________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૧૭ ભાવનથી દૂર કર્યા છે કે જેથી કોઈ નિમિત્તને પામીને હાસ્યાદિ ભાવોને અભિમુખ પણ તેઓનું ચિત્ત થતું. નથી. વળી, આત્માના પારમાર્થિક સ્વરૂપને છોડીને બાહ્ય નિમિત્તોને અનુરૂપ પરિણામ કરવા સ્વરૂપ દુષ્ટઅભિસંધિ રૂપ ચોટાઓને તે મહાત્માઓએ તે રીતે દૂર કર્યા છે કે જેથી તેઓના ચિત્તમાં માત્ર આત્મકલ્યાણને અનુરૂપ જ અભિસંધિ આદિ ભાવો વર્તે છે. વળી સોળ કષાયો રૂપ બાળકોને પણ તે રીતે ક્ષીણ કર્યા છે કે જેથી તેઓની ચિત્તવૃત્તિમાં તેઓ ક્યારેય વિકલ્પ રૂપે પણ ઉદ્ભવ પામતા નથી. પરંતુ જે કષાયો વર્તે છે તે કેવલ સ્વઉચ્છેદમાં જ યત્ન કરાવે તે રીતે પ્રશસ્તભાવમાં વર્તે છે. વળી, જ્ઞાનનું આવરણ, દર્શનનું આવરણ અને અંતરાયકર્મ જે જીવની દુષ્ટ પરિણતિઓ છે, તેઓને તે મહાત્માઓએ તે રીતે ક્ષીણ શક્તિવાળી કરેલી છે કે જેથી વિદ્યમાન હોવા છતાં પણ તે ત્રણેય પરિણતિઓ સતત ક્ષીણ ક્ષીણતર થાય છે. જેથી નિર્મળજ્ઞાન અને નિર્મળ સત્ત્વ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે.
વળી, ચાર અઘાતીક પણ તેઓને અનુકૂળ વર્તી રહ્યાં છે; કેમ કે જે મહાત્માઓ કષાયોને અને નોકષાયોને સતત ક્ષીણ કરે છે તેઓના શુભઅધ્યવસાયથી અઘાતી કર્મોની પાપપ્રકૃતિઓ પણ ક્ષીણ થાય છે અને પુણ્યપ્રકૃતિઓ પ્રાયઃ અતિશય થાય છે, તેથી તે મહાત્માઓનાં વેદનીય આદિ કર્મો પણ પ્રાયઃ શુભ વિપાકવાળાં વર્તે છે. વળી, ક્વચિત્ કોઈક મહાત્મા દ્વારા પૂર્વભવમાં વિશિષ્ટ અશાતાવેદનીય આદિ કર્મ બાંધેલું હોય, તેથી વર્તમાનના શુભભાવથી પણ તે ક્ષીણ ન થઈ શકે તો તેઓને વેદનીય આદિ અઘાતી કર્મો અશુભ પણ વિપાકમાં આવે છે છતાં તેઓનાં તે અશુભકર્મો પણ કષાયની ઉત્પત્તિનાં કારણ બનતાં નથી, પરંતુ સમભાવની વૃદ્ધિનાં જ કારણ બને છે, તેથી તેઓને પણ તે અઘાતીક અનુકૂલ જ વર્તે છે. સામાન્યથી ઘાતકર્મોના ઉદયમાં અઘાતી પ્રકૃતિઓ પણ ઘાતકર્મોનું કાર્ય કરે છે. આથી જ સંસારી જીવોને શાતાનો ઉદય રાગની વૃદ્ધિ કરીને પ્રતિકૂળ વર્તે છે. અશાતાનો ઉદય દ્વેષ કરીને પ્રતિકૂળ વર્તે છે. નામકર્માદિની શુભપ્રકૃતિઓ મદ કરાવે છે, તેથી કષાયોનો જ ઉદ્ભવ કરીને જીવને પ્રતિકૂળ વર્તે છે. અને નામકર્મ આદિની અશુભપ્રકૃતિઓ વિપાકમાં આવે છે ત્યારે જીવ દીન બને છે અને શાતાવેદનીયનો ઉદય થાય છે ત્યારે પણ સંસારી જીવો રાગાદિની વૃદ્ધિ કરીને ચિત્તને મલિન કરે છે અને અશાતાનો ઉદય થાય છે ત્યારે પણ સંસારી જીવો દીન બને છે જેથી ક્લિષ્ટ કર્મો બાંધે છે. જ્યારે મહાત્માઓને અઘાતકર્મો પણ પુણ્યપ્રકૃતિ રૂપે વર્તતાં હોય ત્યારે પણ મદ થતો નથી. પરંતુ તેના બળથી જ તત્ત્વનું ભાવન કરીને સ્વ-પરનું કલ્યાણ કરે છે અને ક્વચિત્ અઘાતી પ્રકૃતિઓ પાપરૂપે વિપાકમાં આવતી હોય તોપણ અદીનભાવથી તેને વેઠીને ચિત્તની શુદ્ધિ જ મહાત્માઓ કરે છે. તેથી વેદનીય આદિ અઘાતી કર્મો પણ મુનિઓને અનુકૂલ જ વર્તે છે તેમ કહેલ છે.
વળી, મહાત્માઓ સર્વજ્ઞના વચનાનુસાર અપ્રમાદથી પ્રવૃત્તિ કરીને મોહનું ચતુરંગ પણ સકલ સૈન્ય નષ્ટપ્રાયઃ કરે છે. મોહના ચાળાઓ મહાત્માઓના શાંત થયા છે. ઇન્દ્રિયોના વિલાસો દૂર થયા છે. ચિત્તમાં સમસ્ત વિકારો તિરોધાન થયેલા છે. વધારે શું કહેવું? વિમર્શ પૂર્વમાં કહેલું કે સંસારી જીવોને દુઃખને દેનારું જે કંઈ પણ ચિત્તરૂપી અટવીમાં છે તે સર્વ વિવેકપર્વત ઉપર રહેલા અપ્રમત્ત મુનિઓને ચિત્તમાં અત્યંત પ્રલીન છે અર્થાત્ વ્યક્તરૂપે તે કોઈ ભાવો થતા નથી. તેથી તેઓની ચિત્તવૃત્તિ સર્વ ઉપદ્રવોથી મુક્ત છે.