________________
રાત્રે ભંગીભાઈઓ મહારાજશ્રી પાસે આવ્યા. તેમને દરેકે અલગઅલગ ખેતી કરી છે. જયારે ગયે વર્ષે મહારાજશ્રી આવ્યા ત્યારે સંયુક્ત ખેતી કરવાનું નક્કી કર્યું હતું. જો સંયુક્ત ખેતી કરે તો જ કાર્યકરો રસ લઈ શકે અને દેવું ઓછું કરી શકાય. પણ આ લોકોએ મનસ્વી રીતે ચાર જોડી બળદ વસાવ્યા. બે જોડી વસાવ્યા હોત તો ખર્ચ ઓછો થાત અને બચત વધારે થાય. વળી બીજી ભૂલ એ કરી કે જગન્નાથજીના મંદિર તરફથી દાનમાં મળેલ વાછરડો જે રૂપિયા ૧૦૦ માં વેચી નાખ્યો અને બદલામાં રૂપિયા ૬૦નો ઢાંઢો લાવ્યા. બાકીના ૪૦ રૂપિયા લગ્નના ખર્ચમાં વાપર્યા. મહારાજશ્રીએ એ ભાઈઓને સખત ઠપકો આપ્યો અને કહ્યું કે વાછડાના માલિક તમે નથી, તે તમારાથી ના વેચી શકાય. વળી ચાર સાંતી આટલી ઓછી જમીનમાં કર્યા. આ રીતે તમારો ઉધ્ધાર કેવી રીતે થશે ? તમે વચન તો પાળતા નથી. મણિબહેને પણ આવા આર્થિક પ્રશ્નોમાં પડીને ભૂલ કરી છે. વગેરે વાતો કરી અને સંયુક્ત ખેતી કરવી છે કે નહિ, તેનો આવતી કાલે ભેગા મળી જવાબ આપવા કહ્યું .
રોજ સવા૨ની પ્રાર્થના, પ્રાસંગિક અને રાત્રે જાહેર પ્રાર્થના પ્રવચન નિયમિત રહેતાં હતાં. દિવસે કોઈ વાર સભા રાખતા. બાકી તો આજુબાજુના ગામડાના પ્રશ્નો આવતા, તેની ચર્ચાઓ થતી.
તા. ૭-૭-૫૭ :
આજે દિલ્હીથી નંદલાલ પારેખ મળવા આવ્યા. તેઓ ગાંધી સ્મારક નિધિમાં કાર્ય કરે છે. તેમણે ગાંધી નિધિની કેટલીક વાતો કરી. નાણાનો ભારે દુરુપયોગ થાય છે તે બદલ દુઃખ વ્યક્ત કરતા હતા.
આજે ભંગી ભાઈઓ આવ્યા. તેમને ત્રણ સાંતી રાખી બાકીના બે બળદ વેચી નાખવાનું નક્કી કર્યું છે. ખેતીની ઊપજ આવે તેમાંથી ખેતીના ઉપયોગ સિવાય, ખાવા માટે હવે પછી કોઈ ઉપાડ નહીં કરવાનું નક્કી કર્યું છે. ખાવા માટે અલગ મજૂરી કરી અનાજ મેળવી લેવું. આમ બચત વધશે અને તેના લીધે દેવામાં પૂરક થશે. આ વાત સાંભળી મહારાજશ્રીને સંતોષ થયો અને ગઈ કાલે કડક થયેલાં તે બદલ ક્ષમા યાચી.
બાવળાથી મોચી મંડળીના ભાઈઓ સહકારી મંડળી બદલવા અંગે વાત-ચીત કરવા આવ્યા હતા.
૭૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું