________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૧૫ જાણીને સન્માર્ગને વિશેષ વિશેષ રૂપે જાણવા યત્ન કરે છે, તેઓને મિથ્યાદર્શન નામનો મહત્તમ બાધક થતો નથી. તેથી સમ્યજ્ઞાન અને જિનવચનમાં સ્થિર શ્રદ્ધાવાળા, ભવરૂપી કેદખાનામાં નિઃસ્પૃહ એવા તેઓ ત્રણ ગુપ્તિના પરિણામરૂપ ચારિત્રરૂપી વાહનમાં આરૂઢ થઈને મોક્ષમાં જાય છે.
વળી, વિમર્શ પ્રકર્ષને કહે છે કે જેઓ વિવેકપર્વત ઉપર આરૂઢ થયેલા નથી તેવા ભૂમિમાં રહેલા જીવો ક્યારેય તે માર્ગ જોનારા નથી. તેથી મોક્ષના અર્થી પણ તેઓ મોક્ષમાં જનારા થતા નથી. તેથી મોક્ષમાં જવાનો એક જ ઉપાય છે કે અત્યંત વિવેકદૃષ્ટિપૂર્વક તત્ત્વાતત્ત્વનો વિભાગ કરવો જોઈએ. આ જ તત્ત્વ છે, આ જ અતત્ત્વ છે એવી સ્થિર બુદ્ધિ કરવી જોઈએ અને અતજ્વરૂપ આસવને સતત ક્ષીણ કરવા યત્ન કરવો જોઈએ અને તત્ત્વરૂપ સંવરમાં જ યત્ન કરવો જોઈએ, જે સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું સ્થિરીકરણનું અને અતિશય કરવાનું પ્રબલ કારણ છે. આ રીતે મિથ્યાદર્શનનું સ્વરૂપ બતાવ્યા પછી વિચક્ષણની બુદ્ધિના પ્રકર્ષને જિજ્ઞાસા થાય છે કે સંતોષ અને વિવેકપર્વત ઉપર રહેલા મહાત્માઓ આપણાથી જોવાયા નથી. તેથી તેને જાણવાની જિજ્ઞાસાથી પ્રકર્ષ પ્રશ્ન કરે છે અને વિચક્ષણની વિમર્શશક્તિ તેનું અવલોકન કરીને યથાર્થ બોધ કરાવે છે. અને ત્યાં વિવેકપર્વત ઉપર રહેલા જેનનગરમાં તેઓને મહાત્માઓ દેખાયા. જેઓ પોતાના વીર્યથી મહામોહાદિ સર્વ શત્રુઓને દૂર ફેંક્યા છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના શાસનને પામેલા સુસાધુઓ સતત મહામોહાદિ સર્વ કષાયોનોકષાયોના સંસ્કારોને અને તેનાં આપાદક કર્મોને ઉમૂલન કરવા માટે પ્રયત્ન કરે છે, જેથી તેઓની ચિત્તવૃત્તિમાં તે મહામોહાદિ રાજાઓ ઉપયોગરૂપે ક્યારેય પ્રવર્તતા નથી પરંતુ સંસ્કારરૂપે મૃતપ્રાયઃ વર્તે છે અને મહાત્માના પ્રયત્નથી નષ્ટ-નષ્ટતર થઈ રહ્યા છે. વળી, તે સુસાધુઓ કેવા છે ? એથી કહે છે – તે મહાત્માઓના સર્વ જીવો બંધુઓ છે અને મહાત્માઓ પણ તેઓના બંધુઓ છે; કેમ કે મહાત્મા પોતાના બંધુની જેમ સદા છકાયનું પાલન કરે છે. તેથી તેઓ સાથે બંધુતુલ્ય પરિણામ છે. જે જીવના સમભાવના પરિણામ સ્વરૂપ જ છે; કેમ કે બધા જીવો પોતાના તુલ્ય છે એ પ્રકારે જેઓનું ચિત્ત ભાવિત છે તેથી તેઓ કોઈ જીવને પીડા ન થાય, કોઈના પ્રાણ નાશ ન થાય અને કોઈના કષાયમાં પોતે નિમિત્ત ન થાય તે રીતે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. વળી, જગતની સર્વ સ્ત્રીઓ તેઓને માતાતુલ્ય છે. તેથી કોઈને જોઈને લેશ પણ કામનો વિકાર થતો નથી; કેમ કે મહાત્માઓ આત્માની નિર્વિકારી અવસ્થાથી અત્યંત ભાવિત છે. જેથી કોઈ સ્ત્રી આદિના રૂપને જોઈને વિકારનો ઉદ્ભવ થતો નથી. વળી, બાહ્ય પરિગ્રહ અને પોતાના શરીર પ્રત્યે પણ જેઓનું ચિત્ત સંશ્લેષવાળું નથી. જેમ કમળ જલ અને કાદવના વચ્ચે રહેલું છે છતાં જલ અને કાદવને સ્પર્શતું નથી પરંતુ જલ અને કાદવથી પર રહે છે તેમ મહાત્મા પણ દેહ સાથે અને બાહ્ય જગતના પદાર્થો સાથે બાહ્યથી સંબંધવાળા છે, તોપણ ભાવથી કોઈ પદાર્થ સાથે સંશ્લેષ પામતા નથી; કેમ કે મારો અપરિગ્રહ સ્વભાવ છે એ પ્રકારે ભાવન કરીને આત્માને અપરિગ્રહ ભાવથી અત્યંત ભાવિત કર્યો છે.
વળી મહાત્માઓ વચનગુપ્તિવાળા હોવાથી સંયમના પ્રયોજન સિવાય ક્યારેય બોલતા નથી. તેથી જીવોના હિતને કરનારું, અમૃત ઝરતી વાણીવાળું, આ ઉચિત છે કે નહીં તેનો નિર્ણય કરીને કાર્ય હોતે છતે પરિમિત અક્ષરમાં સત્ય વચન બોલે છે. જેથી વચનકૃત પણ ચિત્તમાં ક્યાંય સંશ્લેષ થતો નથી. પરંતુ