________________
એકલા વિરોધી છે તેઓ અંગે વાતો થઈ. તેમને સંસ્થામાં હોદ્દો મળશે. એટલે વિરોધ શમી જશે એમ અમે કરીશું. મહારાજશ્રીએ તેમની ખોટી હઠને ટેકો નહિ આપવા કહ્યું. સાચી વાતમાં સહકાર લેવો. મહારાજશ્રી તુરત મુંબઈ આવે તેમ તેઓ ઇચ્છતા હતા પણ મહારાજશ્રીએ કહ્યું, ‘આજે ત્યાં જે વાતાવરણ છે તેમાં હું આવીશ તો પક્ષકાર બની જઈશ, તેમાંયે મને વાંધો નથી પણ મહારાષ્ટ્રમાં જવાનો મારો વિચાર છે, તે અધૂરો રહેશે અને સહેજે ત્યાં આવીશ તો એક ભૂમિકા સર્જાશે.’ તેમને વાત ગળે ઊતરી.
તા. ૨૦-૧-૫૮ :
આજે સવારે સાડા છ વાગ્યે બારડોલી કૂપથી પ્રવાસ કરી દોઢેક માઈલ દૂર ઝાંખરી કૂપે આવ્યાં. બરાબર તાપીને કિનારે જ આ કૂપ છે. મુખ્ય ઑફિસની આજુબાજુ મજૂરો માટેના રહેઠાણો છે. વચ્ચે ૨મતગમતનો ચોક છે ત્યાં પ્રવચન રાખ્યું હતું. બાથરૂમ, પેશાબઘર, જાજરૂ વગે૨ે વ્યવસ્થિત આશ્રમી ઢબનાં હતાં. જ્યાં જંગલ કટિંગ કરવાનું હોય ત્યાં તે મંડળીનો નિવાસ હોય છે. ગઈ કાલે ભાલ નળકાંઠામાંથી સહકારી મંડળના ૧૧ ભાઈઓ પર્યટને નીકળેલા. તેમણે આ બધું જંગલનું કામ જોયું અને આજે બપોરે ગયા. રતુભાઈ, કાનભાઈ, દેવસંગભાઈ વગેરે હતા. મુંબઈવાળા ભાઈઓ અમારી સાથે જ ઝાંખરી મંડળી સુધી આવ્યા અને પછી ગયા. અહીં નદી ઊંડાણમાં વહે છે. એક ખેડૂતે ભાઠામાં તમાકુ વાવી છે, સા૨ી થઈ છે. જંગલમાંથી એક ઝરણું પણ એ જગ્યાએથી આવતું હતું. અહીં વાંસ પુષ્કળ છે.
બપોરે ઝીણાભાઈ દરજી આવેલા. તેઓ મળીને સાંજે ગયા. રાત્રે ગિરીશભાઈએ મજૂરોને લંગડી વગેરે રમતો રમાડી. પછી સાત વાગે પ્રાર્થના રાખી હતી. ઘંટ વાગ્યો એટલે બધા મજૂરો પોતપોતાની સાદડી લઈને લાઈનબંધ બેસી ગયા. આદિવાસીઓ માટે આવું શિસ્તબદ્ધ બેસવાનું, સાંભળવાનું કદાચ પહેલું જ હશે. પ્રાર્થના પછી મહારાજશ્રીએ વ્યસનત્યાગ વિશે થોડું કહ્યું હતું. ત્યારબાદ ૧૨ મજૂર ભાઈઓએ જિંદગીભર દારૂ ન પીવાની પ્રતિજ્ઞા કરી હતી. નહિ ગાળવો, નહિ વેચવો એ પણ નક્કી કર્યું. વહેલી સવારે લીંબી સહકારી મંડળના કાર્યકરો અને કેટલાક મજૂરો પેટ્રોમેક્સ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૭૬