________________
તા. ૯-૧-૫૮ : બાલદા
મઢીથી બાલદા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો આશ્રમમાં રાખ્યો હતો.
બપોરે ત્રણ વાગ્યે વિદ્યાર્થીઓ અને પંચાયતના સભ્યો વગેરેની મિટિંગ રાખી હતી. બાલદા, વાંસકૂઈ અને બીજા એક ગામના વિદ્યાર્થીઓ અને લોકો આવ્યા હતા.
રાત્રે જાહેરસભા થઈ. બાળકો અને બીજાં ઘણાં ભાઈ-બહેનો આવ્યાં હતાં. જંગલમાં મંગલ દેખાતું હતું. મઢીથી ખટારો ભરીને ત્યાંનાં ભાઈબહેનો આવ્યાં હતાં. સભામાં અંબુભાઈએ સંગઠન ઉપર અને મહારાજશ્રીએ માનવ જન્મ મળ્યો છે તે હીરા કરતાં વધુ કિંમતી છે માટે ગમે તેમ ન વેડફી નાખવા કહ્યું.
આજે મેઘરજથી વલ્લભભાઈ દોશી મહારાજશ્રીને મળવા આવ્યા. મઢીથી ત્રણ ભાઈઓ પણ બેચાર દિવસ સાથે રહેવા આવ્યા છે. તા. ૧૦, ૧૧-૧-૫૮ : બોરખડી
બાલદાથી બોરખડી આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. અમારી સાથે ૨૫ ભાઈઓ પ્રવાસમાં થઈ ગયા.
સવારના દસેક વાગે સઘન યોજનાના સંચાલક શ્રી અલ્લુભાઈ શાહ અને ઉપસંચાલક આવ્યા. ગામલોકો અને તેમની સાથે આ પ્રદેશમાં સઘન યોજના તળે ચાલતાં કામોથી માહિતગાર થયા.
આજુબાજુની ગાયો કંઈ જ ઉપયોગની નથી. ઓલાદ ઊતરી ગઈ છે. મોટી બકરી જેવી લાગે, શેર-બશેર દૂધ આપે, બળદ તો ખેતીના કામમાં ઓછા આવે એટલે આ ઓલાદને સુધારવી જોઈએ કાં તો બીજી જાતની ગાયો પાળવી જોઈએ.
અહીં આવ્યા પછી સઘન તરફથી ચાલતાં વણાટ કેન્દ્ર સમાજ સેવા કેન્દ્ર અને અંબર વર્ગની મુલાકાત લીધી તેની માહિતી મેળવી અને શીખનારા અને કાર્યકરો સમક્ષ અંબુભાઈએ ગ્રામોદ્યોગ શા માટે ? તે આંકડાથી સમજાવ્યું. મહારાજશ્રીએ દારૂબંધી કરવા અને સંગઠન કરવા કહ્યું.
અમારો નિવાસ હતો ત્યાં પુષ્કળ પ્રમાણમાં ચાંચડ હતા એટલે રાત્રે કોઈને ઊંઘ બરાબર ન આવી. ઓઢવા-પાથ૨વાનું સાધન પણ ઓછું હતું. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬૮