________________
તા. ૨૫-૬-૫૮ : વિલે પારલા
જોગેશ્વરીથી નીકળી વિલે પારલા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો સાધના આશ્રમમાં રાખ્યો હતો. તા. ૨૬-૬-૫૮ :
સવારે સવા આઠ વાગ્યે જાહેરસભા થઈ હતી. બપોરે સાડા ત્રણ વાગે બહેનોની સભા રાખી હતી. રાત્રે પ્રાર્થના પછી ચર્ચા થઈ હતી. દિવસે ચંદુલાલ નાણાવટી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાથે શિસ્ત માટે શુદ્ધિપ્રયોગ અંગે વાતો થઈ હતી. ત્યારબાદ બપોરે હાઈસ્કૂલની છોકરીઓ સાથે પણ વાર્તાલાપ યોજયો હતો.
ઘાટકોપર ચાતુર્માસ
૨૦ જુન થી ૨૭-૧૧-૫૮ તા. ૨૭-૬-૫૮ :
વિલે પારલાથી પ્રવાસ કરી ઘાટકોપર આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો નવા ઉપાશ્રયમાં રાખ્યો હતો. મણિબહેન નાણાવટી અને બીજી બહેનો તથા શાંતિભાઈ સાથે આવ્યા હતા.
ઘાટકોપર ચાતુર્માસનો ભવ્ય ઇતિહાસ છે. સને ૧૯૩૭માં નર્મદા કાંઠે રણાપુર મુનિશ્રી સંતબાલજી સાધના માટે સમૌન એકાંતવાસ રહ્યા તે દરમ્યાન તેઓશ્રીએ જે વાંચ્યું, વિચાર્યું, ચિંતન-મનન કર્યું તેના નિષ્કર્ષરૂપે પરંપરાથી ચાલ્યા આવતા રૂઢિગત નિયમોમાં તેઓશ્રીએ જે ફેરફારો કર્યા તેનાં કારણે સ્થાનકવાસી સમાજ ખળભળી ઊઠ્યો. પરિણામે સંપ્રદાયે તેમને સંઘાડા બહાર મૂક્યા. ગુરુ નાનચંદ્રજીએ શિષ્ય તરીકે સંતબાલજીને મુક્ત કર્યા - કરવા પડ્યા. ઉપાશ્રયોના દરવાજા મુનિશ્રી માટે બંધ થયા. જો કે પ્રવાસ વખતે ગામડામાં, કસ્બામાં અને શહેરોમાં પણ ઘણે ઠેકાણે તેઓશ્રીને ઉપાશ્રયમાં સ્થાન તો મળતું પણ જાહેર પરંપરાની રીતે ચાતુર્માસનું આમંત્રણ કોઈ સંઘ આપતો નહિ. મુંબઈ, ઘાટકોપરનો જૈન સંઘ ક્રાંતિકારી વિચારો ધરાવતો હતો. તેના કાર્યવાહકો જમાનાને પીછાણનારા અને હિંમતવાળા હતા. તેમણે વિચાર્યું કે મુનિશ્રી સંતબાલજી જેવા તેજસ્વી, જૈન ધર્મને ઉજાળનાર, યુવાનોને પ્રેરણા આપનાર, ચારિત્ર્યશીલ સંતનો લાભ પ્રજાને કેમ ન આપવો ? અને સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૨૧૧