________________
આજે આખો દિવસ મહારાજશ્રીએ રતિભાઈ, હરિભાઈ, પ્રહ્લાદભાઈ વગેરે મુખ્ય માણસોને નવાં મૂલ્ય અંગે સમજણ આપી. વાત ગળે ઊતરી અને રતિભાઈએ રાત્રે જાહેરસભામાં સુંદર સમજૂતી ઉપવાસ અંગે આપી.
તા. ૨૨-૯-૫૮ :
આજે અને ગઈ કાલે બે દિવસ મહારાજશ્રીને શરદી રહી. માથું દુ:ખ્યા કર્યું. ટપાલ લખી, વાંચી.
તા. ૨૩-૯-૫૮ :
આજે ઠીક રહ્યું. હમણાં પ્રાર્થના જ બે વખત રાખી છે. બંને કાર્યક્રમ બંધ છે. રહેવાનું નવા ઉપાશ્રયમાં જ રાખ્યું છે. એનીમા લીધો, પણ કંઈ જ નીકળ્યું નહિ. રાત્રે શરદી સારી રહી.
તા. ૨૪-૯-૫૮ :
આજે ફરીથી એનિમા લીધો. ઘણો કચરો નીકળી ગયો એટલે સારું રહ્યું. મુલાકાતીઓ તો ચાલુ જ હોય છે. આજે કાંદાવાડી સંઘનાં ૪૫ બહેનો દર્શને આવ્યાં. તેમને ઉપવાસ વિશે ખ્યાલ આપ્યો કે સામાજિક મૂલ્યો માટે તપ થવું જોઈએ. મહાવીર સ્વામીના જીવનમાંથી સામાજિક તત્ત્વો કહી બતાવ્યાં.
રાત્રે લગભગ સવા દસ વાગ્યે અંજારથી નરસિંહભાઈનો કૉલ આવ્યો. જણાવ્યું છે કે ગુલાબશંકરભાઈને લઈને અંજાર આવ્યો. કાનજીને કુંવરજીભાઈને મળ્યો. કાનજીએ કહ્યું મારે દુબઈ જવું નથી. વળી મેં ૧૨ એકર જમીન ખેડવા રાખી છે. છ એકરમાં કપાસ, છ એકરમાં મગ કર્યા છે. પાછોતરો વરસાદ છે એટલે બીજું મળશે. મને હવે રોટલાનું સાધન મળી ગયું છે, સંતોષ છે. મહારાજશ્રી પારણાં કરે. બીજું સતાધાર કરીને ચાર માઈલ દૂર એક ડેમ છે. તેની ઉ૫૨ ૩૦૦ એકર જમીનમાં સહકારી ખેતી મંડળી ઊભી થઈ છે. તેના પ્રમુખ કાંતિભાઈ અંતાણી, કૉંગ્રેસ પ્રમુખ છે. તેમણે કહ્યું કાનજી દસ રૂપિયાનો શૅર લે. એટલે અમે ગમે ત્યારે દાખલ કરવા તૈયાર છીએ. બી, બળદ, હળ વગેરે સાધનો પણ આપીશું, જોઈએ તેટલી જમીન ખેડે. છ ફૂટે મીઠું પાણી મળે છે. ડેમમાં ૧૩ ફૂટ પાણી છે. આ ઉપરથી કાનજીને રોટલાનું સાધન મળી રહ્યું છે તો મહારાજશ્રી પારણાં કરે, એમ અહીં બેઠેલ કચ્છ પ્રા. સંઘના પ્રમુખ શ્રી ગુલાબશંકરભાઈ કૉંગ્રેસ પ્રમુખ અંતાણી વગેરે બંને ભક્ત છે. મેં કહ્યું કાનજીની સાથે વાતો તો કરે, કાનજી નહિ આવે તેણે કાગળ લખી આપ્યા છે. વળી સોસાયટીવાળા પણ લખી આપે છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૨૩