________________
૨૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ અસંગભાવના સંશ્લેષથી નિયંત્રિત મહાત્માઓ બોલવાનો યત્ન કરે છે. વળી, દેહ પ્રત્યે પણ સંગનો પરિણામ ન થાય તે અર્થે અસંગ યોગની સિદ્ધિ માટે લોલુપતાથી રહિત, સર્વ દોષોથી રહિત આહારને ગ્રહણ કરે છે. વધારે શું ? ભગવાનના શાસનમાં રહેલા સાધુઓ જે જે ચેષ્ટા કરે છે, તે સર્વ મહામોહાદિ સર્વ અંતરંગ શત્રુઓના નાશને કરનારી હોય છે. તેથી તે મહાત્માઓની ચિત્તરૂપી અટવી કેવી થઈ છે તે બતાવતાં કહે છે –
તે મહાત્માઓના ચિત્તમાં શત્રુના નાશમાં લેશ પણ પ્રમાદ નહીં હોવાથી પ્રમત્તતાના પ્રવાહરૂપ નદી અત્યંત શુષ્ક થયેલી છે. વળી પ્રમાદથી વિલસિત એવું પુલિન અત્યંત વિશ્લીભૂત થયું છે. અર્થાત્ ત્યાં કષાયો-નોકષાયોની કોઈ જાતની પ્રવૃત્તિ દેખાતી નથી. પરંતુ નદીની પાસે રેતાળ જમીન તદ્દન મનુષ્યના સંચાર વગરની ઉજ્જડ દેખાય તેથી તેઓની પ્રમત્તતા નદી પાસે રહેલ રેતાળ જમીન મોહના સંચાર વગરની હોવાથી ઉજ્જડ દેખાય છે.
વળી, મહાત્માઓના ચિત્તમાં બાહ્ય પદાર્થોના નિમિત્તથી વિક્ષેપો નષ્ટ થયા છે. માત્ર જિનવચનાનુસાર ચિત્તનો પ્રવાહ ચાલે છે તેથી ચિત્તવિક્ષેપ મંડપ પરિભગ્ન થયો છે. વળી, મહાત્માઓએ બાહ્ય પદાર્થોની તૃષ્ણાને અત્યંત દૂર કરી છે. માત્ર વીતરાગ થવાની એક ઇચ્છાથી તેઓની સર્વ પ્રવૃત્તિઓ વર્તે છે તેથી તૃષ્ણાવેદિકા દૂર ફેંકાય છે. વળી, મહાત્માઓ સંસારનું, મોક્ષનું અને મોક્ષના ઉપાયનું યથાર્થ સ્વરૂપ જોનારા હોવાથી અને વારંવાર સૂક્ષ્મ સૂક્ષ્મતર જોવા માટે યત્ન કરનારા હોવાથી વિપર્યાસ નામનું સિંહાસન દૂર ફેંકાયું. વળી, વિપર્યાસ સિંહાસન ઉપર જે મહામોહ બેઠેલો તેનું અવિદ્યારૂપ શરીર હતું, તેના શરીરને મહાત્માઓએ સર્વજ્ઞના વચનાનુસાર સૂક્ષ્મ સૂક્ષ્મ વિદ્યાને પ્રાપ્ત કરીને ચૂર્ણ નાખેલ છે. તેથી તેઓના ચિત્તમાં મહામોહ હજી મૃત્યુ પામ્યો નથી તોપણ અત્યંત પ્રલીન થયેલો છે અને સતત તેના નાશ માટે જ મહાત્માઓ યત્ન કરે છે. જ્યાં સુધી વીતરાગતાની પ્રાપ્તિ થઈ નથી. ત્યાં સુધી મૃતપ્રાય અવસ્થામાં પણ કંઈક મહામોહ જીવે છે તોપણ વ્યક્તરૂપે તેઓના ચિત્તમાં પ્રગટ થતો નથી.
વળી, મહામિથ્યાદર્શનરૂપી પિશાચને મહાત્માઓએ ઉચ્ચાટન કરેલ છે અર્થાત્ નિર્મળ મતિથી જિનવચનના પરમાર્થને તે રીતે નિર્ણય કરેલ છે કે જેથી હાથમાં રહેલા આમળાની જેમ સંસારનું સ્વરૂપ, સંસારની નિષ્પત્તિનું કારણ, મોક્ષનું સ્વરૂપ અને મોક્ષની પ્રાપ્તિનું કારણ તેઓને સ્પષ્ટ દેખાય છે, જેથી વિપરીત દર્શન તેઓને ક્યારેય થઈ શકે તેમ નથી. વળી, સંસારથી અત્યંત ભય પામેલા અને મોક્ષના અત્યંત અર્થી એવા તે મહાત્માઓના રાગ-દ્વેષ અત્યંત નષ્ટ થયા છે. વેદનો ઉદય વર્તી રહ્યો છે તો પણ તે રીતે કામને નષ્ટ ર્યો છે કે જેથી કોઈ નિમિત્તને પામીને પણ કામનો ઉદ્ભવ થતો જ નથી. પાંચેય ઇન્દ્રિયોના વિષયોની અસારતા તે રીતે પરિભાવન કરી છે કે જેથી આહારાદિ વાપરે છે, ઇન્દ્રિયોને સન્મુખ વિષયો ઉપસ્થિત થાય છે તો પણ તેના વિષયમાં કુતૂહલતા થાય તેવો અભિલાષ જ ઉસ્થિત થતો નથી.
વળી, મહામૂઢતા આદિ મોહાદિની પત્નીને પણ તે મહાત્માએ દૂર કાઢેલ છે. જેથી તેઓના ચિત્તમાં ક્યારેય મહામૂઢતા, મૂઢતા કે અવિવેકતા આદિ ભાવો પ્રાપ્ત થતા નથી. પરંતુ સતત વિવેકની વૃદ્ધિ થાય તે રીતે તે મહાત્માઓ યત્ન કરે છે. વળી, હાસ્ય, જુગુપ્સા, ભય, શોક વગેરે ભાવોને તે રીતે તત્ત્વના