________________
તા. ૨૩, ૨૪, ૨૫-૧૦-૫૮ :
કચ્છના દેવજીભાઈ જૈન છે. મહારાજશ્રીની પ્રવૃત્તિ જૈન દૃષ્ટિ પ્રમાણે બરાબર છે. તેને તેઓ શાસ્ત્રોની રીતે મેળ પાડી દે છે. તેઓ મુંબઈના જુદા જુદા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓને મળ્યા. ચર્ચા કરી અને સંતબાલજી ક્યાં ભૂલ કરે છે તે જાણીને તેના જવાબો આપ્યા. આ ઉપરથી સંતબાલજી જૈન સાધુ નથી. ઘાટકોપર સંઘ મિથ્યાત્વ છે. એવી ટીકાઓને લીધે એક ચર્ચાસભા જેવું યોજવા વિચાર્યું. જેથી કેટલીક ગેરસમજ દૂર કરી શકાય. વિ.વા. પ્રા. સંઘના ઉપક્રમે આ ચર્ચા ગોઠવી. અંબુભાઈએ મંડાણ સારું કર્યું. લોકોએ સારો રસ લીધો. એક દિવસ ગુરુકુળ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિનુભાઈએ સારો ભાગ લીધો હતો.
- ત્રીજે દિવસે પ્રા. સંઘ અને કોંગ્રેસ જુદા શા માટે ? એ વિષય ઉપર અંબુભાઈએ સુંદર રીતે સમજાવ્યું હતું. તા. ૧૭-૧૧-૫૮ થી તા. ૨૧-૧૧-૫૮ :
ચાર દિવસ ભાલ નળકાંઠામાં ચાલતી જુદી જુદી પ્રવૃત્તિઓની મિટિંગો હતી એટલે કાર્યકરો, સભ્યો વગેરે આવ્યાં હતાં. સારી ચર્ચાઓ થઈ. મહારાજશ્રીએ પ્રયોગની નિષ્ફળતા, સફળતાનો આધાર કાર્યકરો ઉપર છે એમ જણાવી નિરાશા આવી હોય તો સ્પષ્ટ કરવા જણાવ્યું. એના ઉત્તરમાં બધાંએ નિરાશા નથી એમ જાહેર કર્યું. શક્તિ મુજબ કામ કર્યું જઈશું એની ખાત્રી આપી. સાણંદ ગ્રુપ જરા જુદી રીતે કામ છે એટલે કદાચ ત્યાં મુશ્કેલી ઊભી થાય. તા. ૨૭-૧૧-૫૮ :
આજે ચાતુર્માસ વિદાય સમારંભ બહુ સારી રીતે ઉજવાયો. મોટી સંખ્યામાં ભાઈ-બહેનો વગેરેએ વિદાય આપી હતી.
૨૨૮
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું