________________
તા. ૨૯-૧૧-૫૬ ૪
આજે પ્યારઅલીભાઈ આવ્યા હતા. તેઓ રોજકા ગામે સઘન ક્ષેત્રનું કામ કરે છે. ખાદીકામની સાથે સાથે ગામના ન્યાય, અન્યાયના પ્રશ્નો પણ આવે છે. તે લેવાના કારણે ખાદીકામ વગેરે ઓછું થાય છે અને ખાતું તો આંકડા માગે એટલે તેમને અસંતોષ રહે છે. હરિવલ્લભભાઈને પણ સંતોષ આપી શકતા નથી. તો એ બાબત મહારાજશ્રીની સલાહ લેવા આવ્યા હતા. પોતે રાજીનામું આપી, બીજા કામમાં જવા ઇચ્છે છે. તેમને ખ્યાલ આપ્યો છે. બપોરના જ તેઓ ગયા. તા. ૩૦-૧૧-૫૬ :
આજે હું જયંતીભાઈના ખેતરોમાં તેમની સાથે ફરી આવ્યો. ખેતી સારી છે. તેમની સાથે ચૂંટણી અંગે અને સંસ્થા સાથે જે થોડો ઘણો મતભેદ છે, તે અંગે વાતો કરી. આજથી સાંજની પ્રાર્થના આઠ ને બદલે ૭-૩૦એ રાખી. જયંતીભાઈ આવી ગયા હતા. તા. ૨-૧૨-૫૬ :
આજે ધોળકાથી ચંપકભાઈ, એમનાં પત્ની અને બાળકો મહારાજશ્રીના દર્શને આવી ગયા. કેટલીક વાતો થઈ. ખાસ કરીને સારંગપુર પ્રકરણમાં તેમણે સારો રસ લીધો હતો. રાત્રે ભાઈદેવ અને ભાવદેવની ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. એ વિશે પ્રસંગ કહ્યો હતો. તા. ૩-૧૨-૫૬ :
આજે મૌનવાર છે. અનુબંધ વિશેનાં બે પ્રવચનો મુનિશ્રીને મોકલી આપ્યાં. આજે દાનુભાઈ આકરુવાળા સાંજના આવ્યા. આકરુમાં પરષોત્તમ પટેલ અને જિનના ભારૂભા વચ્ચે જમીનનો ઝઘડો છે. તેમાં બંને પક્ષે દાનુભાઈને લવાદ નીમ્યા છે. તેઓ મહારાજશ્રીની સલાહ લેવા આવ્યા. મહારાજશ્રીએ કહ્યું કે, આ પ્રશ્ન ગૂંચવાયેલો છે. દાદાગીરીને મચક ન મળવી જોઈએ. વળી પાટીદાર રજપૂત એવો વર્ગભેદ ઊભો ન થાય તે માટે વ્યક્તિ કરતાં સંસ્થા તરફથી લવાદો નીમાય અને તે માટે બંને પક્ષો સ્વીકાર કરે તેઓ પ્રયત્ન કરવો જોઈએ, દાનુભાઈને પણ આ વાત ઠીક લાગી.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું