Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 240
________________ પ્રવચન બાદ પૂ. સંતબાલજીએ પોતાનું લેખિત, ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મનો ફાળો એ વિષય ઉપરનું મનનીય પ્રવચન વાંચ્યું હતું. બાદમાં પૂ. નાનચંદ્રજી મહારાજે પોતાની લાક્ષણિક શૈલીમાં સંતબાલજી કેવી રીતે મળ્યા, પછી કેવી રીતે છૂટા પડ્યા અને અત્યારે જે સુંદર કામ કરી રહ્યાં છે તે જણાવ્યું. પોતે વાડામાં પુરાઈ રહ્યા. સમાજસેવા કંઈ નથી કરી શકતા. વાણિયાને ઉપદેશ ખૂબ આપ્યો પણ તેમનાં દિલ પલળ્યાં લાગતાં નથી કારણ કે ઘણાં સંતો જુદી જુદી વાતો કરે ત્યારે સંતબાલે વિશાળ વાડો બનાવ્યો. નળકાંઠામાં એક જ ઉપદેશ એટલે સુંદર પરિણામ લાવી શક્યાં. અમદાવાદમાં દ્વિભાષી તોફાનો વખતે ખેડૂત ટુકડીઓની અહિંસક પ્રતિકાર શક્તિ જોઈ દંગ થઈ ગયો. છતાં કેટલાક લોકો કહે છે સંતબાલ સાધુ નથી. સાધુતાના ઘણા ખરા નિયમો પાળે છે. તે જૈન સાધુ નહીં, જનસાધુ છે. માનવજાતની સેવા કરે છે. અમો વાતો આત્માની કરીએ છીએ પણ કહેવાઈએ છીએ વાણિયાના સાધુ. વગેરે ઘણી વાતો કરી. એ રીતે ગુરુને છાજે તેવી રીતે નહિ ઓછી કે નહિ વધારે જે સત્ય હકીકતો હતી તે કહીને શિષ્યનું બહુમાન કર્યું. ઘણાં વખાણ કર્યા. ગુરુ-શિષ્યના આંતરિક પ્રશ્નમાં કાંઈ બાધા આવી શકતી નથી. છેવટે આભારદર્શન બાદ સૌ વિખરાયાં હતાં. ગોચરીનો સમય થયો પણ એક ખબર સાંભળ્યાં કે ..ભાઈ કરીને એક ભાઈએ ઉપવાસ કર્યો છે એટલે સંતબાલજીએ આગેવાનોને બેસાડી આખી સ્થિતિનો ખ્યાલ આપ્યો. તેમણે કહ્યું કે એકાદ વ્યક્તિની ખોટી હઠને તમે તાબે ન થાવ પણ એક માના સો દીકરામાં એકાદ દીકરો ભૂખ્યો રહે તો માથી કેમ ખાઈ શકાય ? એટલે તમે બીજા કાંઈ આગ્રહ ના રાખો. બહુ ઉકળાટ પણ ના કરો. કુદરતી પ્રેરણાથી બધું સારું થશે એમ વાતચીત ચાલતી હતી. ત્યાં એક ભાઈ તેમને બોલાવવા ઉપડ્યા. બોલાવી લાવ્યા. મોટા મહારાજ, સંતબાલજી, કાન્તિભાઈ અને નરભેરામભાઈ એકલા બેઠા. દુ:ખનું કારણ પૂછ્યું તો કહે ગઈ કાલે કાંતિભાઈએ જે ફેંસલો આપ્યો તેની જાણ કોઈએ મને કરી નહિ. કાન્તિભાઈ : બધા સભ્યો હાજર હતા. હું દરેક સભ્યને ઘેર ઘેર કહેવા જાઉં એટલો સમય પણ નહોતો. અંતે તો વાતમાં કંઈ માલ નહોતો. સમાધાન થઈ ગયું. સંતબાલજીએ ભોજન નહીં લીધેલું એટલે મોટા મહારાજે પણ નહિ લીધેલું. જયારે એ બંને ના લે તો સંઘના ભાઈઓ કેવી રીતે લઈ શકે ? સમાધાનથી બધાને સંતોષ થયો. ૧૯૪ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250