________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૧૩૧
બીજાઓની સમૃદ્ધિ જોઈને તેવી અધિક સમૃદ્ધિ મેળવવાનો લોભ થાય છે. વળી, કેટલાક દેવોમાં તત્ત્વને જોવામાં મૂઢતારૂપ મોહ વર્તે છે. કેટલાક દેવોમાં પોતાની સમૃદ્ધિનો મદ વર્તે છે. કેટલાકને તત્ત્વના વિષયમાં ભ્રમ વર્તે છે, તે સર્વ દેવો અનેક સમૃદ્ધિ વચ્ચે પણ પોતાના કાષાયિક ભાવોથી દુઃખી થાય છે. તેથી વિબુધાલયમાં પરમાર્થથી સુખ નથી. ફક્ત જે જીવો મનુષ્યલોકમાં વિરતિના પાલનના ફલ સ્વરૂપે દેવલોક પામ્યા છે તેઓનું ચિત્ત ભગવાનના વચનથી ભાવિત છે, અને પોતાના પુણ્યથી મળેલા ભોગમાં સંતુષ્ટ છે તેઓ જ દેવલોકમાં પણ સુખપૂર્વક જીવે છે.
(૩) પશુસંસ્થાન=તિર્યંચગતિ
વળી, ભવચક્રમાં ત્રીજું નગર પશુસંસ્થાન છે જેની અંદર એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો છે જેઓ ભૂખ, અતિ, સંતાપ, પિપાસા, વેદનાથી આતુર, દાહ, શોક, ભય, ઉદ્વેગ, બંધ, તાડનથી પીડિત વગેરે અનેક પ્રકારનાં દુ:ખો વેઠે છે. બહુલતાએ મહામોહથી દીન, શરણ રહિત, ધર્માધર્મના વિવેક વગરના છે. ક્લિષ્ટ પાપો કરીને દુર્ગતિઓની પરંપરામાં જનારા છે અને તિર્યંચાવાસ બહુલતાએ અશાતાવેદનીય કર્મના ઉદયથી સંચાલિત છે છતાં પણ કેટલાક પશુઓ કંઈક પુણ્યના ઉદયથી સુખને પણ અનુભવનારા છે. વળી અત્યંત વિવેક વગરના પશુઓ છે આથી જ તેઓને પશુ કહેવાય છે, તોપણ કેટલાક જાતિસ્મરણ આદિથી કે તીર્થંકરની દેશનાથી કે કોઈક મહાપુરુષના સંબંધથી ધર્મને પામે છે. તેથી ઘણા ક્લેશ વચ્ચે પણ તેઓ તત્ત્વની બુદ્ધિથી આત્માને ભાવિત કરીને સદ્ગતિઓને પ્રાપ્ત કરે છે, તોપણ બહુલતાએ પશુસંસ્થાનમાં રહેલા જીવો અનેક પ્રકારનાં દુ:ખોને ભોગવે છે.
:
(૪) પાપીપંજર=નારકગતિ :
વળી, ચોથું નગર પાપીપંજર છે જેની અંદર પાપ કરીને પાંજરામાં પુરાયેલા કેદીની જેમ નરકાવાસમાં પુરાયેલા અસંખ્યાતા જીવો છે જેઓને ક્ષેત્રકૃત મહાપીડા છે. પરસ્પર ક્ષુદ્ર પ્રકૃતિને કારણે મહાપીડા છે. તીવ્ર રોગોથી આક્રાંત શરીર હોવાથી મહાપીડા છે. ક્ષુધા, તૃષાની પરા-કાષ્ઠા છે અને ભોજન-પાણીનો સર્વથા અભાવ છે. વેદનાના આવેગથી વિલ્વલ છે તેથી અતિ દુઃખિત છે. વળી, પરમાધામી તેઓની અનેક કદર્થનાઓ કરે છે; કેમ કે તે જીવોના પાપથી પ્રેરાયેલા પરમાધામીને પણ તે તે પ્રકારે જ તે તે જીવોને પીડા કરવાનો પરિણામ થાય છે તેથી કેવલ દુઃખની પરાકાષ્ઠાનું વેદન કરનારા અત્યંત દુ:ખી જીવો તે પાપીપંજ૨માં છે જેઓ કલ્પનાતીત દીર્ઘ આયુષ્યવાળા, દુઃખી-દુઃખી, દીન, અશરણ જેવા છે. તેથી તેવા ક્ષુદ્ર જીવોમાં બહુલતાએ મોહનીયની પણ સર્વ પ્રકારની ક્લિષ્ટ પ્રકૃતિઓ વર્તે છે તોપણ કોઈક રીતે સમ્યક્ત્વને પામેલા જીવોને કંઈક અંશે કષાયોનો તાપ અલ્પ થાય છે. અન્ય પીડા તો પૂર્વભવના પાપના ફળ સ્વરૂપે તેઓ અવશ્ય ભોગવે છે અને આ નગરમાં અશાતાવેદનીયકર્મનું મુખ્ય સંચાલન છે. તેથી અશાતા કરાવનાર કર્મથી જ તેઓ સર્વ પ્રકારની વિડંબનાને પામે છે. આ પ્રકારે સંક્ષેપથી ભવચક્રનું અને ચાર ગતિની વિડંબનાનું સ્વરૂપ અવલોકન કરીને વિચક્ષણ પુરુષો હંમેશાં ભવના ભ્રમણ પ્રત્યે દ્વેષવાળા થાય છે. તેથી ભવથી વિરક્ત થયેલા તે મહાત્માઓ સુખપૂર્વક મોક્ષમાર્ગમાં જવા સમર્થ બને છે.