જે કુસંસ્કારો અને જે કર્મરૂપી મલ આત્મા ઉપર લાગેલો છે તેના નાશ અર્થે જ કૃતનિશ્ચયવાળા થઈને પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં દૃઢ યત્નવાળા થાય છે. જેનાથી અવીતરાગભાવથી બંધાયેલા કર્મનો નાશ થાય છે અને વીતરાગભાવની પ્રાપ્તિ થાય છે.