________________
૧૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પ્રત્યે તે તે પ્રકારનો આહાર, સંયોગાદિ પણ કારણ છે. તોપણ જરા પ્રત્યે મુખ્ય પ્રયોજક કાલપરિણતિ છે. વળી, જરાનું વીર્ય જીવોના શરીરનું લાવણ્ય, બળ આદિનું હરણ કરે છે. આથી જ યુવાન અવસ્થામાં અત્યંત લાવણ્યવાળા અને મહાપરાક્રમવાળા જીવો પણ વૃદ્ધાવસ્થામાં તેનું શરીર લાવણ્ય વગરનું અને બળ વગરનું થાય છે. વળી જેઓને જરાનો ગાઢ આશ્લેષ થાય છે તેઓને જીવનના અંતકાળમાં માનસિક અસ્થિરતા આદિ ભાવો પણ થાય છે. આથી જ વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારની વિચિત્ર પ્રકૃતિઓ જીવમાં પ્રગટે છે. વળી, વૃદ્ધાવસ્થામાં દેહ પર કરચલીઓ પડે છે, માથાના વાળ ધોળા થઈ જાય છે, અંગની કુવર્ણતા થાય છે. શરીરમાં કંપ, શરીર કર્કશ, થાય છે. વળી વૃદ્ધાવસ્થામાં જીવોને શોક, મોહ, શૈથિલ્ય, દીનતા આદિ ભાવો થાય છે. આથી જ જીવનમાં વૃદ્ધાવસ્થામાં ઘણા જીવો હંમેશાં પ્રતિકૂળ સંયોગોથી શોકવાળા રહે છે. સ્વજનાદિ પ્રત્યે તે પ્રકારનો મોહનો પરિણામ થાય છે. દેહ શિથિલ થાય છે. તેથી દીનતા આવે છે. વળી સ્વજનાદિ આવકાર ન આપે તો દીનતા થાય છે. વળી વૃદ્ધાવસ્થામાં ગતિભંગ, અંધાપો, બહેરાપણું, દાંત ધ્રુજવા આદિ ઘણા દેહના પરિણામો થાય છે તે જરાનો જ પરિવાર છે. અને તેમાં પ્રઢ વાયુ ફૂંકે છે; કેમ કે વૃદ્ધાવસ્થામાં પ્રાયઃ જીવોને તેવો વાયુનો પ્રકોપ રહે છે જેથી સદા તેનાથી તેઓ પીડાય છે, તે જરાનો જ પરિવાર છે. આ જરા અનેક પ્રકારની શરીરની વિષમતાના પરિણામથી યુક્ત અને શોકાદિના પરિણામથી યુક્ત જગતના જીવોમાં સદા વર્તે છે, જેથી જગતમાં ક્ષણ પહેલાં સુખી દેખાતા પણ જરાને પામીને દુઃખી દુઃખી થતા દેખાય છે.
વળી, આ જરાની પ્રાપ્તિ પૂર્વે જીવમાં કાલપરિણતિનો જ અનુચર એવો યૌવન નામનો પુરુષ વર્તે છે અર્થાત્ જીવ જન્મે છે ત્યારે કાલક્રમથી યૌવનાવસ્થામાં આવે છે, તેમાં કાલપરિણતિ મુખ્ય છે અને યૌવન આપાદક કર્મો તદ્ સહવર્તી છે. તેનાથી જીવમાં યૌવન આવે છે ત્યારે તે જીવ પોતાની ભૂમિકાનુસાર મહાવીર્યવાળો થાય છે, સર્વ પ્રકારના પ્રયત્નો કરવામાં ઉત્સાહિત થાય છે. તે યૌવન કાલપરિણતિના આદેશથી જ સંસારી જીવના શરીરમાં પ્રવેશીને બળ, તેજસ્વિતા, સુંદર આકારાદિ કરે છે. વળી, યૌવન અનેક અંતરંગ પરિણામોથી યુક્ત છે, તેથી યૌવનમાં જીવો વિલાસ, હાસ્ય, ચાળાઓ, વિપર્યાસવાળાં પરાક્રમો કરે છે. કૂદાકૂદ કરે છે. ધાવન વલ્સન કરે છે. વળી, યૌવનકાળમાં ગર્વ, શૂરવીરપણું, નપુંસકપણું કામને વશ થઈને ચેનચાળાપણું, સાહસાદિ ભાવોથી ઉદ્ધતપણું થાય છે તે સર્વ યૌવનના સહવર્તી થનારા જીવના ભાવો છે. અને તેના કારણે જ સંસારી જીવો યૌવનકાળમાં ભોગ, વિલાસના કારણે પોતે સુખી છે એમ માને છે. આમ છતાં ક્ષણમાં તેના સર્વ પરિવાર સહિત યૌવનનો નાશ જરા કરે છે તેથી જરાથી વિહ્વળ થયેલા તેઓ દીન, અનેક દુઃખોથી ઘેરાયેલા દેખાય છે. વળી, જરાકાળમાં પ્રાયઃ જીવો પત્નીથી, પરિવારથી અવગણના પામેલા, પોતાના પુત્રોથી પણ તિરસ્કાર કરાતા અને પુત્રવધૂ આદિ તરુણ સ્ત્રીઓથી અનાદર કરાતા દેખાય છે. પૂર્વમાં કરેલા ભોગોનું સ્મરણ કરતા, વારંવાર ખેદના ઉદ્ગારો કાઢતા, શ્લેષ્માદિથી દુઃખિત થયેલા, જીર્ણ શરીરમાં આળોટતા, પરપદાર્થોના વિચારોમાં તત્પર, પદે પદે ક્રોધ કરતા, જરાથી આક્રાંત થયેલા કેવલ દિવસ-રાત ઊંઘતા જ પડ્યા રહે છે. આ સર્વ જરાકૃત અનર્થો સંસારમાં સ્પષ્ટ દેખાય છે તેનું