________________
છે. વધારે સ્પષ્ટતા ઢેબરભાઈ આવતી કાલે આવવાના છે, ત્યારે થઈ જશે. આ બોલતા હતા ત્યાં જ શ્રી ઠાકોરભાઈ ઊભા થઈને બોલ્યા - અમારે વ્યવહારમાં મુશ્કેલી છે. સામાજિક, આર્થિક બાબતોમાં સ્વતંત્ર નીતિનો મેળ કેવી રીતે પડશે? તે સવાલ છે. મગનભાઈને માટે ઉપવાસ કરવા પડ્યા. તે બળાત્કાર છે. વગેરે વાતો કરી. ઢેબરભાઈને સીધું લખે છે. તેઓ મુનિશ્રીથી અંજાઈ જાય છે. વગેરે સૂરતના ચોખાવાળા ભરૂચના ચંદ્રકાંત ગાંધી વગેરેનું વલણ મંડળ તરફ સહાનુભૂતિવાળું લાગ્યું. બાબુભાઈ જસભાઈ, ઠાકોરભાઈ અને મગનભાઈ ર. પટેલને અલગ ખેડૂત મંડળોની વાત ગળે ઊતરતી નથી. સાંજના તેઓ છૂટા પડ્યા. એ પહેલાં એટલું થયું કે પ્રાયોગિક સંઘ સંચાલિત ખેડૂત મંડળો કોંગ્રેસે માન્ય કરવાં. પણ કેટલાક પ્રશ્નોમાં જયારે મતભેદ પડે ત્યારે એ ભાઈઓનું સૂચન એ હતું કે જિલ્લા સમિતિના પ્રમુખ જે નિર્ણય આપે, તે બંનેએ માન્ય રાખવો. એથી આગળ પ્રદેશ સમિતિના પ્રમુખ આગળ અપીલે જઈ શકે પણ મહારાજશ્રીનો આગ્રહ એ રહ્યો કે બે પ્રદેશ સમિતિના સભ્યો અને બે ગ્રામસંગઠનના સભ્યો મળી પ્રશ્નનો નિકાલ લાવે. છેવટે બહુમતીથી નિર્ણય લે અગર ચિઠ્ઠી નાખીને નિર્ણય લે. આટલો પ્રશ્ન અધૂરો રાખી એ સૌ છૂટા પડ્યાં.
પરંતુ સાંજના છાપામાં વાંચ્યું કે સામાજિક, આર્થિક નીતિની સ્વતંત્રતાવાળા પણ રાજકીય માતૃત્વ કૉંગ્રેસને આપનારાને પ્રદેશ સમિતિ માન્ય નહીં કરે. આ વાંચીને સૌને આંચકો લાગ્યો કારણ કે ઠાકોરભાઈએ તે જ દિવસે કહેલું કે આપ વિશ્વવાત્સલ્યમાં જે લખવાના હો તે બતાવીને છાપો તો સારું. એટલા માટે તેઓ તા. ૨૨-૭-પ૭ના રોજ નાનુભાઈ દેરાસરી અને એક બહેન સાથે આવી લખાણ વાંચી ગયા. કેટલાક શબ્દો મહારાજશ્રીએ સુધાર્યા પણ ખરા અને ત્યારપછી આ નિવેદન આવ્યું, તેથી આઘાત લાગ્યો. આ તો એક જાતનો દગો કહેવાય. કાં તો તેમણે ૧૬મી તારીખે જ પોતાનું જે મંતવ્ય હોય તે બહાર પાડવું જોઈતું હતું અને કાં તો તા. ૧લીએ વિશ્વવાત્સલ્યમાં લખાણ આવે. ત્યારપછી જવાબરૂપે બહાર પાડવું જોઈતું હતું પણ કશુંય નહીં કરતાં સભામાં જે નક્કી થયું હતું તેનાથી જુદું અને પ્રથમ મહારાજશ્રીનું વાંચન વાંચી લીધા પછી જે છાપવું હતું તે છપાવી લીધું. પહેલું છપાવી લેવાની ઉતાવળ કરી એ દગા જેવું કર્યું ગણાય. જે કૉંગ્રેસને નામે શોભતું નહોતું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું