________________
અને પોતાના ગામે આવવા ખાસ આગ્રહ કરેલો, પણ પ્રથમથી જ કાર્યક્રમ નક્કી થયેલ હોવાથી ફેરફાર કરવો અશક્ય હતો. અત્રેની રાત્રિ સભામાં દારૂ-માંસ અને કુપસ અંગે કહેવાયું હતું.
બુધાવળથી તલોદા આવ્યા. અત્રેના લોકોએ પ્રેમભર્યું સ્વાગત કર્યું વિદ્યાર્થીઓની, બહેનોની જાહેરસભા યોજાઈ હતી. અહીંની ખેતી સુંદર છે.
- તલોદાથી નિર્ઝર આવ્યા. નિઝર આવતાં રસ્તામાં તાપી નદી ઓળંગવી પડી. નિઝરમાં વષો પહેલાં ખેડા જિલ્લાના ગુર્જર લેઉવા પાટીદાર વસેલા છે. આથી તેમની વસ્તી વધારે છે. તેમનો પહેરવેશ હજુ પણ ગુજરાતના પાટીદાર જેવો છે. ઘરમાં ભાષા ગુજરાતી બોલાય છે પરંતુ આજુબાજુનો સંબંધ મરાઠી તેમજ શિક્ષણ પણ મરાઠી હોઈ મરાઠી-ગુજરાતી મિશ્રિત ભાષા બોલે છે. પ્રવચન દરમ્યાન ધર્મનું રહસ્ય સમજાવ્યું હતું. ભંગીવાસ તથા ચમારવાસની મુલાકાત લીધી હતી.
નિઝરથી નંદરબાર આવ્યા. નંદરબારવાસીઓએ મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું. ત્રણ દિવસના વસવાટ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રાત્રિસભાના પ્રવચનમાં રાજકારણ, સમાજકારણ અને અર્થકારણ ઉપર સારી એવી ચર્ચા થઈ તથા ધર્મનું રહસ્ય ઊંડાણથી સમજાવ્યું. જિલ્લાના કાર્યકરોએ મહારાજશ્રીનો લાભ લઈ અહીં ગાંધીમેળો યોજાયો હતો. નંદરબાર જૂની નગરી છે. વસ્તી ૩૪ હજારની છે. ગુજરાતીઓની વસ્તી સારા પ્રમાણમાં છે. પાણી વગેરેની સગવડ સારી છે. નંદ નામના રાજા અને નવાબ વચ્ચે જે લડાઈ થઈ હતી તેના સ્મારકો જોવાલાયક છે. અહીંની દેસાઈ પોળમાં ચારસો વર્ષ પહેલાંના બાંધેલા ઘરો મોજૂદ છે. જે ઉપરથી ચારસો વર્ષ પહેલાની ઘર-બાંધણીનો ખ્યાલ મળી રહે છે. નંદરબાર અને શીંદખેડા તાલુકો દેસાઈ લોકોના વહીવટ તળે હતો. તે અંગેના પુરાવા મળી રહે છે.
નંદરબારથી વાવદ થઈને ઉનાળે આવ્યાં. અહીં તંબોલી લોકોની વસ્તી વધારે છે. આ લોકો નાગરવેલનાં પાનની ખેતી કરે છે. નાગરવેલનાં છોડનું આયુષ્ય ૨૫ વર્ષ સુધીનું ગણાય છે અને બારેમાસ પાન આપે છે. સારી જમીન હોય તો વિઘે ૪ થી ૫ હજાર રૂપિયાનું ઉત્પન્ન મળે છે. જમીન પાછળ ખર્ચ પણ સારું એવું કરવું પડે છે. અગિયારસો સારા પાનનો ભાવ અઢી રૂપિયા છે. નાના પાન આઠ આને હજાર વેચાય છે. વહોરા લોકોની વસ્તી સારા પ્રમાણમાં છે. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૮૩